ઘરે જ બુંદી પાડીને બનાવો બુંદીના શુદ્ધ ઘીના લાડુ…

બુંદીના લાડુ મોટે ભાગે બધા બહારથી જ લાવીને ખાતા હોય છે અથવા તો ભગવાનને ધરતા હોય છે. પણ તેની શુદ્ધતા વિષે હંમેશા જ શંકા રહે છે. તો આ વખતે ઘરના લોકોને ખવડાવો ઘરે જ પાડેલી બુંદીમાંથી બનાવેલા લાડુનો પ્રસાદ.

બુંદીના લાડુ બનાવવા માટે સામગ્રી

2 વાટકી ચણાનો લોટ

½ વાટકી દુધ

1 વાટકી પાણી

6-7 કેસરનાં તાંતણા

3-4 ઇલાઈચીના દાણા

ચાસણી બનાવવા માટેઃ 1 વાટકી ખાંડ, 1 વાટકી પાણી

બુંદીના લાડુ બનાવવા માટેની રીત

બુંદીના લાડુ બનાવવા માટે બુંદી જીણી હોવી જરૂરી છે. તો તેના માટે અહીં બતાવ્યું છે તેમ તમે ખીલ્લીનો છેડો ગેસ પર ગરમ કરીને તેનાથી પ્લાસ્ટિકના નક્કામાં બોલમાં કાણા પાડી શકો છો.

આમ તો બહાર જેમ ગાંઠિયા પાડવા માટે સ્પેશિયલ જારો મળે છે તેવી જ રીતે બુંદી પાડવાનો જારો પણ મળે છે. પણ આપણે વર્ષે એકાદ બે વાર જ બુંદીના લાડુ બનાવવા હોય તો જારો વસાવવાનો કોઈ અર્થ નથી તેની જગ્યાએ આ રીત અપનાવીને પણ તમે બુંદીના ટીપાં પાડી શકો છો.

આ ઉપરાંત તમે અહીં બતાવી છે તે પ્રમાણે સાવ જ જીણા કાણા વાળી ચારણી કે ગરણી પણ લઈ શકો છો અને તેના દ્વારા પણ બુંદી પાડી શકો છો.

હવે બુંદીના લાડુ બનાવવા માટે સૌપ્રથમ તમારે બે વાટકી બેસન લેવું. તેને એક મોટા મિક્સિંગ બોલમાં કાઢી લેવું. હવે તેમાં અરધી વાટકી દૂધ ઉમેરી દેવું. બુંદીનું બેટર બનાવવા માટે અહીં અરધી વાટકી દૂધ લેવામાં આવ્યું છે.

હવે બેસનમાં દૂધની સાથે સાથે બીજી એક વાટકી પાણી ઉમેરી દેવું અને તેને બરાબર હલાવીને તેનું બેટર તૈયાર કરી લેવું.

અહીં બતાવી છે તે પ્રમાણે બેટરની કન્સીસ્ટન્સી રહેવી જોઈએ અને બેટરમાં એક પણ લંગ્સ ન રહેવો જોઈએ માટે ધીરજથી બેટરને બરાબર હલાવીને તૈયાર કરી લેવું. જો તમે બહાર મળતા ઓરેન્જ રંગના બુંદીના લાડુ બનાવવા માગતા હોવ તો તમારે આ સ્ટેજ પર ઓરેંજ ફુડ કલર એડ કરી દેવો. જોકે અહીં રંગ ઉમેરવામાં નથી આવ્યો.

હવે ગેસ પર ઘી ગરમ કરવા મુકી દેવું. બુંદીના લાડુવાળી બુંદી ઘીમાં જ ગરમ કરેલી સ્વાદિષ્ટ લાગે છે.

હવે ઘી ગરમ થાય એટલે અહીં બતાવ્યું છે તેમ કાણા પાડેલા પ્લાસ્ટિકના બોલમાં ચમચી ચમચીએ ખીરુ એડ કરીને ચમચીને ઘસીને તેમાંથી બુંદીઓ પાડવી.

તમે જો જાતે જ ખિલ્લી ગરમ કરીને કાણા પાડવાના હોવ તો તમારે નાના જ કાણા પાડવા એટલે નાની જ બુંદી પડે. અને બેસનનાં ખીરાનું ટીપું તેલમાં પડતાં તે થોડું ફુલી જતું હોવાથી બુંદી માટે નાના કાણાવાળી ચારણીનો જ ઉપયોગ કરવો.

આ બુંદીને તળાતા જરા પણ વાર નથી લાગતી અને તેને વધારે પડતી તળવાની પણ નથી. માત્ર બે જ મિનિટ બુંદીને તળાવા દેવી. બુંદી થોડી ક્રિસ્પિ થાય એટલે તેને બહાર કાઢી લેવી. બુંદી ઘીમાંથી કાઢવા માટે મોટો જારો નહીં પણ જાળીવાળી ગરણીનો ઉપયોગ કરી શકો છો. બુંદીને જરા પણ બ્રાઉન ન થવા દેવી. આવી જ રીતે બધી જ બુંદી તળી લેવી.

હવે બુંદીના લાડવા બનાવવા માટે ચાસણી તૈયાર કરવાની છે. તેના માટે એક તપેલીમાં અડધી વાટકી પાણી ઉમેરવું અને એક વાટકી ખાંડ ઉમેરી દેવી. અહીં ખાંડ ડૂબે તેટલુ જ પાણી લેવામાં આવ્યું છે. હવે તેને ગેસ પર ગરમ થવા મુકી દેવી.

હવે ચાસણી ગરમ કરવા મુક્યા બાદ તેમાં બે-ત્રણ ઇલાઈચીના દાણા અને 5-6 કેસરના તાંતણા ઉમેરી દેવા. ચાસણીને તમારે દર મિનિટે હલાવતા રહેવી જેથી કરીને ખાંડ નીચે ન ચોંટી જાય અને જલદી મિક્સ પણ થઈ જાય.

હવે તૈયાર થયેલી બુંદી થોડી ઠંડી થાય એટલે તેનો હળવા હાથે થોડો ભુક્કો તૈયાર કરી લેવો. જેથી કરીને બુંદી નાની-મોટી થઈ હોય તો સરખી થઈ જાય.

આ દરમિયાન ચાસણી પર ધ્યાન રાખતા રહેવું. થોડીવારમાં ચાસણી ઘાટી થઈ જશે અને ચીકણી પણ થઈ ગઈ હશે પણ અહીં બતાવવામાં આવ્યું છે તેમ તે એક તારની થાય ત્યાર પછી જ ગેસ બંધ કરવો.

હવે ચાસણી તૈયાર થઈ ગયા બાદ તેમાં ધીમે ધીમે બુંદીનો ભુક્કો ઉમેરતા જવો. એક સાથે બુંદીનો ભુક્કો ન ઉમેરવો કારણ કે જો ચાસણી ઓછી હશે તો ફરીથી બનાવવી પડશે માટે લાડવા વળે તેટલી બુંદી તેમાં ઉમેરવી.

હવે તેને બરાબર હલાવી લેવી. બુંદીનો ભુક્કો વધે તો વાંધો નહીં પણ ચાસણીની અંદર બુંદી ઉમેરો ત્યારે તેમાંથી સરળ રીતે લાડવા વડે તેટલી જ બુંદી તેમાં નાખવી. વધારાની બુંદીનો તમે ભેળ, ચાટ, પાણી પુરીમાં ઉપોયગ કરી શકો છો.

હવે અહીં બતાવ્યું છે તેમ તમારે જે સાઈઝના લાડવા બનાવવા હોય તેટલા પ્રમાણમાં ચાસણીવાળી બુંદી લેવી અને તેને મુઠ્ઠીમાં દબાવવી.

હવે તેને મુઠ્ઠીમાં દબાવ્યા બાદ બે હાથમાં થોડી ગોળ ગોળ ફેરવી તેને ગોળ આકાર આપવો અને પછી એક હાથે જ તેને હળવા હાથે દબાવીને તેની લાડુડી વાળવી. આવી રીતે બધી જ લાડુડી વાળી લેવી.

તો તૈયાર છે ઘરે જ પાડેલી બુંદીની લાડુડી. આ શુદ્ધ સામગ્રીઓમાંથી હાથે જ બનાવેલી બુંદીની લાડુડી ભગવાનને ધરવાની અથવા તો ઘરના લોકોને ખવડાવવાની એક અલગ જ મજા હોય છે. તો તમે પણ બનાવો બુંદીની લાડુડી.

બુંદીના લાડુ બનાવવા માટે વિગતવાર વિડિયો


રસોઈની રાણી : નીધી પટેલ

સૌજન્ય : ફુડ ગનેશા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *