હેલ્ધી નટ્સ એન્ડ ડેટ્સ મોદકઃ ગણપતિને ધરો ખજૂર-ડ્રાઇફ્રુટ્સ ના મોદક…

ગણપતિનો મહોત્સવ ચાલી રહ્યો છે અને ઘરે-ઘરે ગણપતિજીને બિરાજવામાં આવ્યા છે. અને રોજ નવી નવી પ્રસાદીઓ ધરવામાં આવે છે તો આજે ગણપતિ બાપ્પાને પણ હેલ્ધી-હેલ્ધી ખજૂર-ડ્રાઇફ્રુટ્સના મોદક ખવડાવો.

હેલ્ધી નટ્સ એન્ડ ડેટ્સ મોદક બનાવવા માટે સામગ્રી

1 કપ ખજૂર (લઘભગ 20-22 નંગ)

½ ટેબલ સ્પૂન ઘી

¼ કપ જીણા સમારેલા કાજુ

¼ કપ જીણી સમારેલી બદામ

¼ કપ જીણા સમારેલા પિસ્તા

1 ચમચી ખસખસ

½ ટી સ્પૂન ઇલાઈચી પાઉડર

હેલ્ધી નટ્સ એન્ડ ડેટ્સ મોદક બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાટકો ખજૂર લેવા અને તેને વચ્ચેથી કાપો મુકી તેમાંથી બી કાઢીને તેના બે ટુકડા કરી લેવા. અહીં સોફ્ટ ખજૂર લેવામાં આવી છે એટલે વધારે જીણા ટુકડા નથી કરવામાં આવ્યા પણ જો તમે રેગ્યુલર ખજૂર લેવાના હોવ તો તેના જીણા-જીણા ટુકડા કરવા અથવા તો તેને મિક્સિમાં અધકચરા વાટી લેવા.

હવે એક પેન લેવું અને તેમાં અરધી મોટી ચમચી ઘી ઉમેરી દેવું. ઘી થોડું ગરમ થાય એટલે તેમાં પા કપ જીણા સમારેલા કાજુ, પા કપ જીણી સમારેલી બદામ અને પા કપ જીણા સમારેલા પિસ્તા ઉમેરી દેવા.

હવે તેને ધીમા તાપે હળવા-હળવા સાંતળી લેવા. ખજૂર સાથે શેકેલા ડ્રાઇફ્રૂટનો ટેસ્ટ ખુબ જ સરસ આવતો હોય છે. એટલે ડ્રાયફ્રુટ્સ ખાસ નાખવા. હવે તે શેકાઈ જાય એટલે તેને એક ડીશમાં કાઢી લેવા.

હવે તે જ પેનમાં થોડું ઘી ઉમેરીને તેમાં ચોપ કરેલા કે પછી વાટેલા ખજૂર ઉમેરી દેવા અને તેને વ્યવસ્થિત સાંતળી લેવા.

અહીં સોફ્ટ ખજૂર લેવામાં આવ્યા હોવાથી તેની પેસ્ટ ખુબ જ જલદી બની જાય છે જો તમે દેશી ખજૂર લીધી હોય તો પેસ્ટ બનતા વાર લાગશે અથવા તો તમારે તેને મિક્સરમાં અધકચરી વાટી લેવી જેથી કરીને પેસ્ટ જલદી બની જાય. ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી તેને શેકવી

હવે ખજૂર બરાબર શેકાઈ જાય એટલે તેમાં જીણા સમારીને સાંતળીને તૈયાર રાખેલા ડ્રાઇફ્રુટ્સ ઉમેરી દેવા. અહીં ડ્રાયફ્રૂટ્સ જીણા સમારેલા લેવામાં આવ્યા છે પણ તમે તેને મિક્સરમાં અધકચરા વાટીને પણ લઈ શકો છો. અને તમારી પસંદ પ્રમાણે તેનું પ્રમાણ વધારી ઘટાડી શકો છો.

ડ્રાયફ્રુટ્સને ખજૂર સાથે બરાબર મિક્સ કરી લીધા બાદ તેમાં એક મોટી ચમચી ખસ ખસ ઉમેરી લેવી અને તેને તેમાં બરાબર મિક્સ કરી લેવી.

ખસખસને ખજૂરમાં મિક્સ કરી લીધા બાદ તેને ગરમ પેનમાંથી ડીશમાં લઈ લેવું અને તેને થોડીવાર માટે ઠંડુ થવા દેવું.

હવે માર્કેટમાં મોદકના બિબા મળતાં હોય છે. તેવું એક બિબુ લેવું અને બિબાની અંદરની બાજુએ તેને થોડા ઘીથી ગ્રીસ કરી લેવું.

હવે આ ગ્રીસ કરેલા મોદકના બિબામાં પુરતા પ્રમાણમાં ખજૂરનો જે માવો તૈયાર કર્યો છે તે ભરી લેવો. તેને વ્યવસ્થિત ભરવો અને કીનારીઓ વિગેરે બરાબર દબાવી લેવી જેથી કરીને તેનો સુંદર શેઇપ મળે.

અહીં તમે જુઓ છો કે મોદકના બિબાના કારણે ખજૂરના મોદક ખુબ જ સુંદર બન્યા છે. તેવી જ રીતે બીજા બધા માવામાંથી પણ આવા સુંદર મોદક પાડી લેવા.

તો તૈયાર છે ગણપતિજીને ધરવા માટે ડ્રાયફ્રૂટથી ભરપૂર ખજૂરના હેલ્ધી-હેલ્ધી મોદક. ગણપતિ તો પ્રસન્ન થશે જ પણ આરતીમાં આવનારા મહેમાનોને પણ પ્રસાદ ખુબ ભાવશે.

હેલ્ધી નટ્સ એન્ડ ડેટ્સ મોદક બનાવવા માટે વિગતવાર વિડિયો


રસોઈની રાણી : ચેતના પટેલ

સૌજન્ય : ફુડ કૂટોર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *