હરિયાલી કોફ્તા કરી – ડુંગળી અને લસણ વગર પણ બનાવી શકશો એકદમ ટેસ્ટી કોફ્તા…

દિવાળીમાં મારા મમ્મી ના ત્યાં થોડા દિવસો માટે રહેવા આવી છું. અને મારા મમ્મી લસણ-ડુંગળી નથી ખાતા તો તેમને ખાઇ શકાય ને ભાવે તેવી એક કોફ્તા સબ્જી બનાવી. રેગ્યુલર જૈન રેડ ગ્રેવી માં પાલખ-લીલા વટાણા ના હરિયાલી કોફ્તા સાથે સબ્જી તૈયાર કરી છે. પહેલીવાર બનાવ્યું પણ લાગ્યું જ નહીં કે લસણ-ડુંગળી વગરની છે. રેગ્યુલર જેટલી જ ટેસ્ટી બની.

અહીં સબ્જીમાં ખડાં મસાલા લીધાં હોવાથી ગ્રેવીમાં ગરમ મસાલો કે બીજા રેગ્યુલર સિવાયના મસાલા નથી ઉમેર્યા. ખાલી કોફ્તામાં થોડોક ગરમ મસાલો ઉમેર્યો છે. જેથી મસાલા બેલેન્સ્ડ થાય છે તો સરસ સ્વાદ આવે છે. સાથે સલાડમાં ડુંગળી લીધી છે🙏😄, કારણ કે ફેમિલીમાં બીજા બધાં ડુંગળી ખાય છે. મારા મમ્મી ની સબ્જી અલગથી રાખી હતી.

નોંધ: આ રેસીપીને શુધ્ધ જૈન બનાવવી હોય તો બાફેલા બટાકાની જગ્યાએ બાફેલા કાચા કેળા લેવા.

સમય: ૧ કલાક, ૪ વ્યક્તિ માટે

ઘટકો:

👉ગ્રેવી માટે,

  • • ૩ મોટા ટામેટાં
  • • ૨ ટેબલ સ્પૂન કાજુના ટુકડા
  • • ૮-૧૦ બદામ
  • • ૧ ટેબલ સ્પૂન મગસ્તરીના બીજ
  • • ૨-૩ લીલા મરચાં
  • • ટુકડો આદુંનો
  • • ૨-૩ લવિંગ
  • • ટુકડો તજનો
  • • ૨-૩ નાની ઇલાયચી
  • • ૧ મોટી ઇલાયચી
  • • ૧ તમાલપત્ર
  • • ૨ નાના ટુકડા બાદિયા
  • • ૧ ટીસ્પૂન જીરુ
  • • ૧/૨ ટીસ્પૂન હળદર
  • • ૧ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર
  • • ૧ ટીસ્પૂન ધાણાજીરુ પાવડર
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • ૧/૨ ટીસ્પૂન ખાંડ
  • • ૧ ટેબલ સ્પૂન તેલ
  • • ૧ ટેબલ સ્પૂન ઘી
  • • ૨ ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ
  • • ૧ ટીસ્પૂન કસુરી મેથી

👉હરિયાલી કોફ્તા માટે,

  • • ૧૦૦ ગ્રામ પાલખની ભાજી
  • • ૧૦૦ ગ્રામ લીલા વટાણા
  • • ૫૦-૬૦ ગ્રામ છીણેલું પનીર
  • • ૧ પ્રોસેસ્ડ ચીઝ ક્યુબ
  • • ૧ મોટું બાફેલું બટાકું
  • • ૧ ટીસ્પૂન ગરમ મસાલો
  • • ૧ ટેબલ સ્પૂન આદુમરચા ની પેસ્ટ
  • • ૧ ટીસ્પૂન શેકેલું જીરુ પાવડર
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • ૨ ટેબલ સ્પૂન કોર્નફ્લોર
  • • તળવા માટે તેલ

🥘 બદામને એક કલાક હૂંફાળા પાણીમાં પલાળી છાલ નિકાળી દો. ટામેટાને મોટા ચોરસ ટુકડા માં સમારી લો. એક નોનસ્ટીક પેનમાં ૧/૨ ટેબલસ્પૂન ઘી અને ૧/૨ ટેબલસ્પૂન તેલ મૂકી તેમાં લવિંગ, તજ, તમાલપત્ર, ઇલાયચી, મોટી ઇલાયચી, બાદિયા, જીરુ શેકો. તેમાં કાજુના ટુકડા, બદામ, મગસ્તરીના બીજ નાખી ફરી થોડું શેકો. પછી તેમાં ટામેટાં, લીલા મરચાં અને આદું ઉમેરી ૫ મિનિટ ચડવા દો. તેને એક પ્લેટમાં કાઢી ઠંડું થવા દો.

🥘 પાલખ અને વટાણાને કોરા કરી એજ નોનસ્ટીક પેનમાં થોડા શેકીને ચઢવી લો.

🥘 એક પ્લેટમાં છીણેલું પ્રોસેસ્ડ ચીઝ, છીણેલું પનીર, છીણેલું બાફેલું બટાકું, મીઠું, આદું મરચાની પેસ્ટ, ગરમ મસાલો, શેકેલું જીરુ પાવડર, ૧ ટેબલ સ્પૂન કોર્નફ્લોર મિક્સ કરો. પાલખ-વટાણાને પાણી વગર પીસી પેસ્ટ બનાવી પનીરના મિશ્રણમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. અને તેના નાના ગોળા વાળી લો. બધા ગોળા ને કોર્નફ્લોર માં બરાબર રગદોળી પછી ધીમા તાપે તેલમાં તળી લો.

🥘 ટામેટાવાળા મિશ્રણને મિક્સરમાં એકરસ પીસી લો. કઢાઇમાં ૨ ટેબલ સ્પૂન તેલ અને ઘી ભેગું ગરમ મૂકી આ પેસ્ટ ને સાંતળો. ૧/૪ કપ જેટલું પાણી નાખી ૫ મિનિટ જેવી ગ્રેવી ને કુક થવા દો. પછી તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરુ પાવડર, મીઠું, ખાંડ ઉમેરી મિક્સ કરી લો. થવા આવે એટલે ક્રિમ અને કસુરી મેથી નાખી મિક્સ કરી લો. ગ્રેવી તૈયાર છે.

🥘 પીરસતી વખતે ગરમ ગ્રેવી માં બનાવેલા હરિયાલી કોફ્તા ઉમેરી લો. સબ્જી તૈયાર છે. ગરમ રોટલી,નાન કે પરાઠા સાથે પીરસો.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *