હવે મહારાષ્ટ્રની ફેમસ વાનગી મીસળ પાવ બનશે તમારા રસોડે, મહારાષ્ટ્રના લોકપ્રીય મીસળ પાવ આજે જ બનાવો.

મુંબઈના વડાપાવ તો આપણે યાદ કરીએ અને મોઢામાંથી પાણી છૂટવા માંડે, અને પાવભાજીની તો વાત જ શું કરવી. પણ આજે અમે તમારા માટે લાવ્યા છીએ મહારાષ્ટ્રની સ્પેશિયલ વાનગી મીસળ પાવની રેસીપી.

મસાલો બનાવવા માટેની સામગ્રી

2 મોટી ચમચી આખા સુકા ધાણા

1 મોટી ચમચી જીરુ

1 મોટી ચમચી તલ

8-10 લવીંગ

1 ટુકડો તજ

2 જાવંત્રીના ફુલ

1 ચમચી દગડ ફુલ

1 નાની ચમચી વરીયાળી

1 મોટી ચમચી તાજુ સમારેલું નાળીયેર

3 મોટી ચમચી કાશ્મીરી મરચુ પાઉડર

1 ચમચી મીઠુ

3 મોટી ચમચી આદુ-લસણની પેસ્ટ

મીસળ બનાવવા માટેની સામગ્રી

6 મોટી ચમચી તેલ

1 વાટકી ફણગાવેલા મગ

1 વાટકી ફણગાવેલા દેશી ચણા

½ ચમચી રાઈ

ચપટી હીંગ

4-5 મીઠા લીંમડાના પાન

1 મોટી જીણી સમરેલી ડુંગળી

2 મીડીયમ ટામેટા જીણા સમારેલા

1 ચમચી કાશ્મીરી મરચુ

મીઠુ સ્વાદ પ્રમાણે

½ ચમચી હળદર

1 મોટી ચમચી ધાણાજીરુ પાઉડર

5 કપ પાણી

મીસળ પાવ બનાવવાની રીત

સૌ પ્રથમ મસાલો શેકવા માટે એક મોટું પેન ગરમ કરવા મુકી દેવું. પેન થોડું ગરમ થઈ જાય એટલે તેની ફ્લેમ સાવ ધીમી કરી દેવી.

હવે તેમાં બે મોટી ચમચી ધાણા,એક મોટી ચમચી તલ, એક નાની ચમચી વરીયાળી, એક મોટી ચમચી જીરુ, એક ચમચી દગડ ફુલ, અરધી નાની ચમચી મરી, બે જાવંત્રીના ફુલ, એક ટુકડો તજ, 8-10 લવીંગ, 2 મોટી ચમચી સમારેલું લીલુ નાળીયેર આ બધું જ એડ કરી લેવું

હવે તેને ધીમા તાપે શેકી લેવું. તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી તેને શેકવું.

હવે બધું શેકાઈ ગયું હોય ત્યાર બાદ તેમાં ત્રણ મોટી ચમચી લાલ મરચું, એક ચમચી મીઠું ઉમેરવા. હવે તેમાં ત્રણ મોટી ચમચી લસણ આદુની પેસ્ટ

હવે તેને બરાબર હલાવી લેવું. અને ગેસ બંધ કરી દેવો. એટલે ગરમ પેનના કારણે મસાલા પડ્યા પડ્યા શેકાયા કરે. હવે તૈયાર થયેલા મસાલામાં થોડું પાણી ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરી લેવી.

હવે એક કુકરને ગેસ પર ગરમ થવા દેવું તેમાં 6 ટેબલ સ્પૂન તેલ ઉમેરવું.

તેલ આવે એટલે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરુ અને ચપટી હીંગ એડ કરી લેવા અને 5-6 મીઠા લીંમડાના પાન એડ કરી તતડાવી લેવા.

હવે તેમાં એક મોટી ડુંગળી જીણી સમારેલી એડ કરી લેવી. તે આછી ગુલાબી થાય ત્યાં સુધી તેને સાંતળવી.

આ વાનગીમાં તેલની કંજુસાઈ ન કરવી. મીસળનો સ્વાદ તેમાં રહેલા તેલ પર નિર્ભર કરે છે. ઓછા તેલમાં સ્વાદમાં મજા નહીં આવે.

ડુંગળી બરાબર સંતળાઈ જાય એટલે તેમાં બે મીડીયમ સાઇઝના જીણા સમારેલા ટામેટા એડ કરવા.

હવે તેને લો ફ્લેમ પર બરાબર ચડવા દેવું.

હવે તેમાં એક મોટી ચમચી લાલ મરચું, અરધી ચમચી હળદર, એક મોટી ચમચી ધાણાજીરુ પાઉડર, થોડું મીઠું એડ કરવું. અહીં મીઠું એડ કરતી વખતે ધ્યાન રાખવું કારણ કે અગાઉ જે મસાલો તૈયાર કર્યો તેમાં પણ મીઠું નાખવામાં આવ્યું છે.

હવે તેમાં તૈયાર કરેલા મસાલાની પેસ્ટ એડ કરી લેવી.

હવે આ બધી જ સામગ્રીને બરાબર હલાવી લેવી.

હવે બધું જ વ્યવસ્થીતે મિક્સ થઈ જાય એટલે તેમાં ફણગાવેલા કઠોળ નાખવા. અહીં એક કપ ફણગાવેલા મગ અને એક કપ ફણગાવેલા ચણા લીધા છે.

હવે તેને બીજા મસાલાઓ સાથે બરાબર મીક્અસ કરી લેવું. અહીં ફણગાવેલું કઠોળ જ યુઝ કરવું.

હવે બધું બરાબર મીક્સ કરી લેવું. અને તેમાં 5 કપ પાણી ઉમેરવું. હવે બધું હલાવી લેવું.

બરાબર મીક્સ કરી લીધા બાદ ફ્લેમ ફુલ કરી દેવી. હવે કુકરનું ઢાકણું બંધ કરી તેને બે વ્હિસલ વગાડી ચડાવી લેવું.

બે વ્હિસલ બાદ ફ્લેમ બંધ કરી દેવી. અને કુકરને 15-20 મીનીટ ઠંડું થાય ત્યાર બાદ કુકરનું ઢાકણું ખોલવું.

કુકર ખોલતા જ સરસ મજાની સોડમ આવશે. તેલ પણ ઉપર આવી ગયું હશે. તમને જોતા તેલ વધારે લાગશે પણ તેના કારણે જ મીસળ સ્વાદિષ્ટ બને છે.

હવે તેના પર કોથમીર ભભરાવી તેને મીક્સ કરી દેવું અને તેમાં એક મોટી ચમચી ગોળ એડ કરી લેવો. અને બરાબર મીક્સ કરી દેવું. મીસળ ગરમ હોવાથી ગોળ ઓગળી જશે.

તૈયાર થઈ ગયું મીસળ. હવે મીસળને સર્વીંગ બોલમાં લઈ લેવું. તેના પર 2-3 ચમચી મીસળમાં જે તેલ તરી આવ્યું છે તે પણ એડ કરવું. હવે તેને એક ડીશમાં મુકી દેવું અને તેના પર એક મુઠ્ઠી જેટલું ચવાણુ , થોડી લીલી કોથમીર અને થોડી જીણી સમારેલી ડુંગળી ભભરાવી દેવી. બાજુમાં પાવ, ચવાણું, જીણી સમારેલી ડુંગળી પીરસવી.

મહારાષ્ટમાં આ ડીશ ખુબ જ લોકપ્રિય છે. જો તમે આ પર્ફેક્ટ રીતને અનુસરીને મીસળ બનાવશો તો ચોક્કસ તમારા ઘરમાં વારંવાર મીસળની ફરમાઈશ થવા લાગશે.

રસોઈની રાણીઃ સીમાબેન

મીસળ પાવની સ્ટેપ બાય સ્ટેબ વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *