આઈસ્ક્રિમ શ્રીખંડ – બાળકોને શ્રીખંડ બહુ પસંદ નથી હોતો પણ આવીરીતે બનાવશો તો જરૂર પસંદ આવશે.

મિત્રો, ઉનાળાની સીઝન શરુ થઈ ચુકી છે અને આ સીઝનમાં આઈસ્ક્રીમ તેમજ શ્રીખંડ ખાવામાં આવતા હોય છે. ધોમધખતા તાપમાં શરીરને ઠંડક આપે તેવી વસ્તુ ખાવાની મજા પણ ખુબ પડે છે. તમે શ્રીખંડ કે મઠ્ઠો તો ખાતા જ હશો પરંતુ શું ક્યારેય આઈસ્ક્રીમ શ્રીખંડ ખાધો છે ? હા મિત્રો, આઈસ્ક્રીમ શ્રીખંડ આજકાલ ખુબ પોપ્યુલર છે, આ શ્રીખંડ એવો તો ટેસ્ટી લાગે છે કે તમે એકવાર ટેસ્ટ કરશો તો તમે બાકી બીજા શ્રીખંડ ખાવાનું ભૂલી જશો. બાળકોને પણ આ શ્રીખંડ ખુબ જ પસંદ આવશે. આ શ્રીખંડ તમે ઘરે પણ સાવ સરળતાથી બનાવી શકશો અને ટેસ્ટ પણ મીઠાઈની દુકાન જેવો જ સ્વાદિષ્ટ આવશે. તો ચાલો જોઈ લઈએ આઈસ્ક્રીમ શ્રીખંડ બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ રીત

સામગ્રી :

  • Ø 1 લિટર ફૂલ ફેટ દૂધ
  • Ø 100 ગ્રામ દળેલી ખાંડ
  • Ø 80 ગ્રામ આઈસ્ક્રિમ
  • Ø 4 – 5 ટીપા વેનીલા એસેન્સ
  • Ø થોડા ડ્રાયફ્રૂટ્સ

રીત :

1) આઈસ્ક્રીમ શ્રીખંડ બનાવવા માટે ઢેફાં જેવું સરસ જામેલું મોળું દહીં લેવાનું છે. દહીંને કોટનના સાફ વાઈટ કપડામાં લઈ લો.

2) ત્યારબાદ તેના ચારેય છેડા ભેગા કરી નીચોવીને નીકાળી શકાય તેટલું પાણી નિતારી લો. જો દહીં ખાટું હોય તો આ પોટલીને થોડી વાર પાણીના નળ નીચે રાખી હળવા હાથે પ્રેસ કરી નીચોવી લો આમ કરવાથી દહીંની ખટાશ ઓછી થશે. પાણી નિતારી લીધા બાદ 5 થી 6 કલાક માટે લટકાવી દો જેથી બધું જ પાણી નીતરી જાય. જો ખુબ જ તાપ અને ગરમી હોય તો દહીંની પોટલીને કાણાંવાળા વાસણમાં રાખી, નીચે બીજું વાસણ રાખી 5 થી 6 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખી દો જેથી પાણી નીતરી જાય અને દહીં ખાટું પણ ના પડે.

દહીં ખુબ ખાટું હોય તો તેને મોળું પાડવાની એક બીજી રીત પણ છે, દહીંને મોળું પાડવા તેને એક મોટા વાસણમાં લઈ તેમાં ડબલ પાણી ઉમેરો. ત્યારબાદ તેને કપડામાં લઈ નીચોવીને પાણી નિતારી લો, આ રીતે પણ દહીંની ખટાશ દૂર કરી શકાય.

3) 6 કલાકમાં તો દહીંમાંથી બધું જ પાણી નીતરી જશે દહીંનો મસ્કો તૈયાર થઈ જશે, 1 લિટર દહીંમાંથી લગભગ 250 ગ્રામ જેટલો દહીંનો મસ્કો બની શકે.

4) હવે આ દહીંના મસ્કાને કપડામાંથી એક મોટા વાસણમાં લઈ લો, વિસ્કર કે ચમચાથી ફેંટીને સ્મૂથ ટેક્ચર તૈયાર કરો.

5) સ્મૂથ થતા જ તેમાં દળેલી ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો જેથી ખાંડ ઈવનલી મિક્સ થઈ જાય.

6) ખાંડ મિક્સ કરી તેમાં વેનીલા એસેન્સ ઉમેરો, એસેન્સના 4 થી 5 ડ્રોપ જ એડ કરવાના છે. વેનીલાની બદલે તમે કોઈપણ મનપસંદ ફ્લેવર લઈ શકો છો. એસેન્સ એડ કર્યા બાદ ફરીથી ફેટી લો.

7) બરાબર મિક્સ કરી લીધા બાદ તેમાં આઈસ્ક્રીમ ઉમેરી મિક્સ કરી લો. બરાબર મિક્સ કરી લીધા બાદ ડ્રાયફ્રૂટ્સની કાતરીઓ એડ કરો.

8) તો આ વેનીલા ફ્લેવર્ડ આઈસ્ક્રીમ શ્રીખંડ બનીને તૈયાર છે જે બિલકુલ બહાર મળતા આઈસ્ક્રીમ શ્રીખંડ જેવો જ બને છે અને જે લોકો શ્રીખંડ નથી ખાતા એ લોકો પણ માંગી માંગીને ખાશે.

મિત્રો પરફેક્ટ ટેસ્ટ માટે દહીં અને આઇસ્ક્રીમનું પરફેક્ટ મેપ લેવું જરૂરી છે જો તમે વધારે બનાવવા માંગતા હોય તો મેં જે માપ લીધું છે 1 કિલો દહીંના મસ્કા સાથે 250 ગ્રામ આઈસ્ક્રીમ એટલે કે દહીંના મસ્કા કરતા ચોથા ભાગનો આઈસ્ક્રીમ લેવો. જો આ રીતે મેપ લેશો તો તમારો શ્રીખંડ પણ પરફેક્ટ બનશે.

મિત્રો શ્રીખંડ બનાવતા પહેલા નીચે આપેલ વિડીયો જરૂર જોઈ લેજો જેથી શ્રીખંડ પરફેક્ટ બને.

આઈસ્ક્રિમ શ્રીખંડ :

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *