કચ્છી દાબેલીનો મસાલો અને કચ્છી દાબેલી બનાવતા શીખો એક સાથે…

હવે ઘરે જ બનાવો દાબેલીનો મસાલો અને તે જ મસાલામાંથી બનાવો લારી જેવી સ્વાદિષ્ટ પણ શુદ્ધ દાબેલી

દાબેલી એ કચ્છની સ્પેશિયલ વાનગી છે. જેણે સમગ્ર ગુજરાતમાં બાળકોને પોતાનું ઘેલુ લગાડી દીધું છે. આજે મોટા ભાગના બધા જ બાળકોને દાબેલી ખુબ જ પ્રિય હોય છે. નાની નાની બર્થડે પાર્ટીમાં પણ દાબેલીનો નાશ્તો રાખવામાં આવે છે. જો કે આ વાનગી માત્ર બાળકો જ નહીં પણ મોટાઓને પણ ભાવતી જ હોય છે. દાબેલીના સ્વાદનું રહસ્ય તેના મસાલામાં જ રહ્યું છે. તો આજની આ પોસ્ટમાં અમે તમારા માટે દાબેલીના મસાલાની તદ્દન સરળ રીત લાવ્યા છીએ.

સામગ્રી

4 ટેબલ સ્પૂન ધાણા

2 ટી સ્પૂન મરી

2 ઇંચની તજની 2 સ્ટીક

2 કાળી ઇલાઈચી

2 ટેબલ સ્પૂન ખાંડ

8-10 લવિંગ

2 ચમચી દગડ ફુલ

1 મોટી ચમચી વરિયાળી

5 મોટી ચમચી ટોપરાનું છીણ (ડ્રાઈ છીણ લેવું)

3 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર

1 ટી સ્પૂન સૂંઠ

સ્વાદ અનુસાર મીઠુ

અરધી ચમચી લીંબુના ફુલ

3 ટેબલ સ્પૂન તેલ

દાબેલીનો મસાલો બનાવવાની સરળ રીત

સૌ પ્રથમ એક નનસ્ટીક પેન લેવું તેને ધીમી આંચ પર ગરમ થવા મુકી દેવું.

હવે તેમાં 4 ટેબલ સ્પૂન ધાણા નાખવા અને તેને બરાબર ધીમા તાપે શેકી લેવા. ત્રણ ચાર મીનીટ બાદ ધાણા શેકાઈ ગયા હશે તેને પેનમાંથી કાઢીને ડીશમાં લઈ લેવા.


હવે પેનને ફરી ફ્લેમ પર મુકી દેવું અને તેમાં 2 નાની ચમચી મરી, બે સ્ટીક તજ, બે કાળી ઇલાઈચી, 8-10 લવિંગ એડ કરવા,અને તેને લો ફ્લેમ પર શેકવા. જ્યાં સુધી લવિંગ અને મરીની સ્મેલ ન આવે ત્યાં સુધી તેને રોસ્ટ કરવા. ધ્યાન રાખવું કે ફ્લેમ લો જ રાખવી.

સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો.

ગેસ બંધ કર્યા બાદ પેનમાં બે ચમચી દગડ ફુલ નાખવા, અને એક મોટી ચમચી વરિયાળી એડ કરી બધું હલાવી લેવું. ફ્લેમ બંધ હશે પણ તવો ગરમ હોવાથી બધું શેકાઈ જશે.

એક મીનીટ બાદ આ નવા ઉમેરેલા મસાલા શેકાઈ ગયા બાદ તેમાં ચાર મોટી ચમચી ટોપરાનું છીણ એડ કરવું. (સુકુ છીણ લેવું)

ત્યાર બાદ તેમાં ત્રણ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવું. અને સાથે સાથે એક નાની ચમચી સૂંઠનો પાવડર પર એડ કરી દેવો. અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવું. યાદ રહે આ બધું જ બંધ ગેસ પર એડ કરવું. જેથી કરીને મસાલા બળી ન જાય.

હવે બધું જ બંધ ફ્લેમ પર પણ ગરમ તવા પર હલાવીને શેકી લેવું.

ગેસની ફ્લેમ બંધ હશે પણ પેન ગરમ હોવાથી બધું જ શેકાઈ જશે અને બળશે પણ નહીં.

હવે આ પેનમાં અગાઉ શેકેલા ધાણા હતા તે એડ કરી લેવા. અને એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરી લેવી.

હવે તેમાં અરધી ચમચી લીંબુના ફૂલ એડ કરી લેવા. લીંબુના ફૂલ આ રેસીપીમાં નાખવા જ. તે સ્વાદ માટે ખુબ જ જરૂરી છે અને તે એક પ્રિઝર્વેટીવ પણ છે.

હવે આ બધી જ સામગ્રીને મિક્સરના નાના જારમાં બરાબર વાટી લેવી. વાટ્યા બાદ મસાલો પાવડર જેવો થઈ ગયો હશે.

હવે આ વાટેલા મસાલામાં એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરી લેવી. ખાંડનો પાઉડર એડ ન કરવો. ખાંડ ઉમેરાયા બાદ એક ચમચી ટોપરાનું છીણ એડ કરવું. આ બન્ને વસ્તુઓ મસાલો વાટ્યા બાદ જ એડ કરવી.

હવે તેમાં 3 મોટી ચમચી તેલ એડ કરવું. તમે કોઈ પણ તેલ એડ કરી શકો છો. હવે તેને બરાબર હલાવી લેવું.

તૈયાર છે દાબેલીનો મસાલો, તેને તમે છ મહિના સુધી ફ્રીઝ વગર બહાર જ સાંચવી શકો છો. અને જ્યારે જ્યારે દાબેલી બનાવવાનું મન થાય ત્યારે આ ઘરે જ શુદ્ધ સામગ્રીઓ દ્વારા તૈયાર કરેલો દાબેલીનો મસાલો વાપરી શકો છો.

દાબેલી બનાવવા માટેની સામગ્રી

5-6 દાબેલીના પાંઉ

4 મધ્યમ સાઇઝના બાફેલા બટાટાનો માવો

50 ગ્રામ બટર

1 ½ ટેબલ સ્પૂન તેલ

2 ચમચી મસાલા સીંગ

2 ચમચી દાડમ

3 મોટી ચમચી આંબલીનું પાણી

સ્વાદ અનુસાર મીઠુ

જરૂર મુજબ કોથમીર

1 નાની વાટકી જીણી સેવ

ઘરેજ બનાવેલા દાબેલી મસાલામાંથી દાબેલી બનાવવાની રીત

લો ફ્લેમ પર ડોઢ મોટી ચમચી તેલ ગરમ થવા દેવું. તેલ ગરમ થયા બાદ 2 મોટી ચમચી ઘરેજ બનાવેલો શુદ્ધ દાબેલીનો મસાલો એડ કરવો,

તેની સાથે સાથે ત્રણ મોટી ચમચી આમબલીનું પાણી એડ કરવું. આંબલીનુ પાણી એડ કરવું કંપ્લસરી છે. તેનાથી ટેસ્ટ ખુબ જ સારો આવે છે. હવે બધું જ ધીમા તાપે બરાબર મીક્સ કરી લેવું.

હવે માસાલો અને આંબલીનું પાણી મીક્સ થઈ ગયા બાદ તેમાં ચાર મિડિયમ સાઇઝના બાફેલા બટાટાનો માવો એડ કરવો. અને સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી લેવું.

હવે તેને બરાબર મીક્સ કરી લેવું. જો ઘરમાં વધારે સ્પાઇસી ખાતા હોવ તો મસાલાનું પ્રમાણ વધારી લેવું

હવે તેમાં લીલી કોથમીર નાખીને તેને ફરી મીક્સ કરી લેવું. હવે ગેસ બંધ કરી દેવો

હવે એક નાની થાળી લઈ બધો જ મસાલો એટલે કે તૈયાર કરેલું દાબેલીનું પુરણ તેમાં લઈ લેવું. અને તેને થાળીમાં સમતળ સ્પ્રેડ કરી લેવું. તેના પર 1 મોટી ચમચી ટોપરાનું છીણ, સીંગદાણા અને દાડમના દાણા ભભરાવી દેવા. અને તેને બાજુ પર મુકી દેવું.

હે દાબેલીના પાઉં લેવા તેને વચ્ચેથી કાપી લેવા.

હવે પાંઉના એક ભાગ પર મસાલો લગાવી લો તેના પર ડુંગળી ભભરાવવી, મસાલા સીંગ ભભરાવી લેવી, અને થોડી સેવ ભભરાવી દેવી.

હવે બીજા પાઉના ટુકડા પર આંબલીની ચટની ચોપડી લેવી. અને તેને બીજા મસાલાવાળા પાઉ પર ઢાંકી દેવું.

આમ બે-ત્રણ દાબેલી એક સાથે તૈયાર કરી લેવી.

હવે એક તવો ગરમ થવા મુકી દો અને તેના પર બટર સ્પ્રેડ કરી લો.

હવે તેના પર દાબેલી શેકી લો. દાબેલીને બધી જ બાજુથી વ્યવસ્થીત શેકી લેવી

દાબેલી શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટમાં લઈ લેવી. અને એક પ્લેટમાં જીણી સેવ લઈ દાબેલીને તેમાં દબાવીને દાબેલીની કીનારી પર સેવ લગાવી લો. તૈયાર છે બાળકોની પ્રિય દાબેલી.

ટીપ્સ

– મસાલાની શેલ્ફ લાઇફ વધારવા માટે મસાલામાં લીંબુના ફુલ તેમજ તેલ નાખવું જરૂરી છે. તે એક પ્રકારના પ્રિઝર્વેટીવનું કામ કરે છે.

– જો તમે ફ્રીઝમાં મુકવાના હોવ તો ત્રણ ચમચીની જગ્યાએ એક ચમચી તેલ વાપરી શકો છો.

– રેસીપી પ્રમાણે અમુક મસાલા ગેસ બંધ કર્યા બાદ જ એડ કરવા તે વાતનુ ખાસ ધ્યાન રાખવું.

સૌજન્ય : Kitch Cook (યુટ્યુબ ચેનલ)

સ્ટેબ બાય સ્ટેપ રેસીપી જોવા માટે નીચે આપેલી વિડિયો પર ક્લીક કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *