કાઠિયાવાડી વઘારેલી વેજીટેબલ ખીચડી – વિકેન્ડ છે તો બનાવી લઈશું આ ટેસ્ટી અને મસાલેદાર ખીચડી…

કાઠિયાવાડી થાળી માં જો ખીચડી ના હોય તો ભોજન અધુરું જ ગણાય છે. હવે તો આપણાં દેશ નું ભોજન તરીકે ખીચડી નો પ્રચાર થયા ના સમાચાર પણ તમે વાંચ્યા જ હશે.

બધા ના ઘરે બનતી ખીચડી નો સ્વાદ અલગ અલગ હોય છે. નાના બાળકો થઈ લઈ ને મોટેરાઓ ને ભાવે એવી ખીચડી ની રેસિપી લાવી છું. ‘ One Pot Meal’ કહી શકાય એવી રેસિપિ છે.

વઘારેલી વેજીટેબલ ખીચડી ની સામગ્રી:-

11/2 કપ ચોખા

1/2 કપ તુવેરદાળ

1/2 કપ મગની ફોતરવાળી દાળ

1/8 કપ સિંગદાણા

5-6 પત્તા મીઠા લીમડાનાં

આ બધું મિક્સ કરી ને પાણી માં 15-20 મિનિટ પલળવા દો.

વઘાર માટે

2 ચમચા ઘી

1 ચમચી તેલ

1 તમાલપત્ર

2 લવિંગ

2 તજ

1 સ્ટારએનિસ

1 સૂકું લાલ મરચું

7-8 કળી લસણ વાટેલું

1 ચમચી આદુ મરચાંની પેસ્ટ

1 ડુંગળી સમારેલી

1/2 કપ સમારેલી મેથી

1/2 કપ વટાણા

1 ગાજર સમારેલું

1 ટામેટું સમારેલું

1/2 કેપ્સિકમ સમારેલું

1 બટેટુ અને 1 રીંગણ સમારેલું

1 કપ ફ્લાવર સમારેલું

2 ચમચી મરચું

1 ચમચી હળદર

ચપટી હિંગ

મીઠું સ્વાદાનુસાર

1/4 ગરમ મસાલો

ચપટી રાઇ

1/2 ચમચી જીરુ

રીત:-

સૌ પ્રથમ કુકર માં ઘી મુકો તેમાં રાઈ, તજ, લવિંગ, સ્ટાર એનિસ, તજપત્તા, સૂકું લાલ મરચું મુકો. પછી થાય એટલે જીરું, હિંગ અને હળદર ઉમેરી ને ડુંગળી સાંતળી લો.

હવે લસણ, આદુ – મરચાની પેસ્ટ ઉમેરો અને બરાબર સાંતળી લો. બધું જ સમારેલું શાકભાજી નાખો અને તેજ આંચ પાર 1 મિનિટ પકાવો .

ત્યારબાદ તેમાં મીઠું, મરચું, ધાણાજીરું, ગરમમસાલો ઉમેરીને સાંતળો.

હવે પલાળેલા ચોખા અને દાળ ઉમેરો.

4-5 કપ જેટલું પાણી અથવા જોઈતું પાણી ઉમેરી ને 3 સીટી વાગે ત્યાં સુધી થવા દો.

કુકર ખુલે એટલે ખીચડી ને હળવા હાથે મિક્સ કરો અને ઉપર થી ઘી માં લાલ મરચું અને હિંગ નો વઘાર મિક્સ કરીને કોથમીર નાખો.

આ ખીચડી ને મીઠી કઢી કે દહીં જોડે સર્વ કરો.

નોંધ:- આ ખીચડી માં દાળ ચોખા જેટલા જ શાક હોવાથી નાનાં બાળકો ને રોજ આપી શકાય છે . બાળક માટેની હોય તો મસાલા ઓછા ઉમેરો.

આ ખીચડી માં તુવેરદાણા, ફણસી પણ સારી લાગે છે.

પાણી વધુ પડતું ના ઉમેરવું કેમકે શાક માંથી થોડું પાણી તો નીકળશે.લચકો ખીચડી બને એટલું જ પાણી ઉમેરો.

ઘી નો બીજીવાર વઘાર કરવાથી એનો સ્વાદ વધુ સારો આવે છે

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *