શેઝવાન ચીઝ ફ્રેન્કી – બાળકો રોજ કઈક નવું ખાવા માંગે છે? એકવાર આ વાનગી બનાવશો તો વારંવાર ફરમાઇશ આવશે…

શેઝવાન ચીઝ ફ્રેન્કી

બાળકોને સામાન્ય રીતે ઘરના ભોજન કરતા સ્ટ્રીટ ફૂડ વધારે પ્રિય હોય છે. કારણ કે તેમાં તેમને મનગમતા ઇનગ્રેડીયન્ટ એટલે કે ચીઝ, સોસ વિગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અને બાળકો ચટકારા લઈ લઈને તેને ખાતા હોય છે. પણ માતાપિતાને સ્ટ્રીટ ફૂડથી હંમેશા તેના હાઇજેનિક હોવાનો તેમજ તેમાં શુદ્ધ સામગ્રીઓનો ઉપયોગ થયો હશે કે નહીં તેની ચિંતા સતાવતી રહે છે અને માટે જ તેઓ બહારનું ભોજન નહીં ખાવાનો જ આગ્રહ રાખે છે.બહારના ભોજનમાં કેટલી સ્વચ્છતા જળવાઈ છે કે નહીં તે આપણા હાથમાં હોતું નથી પણ એ જ ફુડ આપણે ઘરે બનાવી શકીએ છીએ તેમાં કોઈજ શંકા નથી.

ફ્રેન્કી એ બાળકોની પ્રીય ફુડ આઇટમ છે. બાળકો સામાન્ય રીતે વેજીટેબલ્સ ખાતા નથી. પણ ફ્રેન્કીમાં તમે જે પણ વેજીટેબલ્સ એડ કરવા હોય તે એડ કરીને બાળકોને ખવડાવી શકો છો. અને આ રીતે બાળકોની ભૂખની સાથે સાથે સ્વાદ પણ સંતોષાશે અને તમને પણ સંતોષ મળશે કે બાળકોએ વેજીટેબલ્સ ખાધા.

શેઝવાન ચીઝ ફ્રેન્કી બનાવવા માટેની સામગ્રી

1 કપ મેદો

½ ઘઉંનો લોટ

5 ચમચી તેલ

1 બોલ છીણેલી કોબી

2 નંગ ડુંગળી

2 ચમચી લસણ અને લીલા મરચાની પેસ્ટ

સેઝવાન સોસ જરૂર પ્રમાણે

મીઠું સ્વાદઅનુસાર

2 ચમચી દહીં

1 ચમચી હળદર

1 ચમચી ધાણાજીરુ

1 ચમચી ગરમ મસાલો

1 ચમચી લાલ મરચુ

3 મોટી સાઈઝના બટાટા બાફીને મેશ કરેલા

જરૂર પ્રમાણે ચીઝ

ફ્રેન્કીના મસાલો બનાવવા માટેની સામગ્રી

1 ચમચી ગરમ મસાલો

1 ચમચી લાલ મરચુ

1 ચમચી આમચુર પાઉડર

1 ચમચી સંચળ પાઉડર

1 ચમચી ચાટ મસાલો

1 ચમચી મીઠું

1 ચમચી ધાણાજીરુ

સેઝવાન ચીઝ ફ્રેન્કી બનાવવાની રીત


સૌ પ્રથમ ફ્રેન્કીનો મસાલો તૈયાર કરી લેવો.


ફ્રેન્કીનો મસાલો બનાવા માટે એક નાના બોલમાં એક ચમચી સંચળ, એક ચમચી ચાટ મસાલો, એક ચમચી આમચુર પાવડર, એક ચમચી ધાણાજીરુ પાવડર, એક ચમચી ગરમ મસાલો, એક ચમચી લાલ મરચુ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ બધું જ બરાબરમ મીક્સ કરી લેવું.


તો તૈયાર થઈ ગયો ફ્રેન્કીનો મસાલો.

હવે ફ્રેન્કી માટેની રોટલી તૈયાર કરવી.


ફ્રેન્કી માટેની રોટલી તૈયાર કરવા માટે એક મોટા પાત્રમાં પાત્રમાં એક કપ મેંદો અને અરધો કપ ઘઉંનો લોટ લેવો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું, બધું બરાબર મીક્ષ કરવું. હવે તેમાં બે ચમચી દહીં એડ કરી તેને પણ બરાબર મિક્સ કરી લેવું. તેમાં બે ચમચી તેલ ઉમેરવું. હવે તેલને બરાબર મીક્ષ કરી લેવું. હવે તેમાં નોર્મલ પાણી રેડી રોટલી જેવો સોફ્ટ લોટ બાંધવો, લોટ નહીં તો વધારે કડક થવો જોઈએ કે નહીં તો વધારે નરમ થવો જોઈએ. હવે બાંધેલા લોટ પર થોડુ તેલ ચોપડી તેને ઢાંકીને સાઈડ પર મુકી દેવું.


ફ્રેન્કી માટે સ્ટફીંગ તૈયાર કરવું


ફ્રેન્કી માટેનું સ્ટફીંગ તૈયાર કરવા માટે એક પેન લઈ તેને ગેસ પર ગરમ કરવા મુકવું, તેમાં 2-3 ચમચી તેલ નાખવું, તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં લસણ-લીલા મરચાની પેસ્ટ નાખવી, તેને થોડી સાંતળી તેમાં મેશ કરેલા બટાટા ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું. ગેસને મિડિયમ જ રાખવો.


હવે તેમાં લાલ મરચુ પાવડર, ધાણાજીરુ પાવડર, ગરમ મસાલો, હળદર, એક ચમચી જેટલો તૈયાર કરેલો ફ્રેન્કી મસાલો એડ કરવો. હવે બધું જ બરાબર મિક્સ કરી લેવું. તૈયાર છે ફ્રેન્કી માટેનું સ્ટફીંગ.


સ્ટફીંગને થોડીવાર નોર્મલ થવા દેવા માટે બાજુ પર મુકી દેવું.

ફ્રેન્કી માટે રોટલી તૈયાર કરવી


ફ્રેન્કી માટેની રોટલી તૈયાર કરવા માટે તમારે જે સાઇઝની ફ્રેન્કી જોઈતી હોય તે પ્રમાણે લુઆ લઈ તેની રોટલી વણી લેવી. અટામણે માટે તમે મેદો લઈ શકો છો. હવે તેની પાતળી રોટલી વણી લેવી. જરૂર પડ્યે અટામણ લઈ શકો છો.


હવે ગેસ પર તવી ગરમ કરવા મુકી દેવી. ફ્રેન્કીને શેકવા માટે તવી પર થોડું તેલ લગાવી લેવું. અહીં તમે ઘી કે બટરનો ઉપોયગ પણ કરી શકો છો.


ત્યાર બાદ તેના પર વણેલી રોટલી કાચી-પાકી શેકી લેવી. રોટલીની ઉપરની તરફ પણ થોડું તેલ, ઘી કે માખણ લગાવી લેવું. તેને બન્ને બાજુ કાચી-પાકી શેકી લેવી. વધારે પડતી શેકવી નહીં. જે રીતે આ કાચી-પાકી રોટલી શેકી છે તેવી જ રીતે બાકીના લોટની પણ કાચી પાકી રોટલી શેકી લઈ બાજુ પર મુકી દેવી.

સ્ટફીંગ રોલ તૈયાર કરવો


હવે ઠંડુ પડી ગયેલું સ્ટફીંગ લઈ તેને મુઠીયાની જેમ રોલ વાળી લેવો.


અને તેને તવા પર થોડું તેલ કે પછી બટર લગાવી શેકી લેવું. તેવી જ રીતે સ્ટફીંગમાંથી બીજા રોલ્સ બનાવી લઈ તેને પણ તવા પર શેકાવા મુકી દો. બન્ને બાજુ રોલને શેકી લેવો. તેને બન્ને બાજુએ થોડું ક્રીસ્પી કડક થાય તેવું શેકી લઈ. હવે તેને ડીશમાં કાઢી લેવા.


હવે તવા પર ફરી થોડું તેલ ચોપડી દેવું. અને પહેલાં જે કાચી-પાકી રોટલી શેકી હતી તેને તેના પર મુકી ને ફરી બરાબર શેકી લેવી. બન્ને બાજુથી વ્યવસ્થિત શેકી લેવી. આ જ રીતે બાકીની રોટલીઓ પણ શેકી લેવી.


હવે તૈયાર રોટલી પર તમને સ્વાદ પ્રમાણે જેટલો જોઈએ તેટલો સેઝવાન સોસ સ્પ્રેડ કરી લેવો.


હવે સ્ટફીંગનો જે રોલ શેકીને તૈયાર કરેલો છે તેને રોટલીના એક છેડે મુકી દેવો. અને બાકીની રોટલી પર ઉભી સમારેલી પાતળી ડુંગળી અને કોબીનું છીણ પાથી દેવું


અને તેના પર તમને ભાવે તેટલા પ્રમાણમાં ચીઝનું છીણ પાથરી દેવું.


હવે સ્ટફીંગ રોલને રોટલીમાં લપેટી લેવું. અને તેને ફરીવાર તવા પર શેકી લેવું. આવી જ રીતે બધી જ રોટલીમાં સ્ટફીંગ, સેઝવાન સોસ, ચીઝ, ડુંગળી અને કોબીજ ભભરાવીને રોલ તૈયાર કરી તેને શેકી લેવા.


તો તૈયાર છે શેષવાન ચીઝ ફ્રેન્કી. બાળકોની સાથે સાથે મોટાઓ પણ તેને ખુબ જ એન્જોય કરશે. તેને તમે બાળકોને લંચબોક્ષમાં પણ આપી શકો છો. જેથી તેઓ લાંબા સમય સુધી ભુખ્યા ન રહે. આ ઉપરાંત તમે સાંજના ભોજનમાં પણ ફ્રેન્કીને તમારા મેનુમાં એડ કરી શકો છો.


સૌજન્ય : અમે ગુજરાતી (યુટ્યુબ ચેનલ)

વાનગીનો સંપૂર્ણ વિગતવાર વિડીઓ જુઓ અહિયાં…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *