કેસર ફિરની ખીર – પરંપરાગત ભારતીય મિષ્ટાન્ન જે તમારા ભોજનને ચાર ચાંદ લગાવી દેશે…

ફિરની અને ખીર બન્ને આપણા પરંપરાગત ભારતીય મિષ્ટાન્ન છે. દૂધ અને ચોખામાંથી બનતા હોવાથી સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક અને એટલા જ સાત્વિક પણ છે. કહેવાય છે કે ખીર ભગવાન બુધ્ધને બહુ જ પસંદ હતી અને એ દરરોજ આરોગતા. ફિરની એટલે ચોખાને પલાળી, પીસીને ઝીણી પેસ્ટ બનાવી પછી તેને દૂધમાં ઉકાળી બનાવેલું ડેઝર્ટ. જ્યારે ખીરમાં આખા ચોખાને દૂધમાં ચઢવી બીજા સૂકા મેવા સાથે ડેઝર્ટ બનાવવામાં આવે છે.

મારા ફેમિલી માં બધાને ખીર ખૂબ પસંદ છે તો રેગ્યુલર ખીરની રીતમાં ચોખાને પલાળ્યા વગર જ પીસી લઇ ફિરની ની રીત ઉમેરી મેં નવા પ્રકારની ખીર ટ્રાય કરી છે. અને આ રીતે બનાવેલી ખીર સાદી ખીર કે ફિરનીથી પણ વધારે મસ્ત બની છે. બધાને બહુ જ ભાવી. ચોખા ઝીણા પીસેલા હોવાથી અને પૌષ્ટિક હોવાથી નાના બાળકોને પણ આપી શકાય તેવી વાનગી છે.

સમય:૨૦-૨૫ મિનિટ , ૨ વ્યક્તિ માટે

ઘટકો:

  • • ૫૦૦ મિલી ફૂલફેટ દૂધ
  • • ૫ ટેબલ સ્પૂન ખાંડ
  • • ૨ ટેબલ સ્પૂન ચોખા
  • • ૨ ટેબલ સ્પૂન સમારેલા બદામ-પિસ્તા
  • • ૨ ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ
  • • થોડું કેસર
  • • ૧/૨ ટીસ્પૂન ઇલાયચી પાઉડર
  • • થોડીક ગુલાબની પત્તી
  • • ૨-૩ ગ્લેઝ્ડ ચેરી સજાવવા માટે

પધ્ધતિ:

1️⃣ચોખાને કોરા જ મિક્સરમાં એકદમ બારીક પીસી લેવા. ચોખા તેલ વગરના કોરા લેવા અને ધોવા નહીં. એક બાઉલમાં ૩ મોટી ચમચી જેટલું દૂધ લઇ તેમાં ચોખાનો પાઉડર અને કેસર નાખી ૧૦ મિનિટ માટે સાઇડમાં મૂકી દેવું. ચોખા ઠંડા દૂધમાં પલળેલા હશે તો સારી રીતે દૂધમાં ચડશે.

2️⃣એક તપેલીમાં બાકીનું દૂધ ઊકળવા મૂકવું. ૨ મિનિટ જેવું ઊકળે એટલે ચોખા અને કેસરવાળું દૂધ ઉમેરી મિક્સ કરવું. દૂધને ગરમ જ કરવાનું છે. પછી ચોખા ઉમેરીને જ ઊકાળવું જેથી ચોખા પણ સાથે રંધાઇ જાય. ફરી તેને મિડિયમ તાપે ૫-૭ મિનિટ ચડવા દેવું. ચોખાનો પાઉડર હોવાથી દૂધ જલ્દી જાડું થવા લાગશે. થોડું જાડું પડે એટલે ખાંડ, સૂકો મેવો અને સૂકી દ્રાક્ષ નાખી ફરી ઊકળવા દેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. જો વધારે જાડું થઇ જાય તો થોડું બીજું દૂધ ઉમેરી ઉકાળી લેવું.

3️⃣બીજી ૧૦ મિનિટ માટે ઊકળવા દેવું. દૂધ જાડું થાય અને ચોખા પૂરા ચઢી જાય ત્યાં સુધી થવા દેવું. છેલ્લે ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી લેવો.

4️⃣ઠંડું પડે એટલે એકાદ કલાક માટે ફ્રીઝમાં રાખી એકદમ ઠંડુ કરી ઉપર ડ્રાય ફ્રુટ, ગુલાબની પત્તી અને ચેરીથી સજાવી સર્વ કરવું. આ ખીર એમ જ ગરમ પણ સરસ લાગે છે. એ રીતે પણ લઇ શકાય છે.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *