લગ્ન જેવું જ બટાટાનું રસાવાળુ શાક ખાવું હોય, તો આ અનોખી રીતે ઘરે જ લગનિયા શાકની લીજ્જત માણો

ઘરમાં ક્યારેક લગ્નની વાતનો ઉલ્લેખ થતો હોય ત્યારે હંમેશા લગ્નમાં શું જમ્યા હતા અથવા શું જમશું તેની ચર્ચા પહેલાં જ થવા લાગે અને તેમાં પણ પેલુ લગનિયુ બાટાટાનું રસાવાળુ શાક તો પહેલા જ યાદ આવી જાય. ખાસ કરીને ઘણા લોકો લગ્નની રાહ તેટલા માટે જોતા હોય છે કે તેમને આવું લગનિયુ શાક ખાવા મળી જાય. પણ હવે તમારે લગ્નની રાહ જોવાની જરૂર નથી પણ આ પર્ફેક્ટ રેસિપિથી ઘરે જ મન થાય ત્યારે બટાટાનું રસાવાળુ લગનિયુ શાક બનાવો.

લગ્ન જેવું બટાટાનું રસાવાળુ શાક બનાવવા માટેની સામગ્રી

નોંધઃ અહીં જે સામગ્રી લેવામાં આવી છે તે 7-8 વ્યક્તિ માટે લેવામાં આવી છે.

3 ½ વાટકી પાણી

ડોઢ કીલો બટાટા

2 ટેબલ સ્પુન લાલ કાશ્મીરી મરચુ પાઉડર

1 ચમચી ધાણા જીરુ

½ ચમચી ગરમ મસાલો

½ ચમચી હળદર

સ્વાદ પ્રમાણે મીઠુ

6-7 મીઠા લીંમડાના પાન

લગ્ન જેવું બટાટાનું રસાવાળુ શાક બનાવવા માટેની રીત

સૌ પ્રથમ 700થી 750 ml પાણી એટલે કે સાડા ત્રણ વાટકી પાણી એક મોટો બોલમાં લઈ લેવું.

હવે તે જ પાણીમાં બે ટેબલ સ્પુન લાલ કાશ્મીરી મરચુ ઉમેરવું. સાથે સાથે એક ચમચી ધાણાજીરુ પાઉડર, અરધી ચમચી ગરમ મસાલા પાઉડર, અરધી ચમચી હળદર ઉમેરી દેવી અને સાથે સાથે ટેસ્ટ મુજબ મીઠુ પણ ઉમેરી દેવું.

હવે તેમાં મીઠા લીંમડાના 6-7 પાંદડા ઉમેરી દેવા. ફ્રેશ પાંદડા મળે તો સારામાં સારુ અને જો સુકા નાખો તો પણ ચાલશે. પણ લીંબડાના પાંદડા ચોક્કસ ઉમેરવા. તેનાથી શાકના સ્વાદમાં ઘણો ફરક પડી જાય છે. હવે આ બધી જ સામગ્રીને પાણીમાં બરાબર મિક્સ કરી લેવી. હવે આ પાણીને થોડી વાર માટે બાજુ પર મુકી દેવું.

હવે તમે જેટલા જણનું શાક બનાવવા માગતા હોવ તેટલા બટાટા બાફીને તેના મોટા ટુકડા કરી લેવા. બટાટાને વધારે પડતા ન બાફવા. અને અરધું બટાટું કાપ્યા વગરનું રાખી મુકવું. અહીં 7-8 વ્યક્તિનું શાક બનાવવામાં આવ્યું હોવાથી માપ તે પ્રમાણે લેવામાં આવ્યું છે.

હવે જે અરધુ બટેટુ રાખ્યું છે તેને હાથેથી મેશ કરી લેવું. તેનાથી રસો ઘાટો થાય છે અને પાણી વાળો રસો ન લાગે. જો બટાટા વધારે બફાઈ ગયા હોય તો તેને મેશ ન કરવા અને તેના હજુ વધારે મોટા ટુકડા કરવા. અને જો બટાટા કાચા રહી જાય તો શાકને ઉકાળવાની જગ્યાએ તેની 2 સીટી વગાડી લેવી જે અહીં આગળ બતાવવામાં આવશે.

હવે એક કડાઈમાં 6 ટેબલ સ્પુન સિંગ તેલ ઉમેરવું. અને તેને ગરમ થવા મુકી દેવું. સિંગતેલથી શાકનો સ્વાદ સરસ આવશે બને તો સિંગતેલ જ ઉમેરવું તમે બીજા તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

હવે તેલ ગરમ થાય એટલે તેમાં અરધી ચમચી રાઈ ઉમેરવી. રાઈ ફુટવા માંડે એટલે તેમાં જીરુ પણ ઉમેરી દેવું અને ગેસ ધીમો કરી દેવો.

જીરુ એકદમ બ્રાઉન થઈ જાય એટલે તેમાં પા ચમચી હીંગ ઉમેરી દેવી.

હવે હીંગ ઉમેર્યાની તરત બાદ જ તેમાં મસાલાવાળુ જે પાણી તૈયાર કર્યું હતું તે ઉમેરી દેવું. પાણી ઉમેરતી વખતે ખુબ ધ્યાન રાખવું કારણ કે તેલમાં પાણી ઉમેરવાથી તે તમારી પર ઉડી શકે છે. માટે અહીં દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે પાણી થોડી કાળજીથી ઉમેરવું.

હવે ગેસ એકદમ ફુલ કરી દેવો જેથી કરીને પાણી ઉકળવા લાગે. તમે ઢાંકીને પણ ઉમેરી શકો છો.

બેથી ત્રણ મીનીટ પાણી ઉકાળતી વખતે વચ્ચે વચ્ચે હલાવતા જવું. પાણી ઉકળી ગયા બાદ તેમાં બાફેલા બટાટા ઉમેરી દેવા. અને તેને 7-8 મીનીટ બરાબર ઉકળવા દેવું.

હવે જો તમારા બટાટા બરાબર બફાયા ન હોય તો અહીં બતાવ્યું છે તેમ કુકરમાં વઘારેલુ પાણી ઉમેરી તેની એક-બે સીટી વગાડી લેવી.

શાક ઉકળે તે દરમિયાન તેને હલાવતા રહેવું. શાક ઉકાળવા દરમિયાન તમને જો એવું લાગે કે તમારો રસો પાતળો છે તો.

અહીં બતાવ્યું છે તે પ્રમાણે 3-4 બટાટાના ટુકડા ચમચામાં લઈ તેને ચમચીથી દબાવી દેવા. તેમ કરવાથી રસો ઘાટો થઈ જશે. પણ તેને મેશરથી દબાવવાનો પ્રયાસ ન કરતાં. બટાટા મેશ કર્યા બાદ તેને ફરી એક મીનીટ ઉકળવા દેવું.

હવે શાક બરાબર ઉકળી ગયા બાદ તેમાં ફ્રેશ જીણી સમારેલી કોથમીર એડ કરી લેવી.

હવે એક સરસ મજાના સર્વિંગ બોલમાં શાકને સર્વ કરી લેવું. તૈયાર છે બટાટાનું લગ્ન જેવું રસાવાળુ શાક.

આ શાક ઘરમાં કોઈ નાનકડો પ્રસંગ હોય ત્યારે દૂધપાક કે પછી ફ્રુટ સલાડ અને ફરસાણ પુરી સાથે સર્વ કરવું. મહેમાનોને મજા આવી જશે.

રસોઆની રાણીઃ સીમાબેન

બટાટાનું રસાવાળુ લગનિયુ શાક બનાવવા માટે વિગતવાર વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *