મહારાષ્ટ્રીયન ધાણી-મમરા ચિવડા – સાદા સેવ મમરા અને ચેવડો તો ખાતા જ હશો હવે બનાવો આ નવીન ચેવડો…

મહારાષ્ટ્રીયન ધાણી-મમરા ચિવડા :

આમ તો આ મુખ્ય મહારાષ્ટ્રીયન વાનગી છે. તેમજ સાથે સાથે ખાસ હોળી વિશેષ રેસિપિ પણ છે. હોળીના દિવસે ખાસ બાનવાવામાં આવતી હોય છે. જે દરેક ઘરમાં ખુબજ પોપ્યુલર છે. એકદમ સરળ રેસિપિ છે. જલદી બનવાની સાથે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. હોળીના તહેવારથી ચાલુ થઇને ત્યાર પછીના દિવસોમાં પણ બાળકો તેમજ નાના મોટા બધા નાસ્તામાં લેતા થાય છે. જુવારની ધાણી સાથે મમરાને વઘારીને કુરકુરા ધાણી મમરા કે ધાણી મમરાનો ચેવડો બનાવવામાં આવે છે. મમરા પણ પૌષ્ટિક અને પચવામાં હલકા છે. સાથે તેમાં ઉમેરવામાં આવેલી સામગ્રી પણ હેલ્થ માટે પૌષ્ટિક છે. આમતો જુવાર અને જુવારની ધાણી ખાવાના ઉપયોગથી થતા અનેક ફાયદાઓ છે. તેમાંથી અહીં થોડા જોઇ લઇએ.

જુવાર કે તેની ફોડેલી ધાણીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર રહેલા તેથી વજન ઓછું થાય છે અને મોટાપાથી થતી બિમારીઓ થતી નથી. તે ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં મિનરલ, પ્રોટીન, અને વિટામિન બી કોમ્પલેક્ષ, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયર્ન રહેલું હોય છે. ગરમીની સિઝનમાં જુવાર ખાવાથી શરીરને ઠંડક મળી છે.

જુવારથી દાંતોના દુખાવામાં ફાયદો થાય છે. જુવારના દાણાની રાખ બનાવીને મંજન કરવાથી દાંતના અસહ્ય દુખવામાં રાહત થાય છે અને પેઢાની સુજન મટી જાય છે.

જુવારના સેવનથી માસિક ધર્મના દુખાવામાં પણ રાહત થાય છે. ખિલ થતા નથી.

જુવારમાં રહેલું કોપર અને આયર્ન શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધારે છે. તેનાથી એનિમિયા થતો નથી અને શરીરમાં હિમોગ્લોબિન વધે છે.

આમ આવા અનેક ફાયદાઓ હોવાથી આપણે જુવાર કે જુવારની ધાણી કોઇપણ પ્રકારે લેવી જોઇએ. આમાટે હું અહીં મહારાષ્ટ્રીયન ધાણી-મમરા ચિવડાની રેસિપિ આપી રહી છું. તો જરુરથી બનાવી ટેસ્ટ કરજો.

મહારાષ્ટ્રીયન ધાણી-મમરા ચિવડા બનાવવા માટેની સામગ્રી:

  • 4 કપ ચોખાના મમરા-પફ્ડ રાઇસ
  • 3 કપ જુવારની ધાણી
  • 4 ટેબલ સ્પુન રોસ્ટેડ શિંગદાણા – ફોતરા કાઢેલા
  • 3 ટેબલ સ્પુન શિંગ દાણા – રોસ્ટ કર્યા વગરના
  • 15-29 ડ્રાય કોકોનટ ચિપ્સ
  • 3 ટેબલ સ્પુન કાજુના ટુકડા
  • 2 ટેબલ સ્પુન કિશમિશ
  • 1 કપ રતલામી બેસન સેવ
  • 1 કપ બેસનની નાયલોન સેવ
  • 3 ટેબલ સ્પુન ઓઇલ વઘાર માટે
  • ½ ટી સ્પુન આખુ જીરું
  • ½ ટી સ્પુન ધાણા
  • 2 લાલ સૂકા મરચા વઘાર માટેના
  • ½ ટી સ્પુન હિંગ
  • 1 ટી સ્પુન હળદર
  • 1 ટી સ્પુન ચાટ મસાલો
  • 1 ટી સ્પુન મરી પાવડર
  • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ટી સ્પુન ફ્રેશ લાલ મરચાનાં બારીક ટુકડા
  • 20 થી 25 પાન મીઠા લીમડાના

મહારાષ્ટ્રીયન ધાણી-મમરા ચિવડા બનાવવાની રીત :

સૌ પ્રથમ ચિવડામાં ક્રંચ લાવવા માટે ખાસ જરુરી છે જુવારની ધાણી અને મમરાને વઘાર્યા પહેલા ડ્રાય રોસ્ટ કરવા.

જુવારની ધાણી અને મમરાને રોસ્ટ કર્યા પછી રુમ ટેમ્પરેચર પર આવવા દ્યો.

એક મોટા લોયામાં 3 ટેબલ સ્પુન ઓઇલ વઘાર માટે ગરમ મૂકો.

હવે તેમાં 3 ટેબલ સ્પુન શિંગ દાણા – રોસ્ટ કર્યા વગરના, 15-20 ડ્રાય કોકોનટ ચિપ્સ, 4 ટેબલ સ્પુન રોસ્ટેડ શિંગદાણા – ફોતરા કાઢેલા, 3 ટેબલ સ્પુન કાજુના ટુકડા અને 2 ટેબલ સ્પુન કિશમિશ ઉમેરો. કાજુ લાઈટ પિંક થાય ત્યાં સુધી ઓઇલમાં બધું સાથે જ રોસ્ટ કરી લ્યો.

ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લ્યો.

ત્યારબાદ એ જ વધેલા ઓઇલ વાળા લોયામાં જીરું અને ધાણા ઉમેરો. તતડે એટલે તેમાં 20 થી 25 પાન મીઠા લીમડાના, 2 લાલ સૂકા મરચા વઘાર માટેના અને 1 ટી સ્પુન ફ્રેશ લાલ મરચાનાં બારીક ટુકડા ઉમેરો. રોસ્ટ કરો. હવે તેમાં 1 ટી સ્પુન હળદર અને ½ ટી સ્પુન હિંગ ઉમેરો.

હવે તેમાં ડ્રાય રોસ્ટ કરેલા ધાણી અને મમરા ઉમેરી બરાબર ઉપર નીચે કરીને હલાવીને મિક્ષ કરી લ્યો. 1 -2 મિનિટ રોસ્ટ કરો. જેથી સારો ક્રંચ આવશે.

ત્યારબાદ તેમાં રોસ્ટ કરીને બાઉલમાં ભરેલા અગાઉ ઓઇલમાં રોસ્ટ કરેલા કાજુ વગેરે ઉમેરી મિક્ષ કરો.

હવે તેમાં જરુર મુજબ મીઠું, 1 ટી સ્પુન ચાટ મસાલો, 1 ટી સ્પુન મરી પાવડર અને 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર, ઉમેરી મિક્ષ કરી બરાબર હલાવી લ્યો.

હવે તેમાં 1 કપ રતલામી અને 1 કપ બેસનની નાયલોન સેવ ઉમેરી મિક્ષ કરો.

હવે મહારાષ્ટ્રીયન કુરકુરા ધાણી-મમરા ચિવડા સર્વ કરવા માટે રેડી છે. તેના થોડી રતલામી સેવ, નાયલોનસેવ અને ઓઇલમાં રોસ્ટ કરેલી થોડી કોકોનટ ચિપ્સથી ગાર્નિશ કરો.

આ એક પ્રકારનો મંચિંગ નાસ્તો છે.

આ ચિવડામાં નાસ્તો કરવા સમયે સમારેલી ડુંગળી, બારીક સમારેલા ટમેટા, બારીક સમારેલી કોથમરી અને ફ્રેશ લીંબુનો રસ મિક્સ કરીને ખાવાથી ખૂબજ ટેસ્ટી લાગશે. બધાને આ મહારાષ્ટ્રીયન ચિવડા ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *