રિયલ મેંગો આઇસ્ક્રીમ – માર્કેટમાં હજી પણ ફ્રેશ કેરીઓ મળે છે તો આજે જ બનાવી લો આ આઈસ્ક્રીમ…

કેરી અને આઇસ્ક્રીમ આ બન્ને વગર ઉનાળાની ૠતુ અને વેકેશન શક્ય નથી. ઘરે ઘરે એ બન્ને ખવાતા હોય છે… તેમાં પણ કેરીની ફ્લેવરનો આઇસ્ક્રીમ લગભગ નાના-મોટા બધાને ભાવે જ…. તો આજે અહીં હું શેર કરી રહી છું કોઇપણ જાતના કૃત્રિમ કલર કે એસેન્સ વગર બનાવેલા રિયલ મેન્ગો આઇસ્ક્રીમ ની રેસિપી…

ઘરે પણ બજાર જેવો જ યમી અને સોફ્ટ , બરફની પતરી વગરનો આઇસ્ક્રીમ 2 રીતે બનાવી શકાય છે… એક રીતમાં ફૂલ ક્રીમ વપરાય છે અને બીજી રીતમાં ઇમલ્સીફાયર અને સ્ટેબીલાઇઝર વાપરીને બનાવાય છે. તેમાંથી બીજી રીત અહીં હું બતાવી રહી છું..

કોઇપણ ફ્રૂટ ફ્લેવરના આઇસ્ક્રીમમાં પલ્પ ઉમેરવાથી પણ બરફની પતરી જામી શકે છે..તો આ રીતનો આઇસ્ક્રીમ બનાવતા ફ્રૂટ કમ્પોટ (રિડક્શન) વાપરીએ તો રિઝલ્ટ સારું મળે છે.. તો આજે અહીં પહેલા આપણે મેંગો કમ્પોટ બનાવીને તેનો આઇસ્ક્રીમ બનાવીશું…

સમય: 15-16 કલાક, 1 લિટર જેવો બનશે..

સામગ્રી:

🥭મેંગો કમ્પોટ માટે,

  • • 6 મોટી મીઠી પાકી કેરી(દોઢ કિલો જેવી)
  • • 4-5 ટેબલ સ્પૂન ખાંડ
  • • 1 લીંબુનો રસ

🍧 આઇસ્ક્રીમ માટે,

  • • 500 મિલી ફૂલ ફેટ દૂધ
  • • 4-5 ટેબલ સ્પૂન ખાંડ
  • • 1+1/2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર
  • • 1+1/2 ટેબલ સ્પૂન જીએમએસ(GMS) પાઉડર
  • • 1/4 ટીસ્પૂન સીએમસી(CMC) પાઉડર

પધ્ધતિ:

1️⃣🥭મેંગો કમ્પોટ બનાવવા માટે, બધી કેરીને ધોઇને છાલ કાઢી ટુકડા કરી લેવા. તેને બરાબર ચર્ન કરી પલ્પ બનાવી લેવો. આ પલ્પને ગરણીથી ગાળી લેવો જેથી કેરીના રેસા હોય તો નીકળી જાય.

2️⃣એક પેનમાં આ પલ્પ લઇ તેને ગરમ કરવા મૂકવો.તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી કુક કરવું. સતત હલાવતા રહેવું. 10-15 મિનિટ જેવું કુક કર્યા પછી તેમાં લીંબુનો રસ ઉમેરવો. ફરી હલાવતા રહેવું. પલ્પ 40% જેવો ઓછો થાય અને જાડો થઇ જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડો કરવો.મારે 25 મિનિટ જેવો સમય લાગ્યો હતો. મેંગો કમ્પોટ તૈયાર છે. તેને તમે 15 દિવસથી મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. અને ઘણાબધા મેંગો ડેઝર્ટ બનાવવામાં વાપરી શકો છો…

3️⃣🍧આઇસ્ક્રીમ બનાવવા માટે, દૂધને એક પેનમાં લેવું. અડધા કપ જેટલા ઠંડા દૂધને અલગ નાના બાઉલમાં કાઢવું. બાકીના દૂધને ગરમ મૂકવું. ઠંડા દૂધમાં કોર્નફ્લોર, જીએમએસ અને સીએમસી પાઉડર ઓગાળીને મિક્સ કરવા.ગરમ મૂકેલા દૂધમાં ઊભરો આવે ત્યારે ખાંડ ઉમેરવી. મિક્સ કરી ઓગળે એટલે દૂધમાં ઓગાળેલા પાઉડર ઉમેરવા.સતત હલાવવું અને બધું ઉમેરતી વખતે ગેસ ધીમો રાખવો. ફરી ઉભરો આવે ત્યાં સુધી બીજી 3-4 મિનિટ દૂધ ગરમ કરવું. સતત હલાવતા રહેવું. પછી તેને ઠંડું થવા દેવું.

4️⃣પૂરું ઠંડું થાય એટલે એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીઝરમાં 5-6 કલાક માટે સેટ થવા મૂકી દેવું. હવે જામેલા દૂધ ના ટુકડા કરી ઇલેક્ટ્રિક બીટરથી બીટ કરવું.જો બીટર ના હોય તો મિક્સરમાં પણ કરી શકાય. જો બીટરથી કરતા હો તો શરુઆત માં દૂધ જામેલું હોવાથી ઉછળશે તો સાચવીને ટાઇટ પકડીને કરવું. ફૂલીને બમણું થઈ જાય ત્યાં સુધી બીટ કરવું. 5-10 મિનિટ લાગશે. તેમાં બનાવેલો મેંગો કમ્પોટ ઉમેરી ફરી ચર્ન કરી લેવું. 2-3 ચમચી જેટલો કમ્પોટ અલગ કાઢી લેવો. બીજો બધો ઉમેરી લેવો.

5️⃣હવે આ આઇસ્ક્રીમના મિશ્રણને પહોળા ડબ્બામાં ભરી સેટ થવા માટે 6-8 કલાક ફ્રીઝરમાં મૂકી દેવું. ઉપર મેંગો કમ્પોટ ના ડ્રોપ મૂકી તેને સ્ટીકથી સ્પ્રેડ કરી ડિઝાઇન બનાવવી.

તમે ફોટામાં જોઇ શકો છો કે જે અડધો ડબ્બો જામેલું દૂધ હતું તે જ ડબ્બો ચર્ન કર્યા બાદ આખો ભરાઇ ગયો છે.

6️⃣સેટ થયેલા આઇસ્ક્રીમ ને કાપીને કે સ્કૂપ કરીને સર્વ કરવો. બિલકુલ સોફ્ટ ને બરફ વગરનો બને છે. આ જ રીતે તમે તમારી મનપસંદ ફ્લેવર ઉમેરી કોઇપણ આઇસ્ક્રીમ બનાવી શકો છો. યમી તેવો મેંગો આઇસ્ક્રીમ તૈયાર છે..

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *