મેંદુવડા – બહારથી એકદમ ક્રિસ્પી અને અંદર થી જાળીદાર પોચા મેંદુવડા બનાવવાની પરફેક્ટ રેસિપી…

બહારથી એકદમ ક્રિસ્પી અને અંદર થી જાળીદાર પોચા, ગરમાગરમ હોય ત્યારે સંભાર અને કોકોનટ ચટણી સાથે બહુ જ મસ્ત લાગે છે…

આ વડા જો હાથેથી બનાવવા હોય તો ખીરું થોડુંક જાડું રાખવું પડે છે. અને મશીનથી બનાવવા હોય તો ખીરું એની મેળે પડી શકે તેટલું પાતળું કરવું પડે છે. મશીનથી બનાવવામાં ઉપરનું પડ સુપર ક્રિસ્પી બની શકે છે. તો મારા ફેમિલી માં એ રીતના પસંદ હોવાથી મેં મશીન વાપર્યું છે. મેદુવડા મૂળભુત રીતે પૂરા દક્ષિણ ભારત અને શ્રીલંકામાં ઉદભવ્યા. પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી હોવાથી હેવી બ્રેકફાસ્ટ અને જમવામાં બધી જગ્યાએ પસંદ કરવામાં આવે છે.

સમય: 30 મિનિટ, સર્વિંગ: 2-3 વ્યક્તિ

ઘટકો:

  • • 1 કપ અડદની દાળ
  • • 1/4 કપ મોગર દાળ
  • • 1 ટીસ્પૂન મીઠું
  • • 1 ટીસ્પૂન મરી પાઉડર
  • • 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  • • 2 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર
  • • 1 ટેબલ સ્પૂન સૂકો ફૂદીનો
  • • પાણી જરૂર મુજબ
  • • તળવા માટે તેલ

પધ્ધતિ:

➡️અડદની અને મોગર દાળને ભેગી 3-4 વાર પાણીથી ધોઇ ડૂબે તેનાથી બમણું પાણી ઉમેરી 2-3 કલાક માટે પલાળી લેવી. પીસતી વખતની અડદની દાળની ચીકાશ ઓછી કરવા થોડીક મોગર દાળ લીધી છે. ચોળાની દાળ પણ તેની જગ્યાએ હોય તો ઉમેરાય. અડદની દાળ એમપણ ચીકાશ પકડે છે તો પલાળતી વખતે ગરમ કરવાથી કે વધારે પલાળી રાખવાથી વધારે ચીકણું ખીરું બનશે. અને વડા સારી રીતે નહીં ઉતરી શકે. તો તેનું ખાસ ધ્યાન રાખવું.

➡️4 કલાક પછી દાળમાંથી પાણી કાઢી થોડુંક મીઠું અને 2-3 ચમચી જેટલું પાણી ઉમેરી મિક્સરમાં એકદમ બારીક વાટી લેવી. બહુ પાતળું નહીં પણ ચમચીથી પાડીએ તો ધીમે ધીમે પડે તેટલું જાડું ખીરું રાખવું. જેટલું ખીરું પાતળું હશે તેટલું વડાના પડમાં તળતી વખતે વધારે તેલ ભરાશે. જો કદાચ ભૂલથી વધારે પાતળું બની જાય તો થોડોક (1-2 ચમચી) જેટલો ઘઉંનો લોટ ઉમેરવાથી ખીરું સરખું થઇ જશે.

➡️ખીરામાં ઝીણી સમારેલી કોથમીર, મસળીને ઝીણો કરેલો ફૂદીનો, મરી પાઉડર, લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. થોડાક આખા મરીના દાણા પણ નાખી શકાય. મારા દિકરાને નથી પસંદ તો મેં નથી ઉમેર્યા. ખીરાને સારી રીતે ફીણીને મશીનમાં ભરવું. જો હાથેથી વડા ઉતારવા હોય તો પાણીવાળો હાથ કરી 4 આંગળી પર ખીરું લઇ અંગૂઠાથી વચ્ચે કાણું કરી તેલમાં મૂકવું.

➡️ તેલ ગરમ મૂકવું. તેલ આવી જાય પછી મિડિયમ ફ્લેમ કરી વડા ઉતારવા. થોડીવાર તળાવા દેવા. થવા આવે ત્યારે ગેસ ફાસ્ટ કરી લાલ થાય ત્યાં સુધી તળવા જેથી ઉપરનું પડ ક્રિસ્પી થાય. બધા વડા આ રીતે તળી લેવા. આ માપથી 18-20 મિડિયમ સાઇઝના વડા બનશે.

➡️ગરમાગરમ ક્રિસ્પી વડાને ગરમ સંભાર અને કોકોનટ ચટણી સાથે સર્વ કરવા. સંભાર અને સાઉથ ઇન્ડિયન ચટણીની રેસીપી મેં મારા પ્રોફાઈલમાં અલગથી મૂકેલી છે.


રસોઈની રાણી : પલક શેઠ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *