ક્યારેય ખાધા છે મીઠા લીમડાના ભજીયા ? નહીં ને, તો આજે જ ટ્રાય કરો

ભજીયા તમે ઘણી જાતના ખાધા હશે. પણ ક્યારેય તમે મીઠા લીમડાના પાનના ભજીયા નહીં ખાધા હોય. નીધીબેન આજે લાવ્યા છે મીઠા લીમડાના પાનન ભજીયા. જેને તમે ઇન્સ્ટન્ટલી બનાવી શકો છો. અને તમારી કંઈક તીખુ-તળેલુ ખાવાની લાલચને પુરી કરી શકો છો.

 

મીટા લીમડાના ભજીયા બનાવા માટેની સામગ્રી

8-10 મીઠા લીમડાની ડાળીઓ

¾ વાટકી ચણાનો લોટ

થોડી હળદર

સ્વાદ પ્રમાણે મીઠું

થોડું લાલ મરચુ પાઉડર

થોડી હીંગ

અરધા લીંબુનો રસ

તળવા માટે તેલ

મીઠા લીમડાના ભજીયા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ લીમડાના પાનના ભજીયા બનાવવા માટે તેનું ખીરુ તૈયાર કરવા માટે એક બોલમાં પોણી વાટકી જેટલો ચણાનો લોટ લેવો તેમાં, થોડી હળદર, મીઠુ, લાલ મરચુ પાઉડર અને હીંગ ઉમેરવા અને તેને ચણાના લોટ સાથે બરાબર મિક્સ કરી લેવા.

હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરવું અને જાડી કંસીસ્ટન્સીવાળુ ખીરુ તૈયાર કરવું. એક સાથે જ બધું પાણી ન ઉમેરવું પણ ચમચી-ચમચી પાણી ઉમેરીને તેમાંના બધા જ લંગ્સ તોડતા જવું.

ખીરું તમારે એકદમ સ્મુધ બનાવવાનું છે જરા પણ ચણાના લોટના લંગ્સ ન રહેવા જોઈએ.

આ ખીરામાં તીખાશ અને સોડમ ઉમેરવા માટે તમે કાળામરીનો ભુક્કો પણ ઉમેરી શકો છો અને ચપટી અજમો પણ ઉમેરી શકો છો.

ખીરુ તૈયાર થઈ ગયા બાદ તાજો મીઠો લીમડો લીમડાના ઝાડ પરથી તોડી લેવો. આ ભજીયા તમે તાજા લીમડાના પાનથી જ બનાવી શકશો. માટે તાજો જ લીંમડો લેવો. તેને વ્યવસ્થિતે રીતે ધોઈ લેવો. અને તેને કપડાથી વ્યવસ્થિત રીતે લુછી લેવો જેથી કરીને વધારાનું પાણી ખીરામાં ન ઉમેરાય.

હવે લીંમડો ધોઈ લીધા બાદ અને તેને કાપડથી લૂછી લીધા બાદ તેમાંથી એક-એક ડાળી છુટ્ટી કરવાની છે અહીં તસ્વીરમાં બતાવ્યું છે તે પ્રમાણે. કારણ કે આખી ડાળીના જ ભજીયા બનાવવાના છે.

હવે ભજીયા તળવા માટે તેલ ગરમ કરવા મુકી દેવું. અને લીમડાની એક ડાળી લઈ તેને ચણાના લોટના ખીરાથી સંપૂર્ણ રીતે કોટ કરી દેવી.

હવે ચણાનાલોટના ખીરાથી કોટ કરીને ડાળીનો છેડો પકડીને તેને ગરમ થયેલા તેલમાં મુકી દેવી. ગેસ અહીં મિડિયમ જ રાખવાનો છે. ફુલ ન રાખવો નહીંતર લીમડો બળી જશે.

તેવી જ રીતે બીજી ડાળીઓ પણ ચણાના લોટના ખીરામાં બરાબર કોટ કરીને તળવા મુકી દો. એક બે-ત્રણ મીનીટમાં એક બાજુ તળાય એટલે તેને ફ્લિપ કરતા રહેવું.

હવે બે-ત્રણ મિનિટમાં લીમડાના ભજીયા તળાઈ જશે. તેને લાઇટ બ્રાઉન થવા દેવા અને પછી તેને બહાર કાઢી લેવા.

તો તૈયાર છે લીમડાના ભજીયા તેને બનાવતા જરા પણ વાર નથી લાગતી. તમે જ્યારે ક્યારેય પણ ઘરમાં ભજીયા બનાવો અને ખીરુ વધે તો ઇન્સ્ટન્ટ લીમડાના ભજીયા તળી શકો છો. જો તમને લીમડાની સોડમ ગમતી હોય તો તમને આ ભજીયા ચોક્કસ ભાવશે.

હવે લીમડાના ભજીયા ખાતી વખતે તમે જેમ લીમડો વાપરતા હોવ ને તેના પાંદડા કેવી રીતે ડાળીમાંથી છૂટ્ટા કરો તેવી રીતે અહીં પણ દાંડી પકડીને લીમડાના પાનને છુટ્ટા કરી દેવા અને પછી ભજીયા ખાવા. આ ભજીયાને તમે સોસ તેમજ ખજુર-આમલીની ચટની સાથે ખાઈ શકો છો.

રસોઈની રાણીઃ નીધી પટેલ

મીઠા લીમડાના ભજીયા બનાવવા માટે વિગવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *