મિક્સ વેજિટેબલ્સ બોલ્સ – બાળકોને હેલ્થી વેજીટેબલ ખવડાવવા માટેની સૌથી સરળ વાનગી…

મિક્સ વેજિટેબલ્સ બોલ્સ :

આપણે ફિટ અને હેલ્ધી રહેવા માટે ફ્રેશ વેજિટેબલ્સ ખાવા ખુબ જ આવશ્યક છે કારણ કે તેમાં બધા જ પ્રકારના વિટામિન્સ , મિનરલ્સ, એન્ટી -ઓક્સીડન્ટસ તથાં ડાયેટરી ફાઇબર્સ રહેલા છે જેથી આપણે રેગ્યુલર લીલા ફ્રેશ શાકભાજી ખાવા જોઈએ. પણ ઘણા લોકોને શાકભાજી ભાવતા નથી હોતા ખાસ કરીને બાળકો, પણ જો તેની સારી રેસિપી બનાવીને આપીએ તો જરૂરથી ખાશે, તો જરૂર બનાવજો આ રેસિપી જે બધાને પસંદ આવશે.

આ રેસિપી બનાવવી સાવ સરળ છે અને ઝડપથી બનાવી શકાય છે

સામગ્રી :


3 મીડીયમ સાઈઝ ના બટેટા

75 ગ્રામ ચીઝ

1 ટેબલ સ્પૂન ટોસ્ટ પાવડર

2 ટેબલ સ્પૂન કાકડી (ખમણેલી)

2 ટેબલ સ્પૂન કેપ્સિકમ (ખમણેલ)

2 ટેબલ સ્પૂન ગાજર (ખમણેલ)

2 ટેબલ સ્પૂન બારીક સમારેલ પાલક

2 ટેબલ સ્પૂન બારીક સમારેલ કોથમીર

2 ટેબલ સ્પૂન આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટ

1 ટેબલ સ્પૂન તેલ

ચપટી મરી પાવડર

મીઠું સ્વાદપ્રમાણે

રીત :


સૌ પ્રથમ બટેટાને છાલ ઉતારીને ખમણી લેવા, બટેટાને ખમણવાથી ઓક્સીડાઈઝ થાય છે અને કાળા પડી જાય છે માટે તેને ખમણીને પાણીમાં રાખવું.


ત્યારબાદ પાણી નિતારીને મોટા બાઉલમાં લેવું તેમાં ચીઝ ખમણીને ઉમેરવું. સાથે કાકડી, ગાજર, કેપ્સિકમ, કોથમીર, પાલક, આદુ-લસણ-મરચાની પેસ્ટ, મરી પાવડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. તેમાં ટોસ્ટ પાવડર ઉમેરી ફરી બધું મિક્સ કરવું. ટોસ્ટ પાવડર નાખવાથી બોલ્સ ક્રન્ચી બને છે.


અપ્પમ સ્ટેન્ડ ને સ્ટવ પર મૂકી ધીમી આંચ રાખી ગરમ કરો. ગરમ થાય પછી મોલ્ડમાં બે થી ત્રણ ટીપા તેલ નાખો. તેમાં તૈયાર કરેલ મિશ્રણ થોડું થોડું મુકો , મિશ્રણને બોલ શેઇપમાં બરાબર સેટ કરો. અપણે કાચા શાકભાજીનું ખમણ યુઝ કરેલ છે માટે નાના પાતળા બોલ્સ જ મુકવા જેથી બોલ્સ અંદરથી કાચા ના રહે.


હળવા હાથે ફેરવીને બંને સાઈડ લાઈટ બ્રાઉનિશ થાય ત્યાંસુધી ધીમી આંચ રાખીને ચડવા દેવા.

તો આ સોફ્ટ, ક્રન્ચી, હેલ્ધી અને ટેસ્ટી વેજિટેબલ્સ બોલ્સ તૈયાર છે તેને મનપસંદ ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.


બાળકોને લંચ-બોક્સમાં આપવા માટેનો બેસ્ટ વિકલ્પ છે આ વેજીટેબ્સ બોલ્સ

લીલા શાકભાજીને ન માત્ર સબ્જી સ્વરૂપે પણ અવનવી અને દેખાવમાં આકર્ષિત વાનગી સ્વરૂપે પીરસવાથી ઘરના સભ્યો અને બાળકો પણ હોંશે હોંશે ખાશે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *