મૂળાના સ્ટફ પરોઠા – આલૂ પરાઠા, પ્યાઝ પરાઠા કે પછી ગોબી પરાઠા પણ શું તમે ક્યારેય મૂળાના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા છે?

મિત્રો, તમે પરાઠા તો ઘણીબધી રીતે બનાવતા હશો જેવા કે પ્લેઇન પરાઠા, મસાલા પરાઠા કે પછી મેથીના પરોઠા જેને આપણે મેથીના થેપલા કહીએ છીએ. આ જ રીતે અનેક પ્રકારના સ્ટફિંગ યુઝ કરીને સ્ટફ પરાઠા પણ બનાવતા હોઈએ છીએ જેવા કે આલૂ પરાઠા, પ્યાઝ પરાઠા કે પછી ગોબી પરાઠા પણ શું તમે ક્યારેય મૂળાના સ્ટફિંગ વાળા પરોઠા બનાવ્યા છે ?

હા, મિત્રો મૂળાના સ્વાદિષ્ટ પરોઠા બનાવી શકાય. બીજા સ્ટફિંગવાળા પરોઠા કરતા મૂળાના પરોઠા વણવામાં થોડું અઘરું પડે છે કારણકે મૂળામાં પાણીનો ભાગ ખુબ જ હોય છે માટે પરોઠા વણતી વખતે તૂટવાની શક્યતા વધુ રહે છે પરંતુ હું જે ટ્રીક બતાવવા જઈ રહી છું એ પ્રમાણે તમે પણ સાવ સરળતાથી પરોઠા બનાવી શકશો, તો ચાલો જોઈ લઈએ મૂળાના પરોઠા બનાવવાની રીત

સામગ્રી ;

  • Ø 1 કપ મૂળાનું છીણ
  • Ø 3/4 કપ ઘઉંનો ઝીણો લોટ
  • Ø 3/4 ટેબલ સ્પૂન તેલ(મોણ માટે)
  • Ø 2 ટેબલ સ્પૂન કોથમીર
  • Ø 2 લીલા મરચું
  • Ø 1/2 ઇંચ આદુનો ટુકડો
  • Ø 1/2 ટેબલ સ્પૂન ધાણાજીરુ
  • Ø 1/4 ટેબલ સ્પૂન આમચૂર પાવડર
  • Ø 1/4 ટેબલ સ્પૂન ગરમ મસાલો
  • Ø મીઠું સ્વાદ અનુસાર
  • Ø ફ્રાય કરવા માટે તેલ

રીત :

1) સૌ પ્રથમ પરાઠા માટેનો લોટ તૈયાર કરી લેવો. ઘઉંના લોટમાં ચપટી મીઠું તેમજ તેલનું મોણ આપી મીડીયમ સોફ્ટ લોટ બાંધી લેવો.

2) લોટમાં ફરી થોડું તેલ નાખી સરસ રીતે મસળીને સ્મૂથ કરી લેવો તેમજ ઢાંકીને થોડીવાર મૂકી રાખવો જેથી લોટ બરાબર સેટ થઈ જાય ને ત્યાં સુધીમાં પરાઠા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લેવું.

3) સ્ટફિંગ તૈયાર કરવા માટે સૌપ્રથમ મૂળાને સાફ કરી, છાલ ઉતારી મીડીયમ છીણીથી છીણી લેવું. છીણ મોટું હોય તો પરાઠા વણતી વખતે તૂટે માટે છીણ મોટી નથી રાખવાનું.

4) ત્યારબાદ આ છીણને કોટનના સાફ કપડામાં લઈ તેમાંથી પાણી નિતારી લેવાનું છે. પ્રેસ કરીને મૅક્સિમમ નીકળે તેટલું પાણી નિતારી લેવાનું.

5) પાણી નિતારી લધા બાદ આ છીણને બાઉલમાં લઈ તેમાં કોથમીર, આદુ, ધાણાજીરું, આમચૂર પાવડર, ગરમ મસાલો તેમજ મીઠું એડ કરીને મિક્સ કરી લેવું. આદુને છીણીને એડ કરવું.

6) સ્ટફિંગ તૈયાર કરી લીધા પછી લોટમાંથી ચાર સરખા લૂવા બનાવી લેવા, તેમાંથી એક લુવો લઈ તેને વચ્ચેથી જાડી રહે તેમ પૂરી જેવડી રોટલી વણીને તૈયાર કરવાની છે એટલે કે કોરની સાઈડ પાતળી અને વચ્ચેના ભાગમાં રોટલી જાડી રહે એ રીતે વણવાની છે.

7) પૂરી વણી તેમાં વચ્ચે સ્ટફિંગ મુકો, સ્ટફિંગના સરખા ચાર ભાગ કરી લેવાના છે.

8) રોટલીની કિનારીઓ ઉપર તરફ ભેગી કરી પોટલી બનાવો તેમજ વધારાનો લોટ દૂર કરી બરાબર પ્રેસ કરી લો, જેથી સ્ટફિંગ બહારના નીકળે.

9) ત્યારબાદ કોરા લોટથી ડસ્ટીંગ કરી હાથથી થપથપાવીને રોટલાની જેમ પરાઠુ જેટલું મોટું થઈ શકે તેટલું કરો.

10) ત્યારપછી જરૂર મુજબ કોરા લોટથી ડસ્ટીંગ કરી વેલણની મદદથી પરાઠુ વણી લો, સ્ટફિંગ આખા પરોઠામાં સ્પ્રેડ થાઈ એ રીતે વણી લો.

11) વણી લીધા બાદ આ પરોઠાને સાંતળી લો, પરોઠું વણતી વખતે જે નીચેની સાઈડ છે તે સાઈડ લોઢીમાં પણ નીચેની સાઈડ રહે તેમ મુકવાનું છે.

12) બંને સાઈડ તેલ કે માખણ લગાવી ગોલ્ડન બ્રાઉન ડિઝાઇન ઉપસી આવે ત્યાંસુધી સાંતળવાનું છે. આ પરોઠા સ્ટવની ફ્લેમ સ્લો રાખીને સાંતળવાના છે કારણકે આપણે અંદરનું સ્ટફિંગ કાચું લીધેલું છે.

13) તો મિત્રો, અહીં ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવા મૂળાના પરોઠા બનીને તૈયાર છે જેને સોસ, ચટણી, અથાણાં કે દહીં સાથે ખાવાની ખુબ જ મજા પડે છે, તો એકવાર તમે પણ બનાવજો, બધાને ખુબ જ ભાવશે.

નોંધ :

મૂળામાં પાણીનો ભાગ ખુબ જ હોય છે, સ્ટફિંગમાં મીઠું ઉમેરવાથી પાણી છૂટે જેથી પરોઠા વણતી વખતે તૂટી શકે છે, માટે પરોઠા વણતી વખતે એક એક પરોઠાના સ્ટફિંગમાં મીઠું ઉમેરવાથી સારું રિઝલ્ટ મળે છે.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *