જન્મદિવસ વિશેષ— નરેન્દ્ર મોદીને ભાવતી આ ખાસ 5 વાનગીનો સ્વાદ તમે પણ માણો

નરેન્દ્ર મોદીના વિજયમાં સૌથી મોટો ફાળો છે તેમના સ્વસ્થ શરીરનો. આવા જ સ્વસ્થ શરીર માટે મોદી એકદમ સખત ડાયેટના આગ્રહી રહે છે. મૂળ વડનગરના અને ગુજરાતી પીએમ મોદી આ ખાસ ગુજરાતી વાનગીઓના શોખીન છે. આ વાનગીઓ સિવાય શનિવારના દિવસે તેઓ સાબુદાણાની ખીચડી બનાવીને ઉપવાસીઓને ખવડાવે છે. તેમને સાબુદાણાની ખીચડી બનાવતા સારી આવડે છે. આજે અમે તમારી માટે આવી જ કેટલીક મોદીને ભાવતી અને કેટલીક સારી રીતે બનાવતા આવડતી 5 વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. આ પાંચ વાનગી તમારે પણ એકવાર ટ્રાય કરવી જ જોઈએ.

જાણો નરેન્દ્ર મોદીની ડિશમાં સામેલ થતી 5 પ્રકારની વાનગીની રેસિપી…

વેઢમી-

image source

સામગ્રી-

 • -1 વાટકી તુવેર દાળ
 • -11/2 વાટકી ખાંડ
 • -2 ચમચી કોપરાનું છીણ
 • -1 ચમચી ખસખસ

રોટલી માટે-

 • -1 કપ ઘઉંનો લોટ
 • -તેલ જરૂર મુજબ

રીત-

સૌપ્રથમ તુવેરની દાળને ધોઈને કુકરમાં બાફવા મૂકો. જેટલી દાળ હોય એટલા પ્રમાણમાં જ પાણી મુકવું. ચારથી પાંચ સીટી વગાડવી. કૂકર ઠંડુ થાય એટલે દાળને કુકરમાંથી કાઢી લેવી. બફાયેલી દાળને નોન્સ્ટીક વાસણમાં તેલનો હાથ લગાડી ગેસ પર મધ્યમ તાપે મૂકવી. હવે તેમાં ખાંડ નાખીને સતત હલાવતા રહેવું. થોડા સમય બાદ જ્યારે ખાંડનું પાણી બરાબર બળી જાય તેટલે ગેસ પરથી ઉતારી લો. ગોળી વળી શકે તેવું પુરણ તૈયાર થઈ જાય એટલે તેને તરત ગેસ પરથી ઉતારી લેવું. તૈયાર થયેલા પુરણને એક થાળીમાં કાઢી લો. તેના ઉપર પહેલા ખસખસ અને તે પછી કોપરાનું છીણ ભભરાવવું. હવે ઘઉંના લોટમાં સહેજ મોણ નાખીને રોટલીનો લોટ બાંધવો. લોટને તેલનો હાથ મારીને સરખો કરવો. લુઆ બનાવીને પહેલા પુરી જેટલું વણવું. પછી તેમાં પુરણ ભરીને તેને ચારેબાજુથી બંધ કરી, સહેજ દબાવી, ફરીથી મધ્યમ કદનું વણી લો. તૈયાર થયેલી પુરણપોળીને તવા પર શેકી લેવી. તવા પરથી ઉતારીને તેની પર ઘી ચોપડી લેવું. પુરણપોળીને કઢી-ભાત કે દાળ સાથે ઉપયોગમાં લેવાથી અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.

ખીચડી-

image source

સામગ્રી-

 • -1 કપ ચોખા
 • -1/2 કપ મોગર દાળ
 • -1/4 કપ ચણાદાળ
 • -1/2 ચમચો કાચી શીંગ
 • -1 ચમચો ઘી
 • -2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ
 • -1/2 ચમચી હળદર
 • -1 ચમચી લાલ મરચું પાવડર
 • -2 ચમચી ધાણાજીરું
 • -1 ચમચી ગરમ મસાલો
 • -મિક્ષ શાકભાજી જરૂર મુજબ
 • -મીઠું સ્વાદાનુસાર
 • -લીમડાના પાન
 • -રાઈ
 • -જીરું
 • -હીંગ
 • -કોથમીર
 • -લીંબુંનો રસ
 • -પાણી જરૂર મુજબ

રીત-

સૌપ્રથમ ચોખા, મોગર દાળ, ચણાની દાળ, શીંગને ધોઈને દસથી પંદર મિનિટ પાણી નિતારીને રાખો. ઘી ગરમ કરીને તેમાં રાઈ-જીરું અને હીંગનો વઘાર કરવો. રાઈ તતડે એટલે તેમાં લીલાં મરચાં અને કડીપત્તા નાંખીને સાંતળવા. તેમાં શાકભાજી અને મીઠું નાંખી સાંતળવું. તેમાં હળદર, લાલ મરચું, ધાણા અને ગરમ મસાલો નાંખી હલાવવું. તેમાં ધોયેલી દાળો, ભાત અને શીંગ નાંખીને હલાવવું. તેમાં પાંચ કપ ગરમ પાણી અને મીઠું નાંખી, ખીચડી ચઢવા દેવી. ચઢી જાય એટલે તેમાં કોથમીર, લીંબુનો રસ નાંખી નીચે ઉતારવી. ઉપરથી થોડું ઘી નાંખીને સર્વ કરવું.

સાબુદાણાની ખીચડી-

image source

સામગ્રી-

 • -250 ગ્રામ સાબુદાણા(ધોઈ ને ૪ કલાક પલાળેલા)
 • -200 ગ્રામ બટાકા
 • -25 ગ્રામ સિંગ
 • -1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ
 • -2 ટેબલ સ્પૂન તેલ
 • -1 ટેબલ સ્પૂન લાલ મરચું
 • -1 નંગ લીંબૂનો રસ
 • -સિંધવ મીઠું સ્વાદાનુસાર

ગાર્નીશિંગ માટે-

 • -દાડમના દાણા
 • -ફરાળી ચેવડો
 • -ઝીણી સમારેલી કોથમીર
 • -મસાલા શીંગનો ભૂકો

રીત-

સૌ પહેલાં પલાળેલા સાબુદાણામાં એકાદ સ્પૂન તેલ નાખી તેને વરાળથી બાફી લો. આમ કરવાથી સાબુદાણા ચોટશે નહીં. હવે એક કઢાઈમાં સહેજ તેલ મુકી તેમાં મીઠો લીમડો અને જીરૂનો વઘાર કરો. સાબુદાણા નાખીને લગભગ 10-12 મિનિટ માટે સાંતળો. તેલમાં સિંગને પણ સાંતળી લો. બાદમાં તેને બહાર કાઢી લો. હવે બાફેલા બટાકાના ટુકડાં, સિંધવ મીઠું, મરચું, લીંબુનો રસ, દળેલી ખાંડ અને તળેલી સિંગ ઉમેરી બરોબર હલાવી લો. ખીચડીને બાઉલમાં કાઢી દબાવીને અનમોલ્ડ કરો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર, દાડમના દાણા અને ફરાળી ચેવડાથી ગાર્નીશ કરી સર્વ કરો.

સુખડી-

image source

સામગ્રી-

 • -3/4 કપ ઘઉં નો લોટ
 • -3/4 કપ ઘી
 • -3/4 કપ છીણેલો ગોળ

રીત-

સૌપ્રથમ એક કડાઈમાં ઘઉંનો લોટ અને ઘી શેકી લો. લોટ લાલ ન થવા દેવો તે વાતનું ધ્યાન રાખવું. આ ઘઉંના લોટને તાવેથાથી ખુબ હલાવતા રહો. લોટ શેકાઈ જાય એટલે તેમાં છીણેલો ગોળ ઉમેરો. તેનો ખૂબ જ હલાવો. બાદમાં એક ઘી ચોપડેલી પ્લેટમાં આ સુખડી પાથરો. થોડી ઠંડી થાય એટલે તેના વ્યવસ્થિત ચકતા કરી એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

બટેકા પૌઆ-

image source

સામગ્રી-

 • -250 ગ્રામ પૌઆ
 • – સીંગદાણા
 • – કાજુ, કિશમિશ
 • -100 ગ્રામ બાફેલાં વટાણા
 • -1 નંગ ગાજર
 • -1 નંગ બાફેલા બટાકા
 • -1 નંગ ડુંગળી
 • -2 ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ
 • -1 વાટકી ઝીણી સમારેલી કોથમીર
 • -રાઇ
 • -જીરું
 • -લીમડો
 • -મીઠું
 • -તેલ
 • -લીંબુનો રસ
 • -ખાંડ

રીત-

સૌપ્રથમ પૌંઆને સાફ કરીને પલાળી લો. ગાજરને છોલીને નાના ટુકડાં કરી બાફી લો. ડુંગળીને ઝીણી સમારી લો. એક કડાઇમાં તેલનો વઘાર મૂકીને રાઇ, જીરું, લીમડો નાખો. તેમાં આદું-મરચાં નાખીને ડુંગળી ઉમેરીને સાંતળો. ત્યાર બાદ બાફેલાં વટાણા, ગાજર, બટાકા, શીંગદાણા, પૌઆ, મિક્સ કરી સરખું હલાવો. હવે કિશમિશ નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો.તેમાં પ્રમાણસર મીઠું, ખાંડ, લીંબુનો રસ, કોથમીર મિકસ કરો. એક બાઉલમાં કાઢીને ઉપર કોથમીર, કાજુ અને કિશમિશ નાખીને સર્વ કરો.

વઘારેલા મમરા-

image source

સામગ્રી-

 • -500 ગ્રામ મમરા
 • -1/2 ટી સ્પૂન હળદર
 • -1/4 ટી સ્પૂન લાલ મરચું
 • -1 ટેબલ સ્પૂન તેલ
 • -20 મીઠા લીમડાના પાન
 • -1 નંગ લીલા મરચું સમારેલું
 • -1 ચપટી હિંગ
 • -2 ટેબલ સ્પૂન સિંગ
 • -1/4 કપ સૂકા નાળિયરના ટુકડા
 • -મીઠું સ્વાદાનુસાર

રીત-

સૌપ્રથમ એક મોટી કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં પહેલા સિંગ અને નાળિયેરના ટુકડાને શેકી લો. ત્યાર બાદ મીઠો લીમડો, હિંગ અને લીલા મરચાં નાખીને અડધી મિનિટ માટે સાંતળો. હવે તેમાં હળદર અને લાલ મરચું નાખીને ફરીથી અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં મમરા નાખીને બરાબર મિક્ષ કરી લો. મમરા બરાબર મિક્ષ કરીને એકથી બે મિનિટ માટે શેકો. છેલ્લે તેમાં સિંગ અને નાળિયેર નાખીને બરાબર ભેળવીને ગેસ બંધ કરીને મમરાના નીચે ઉતારી લો. ઠંડા કરીને સર્વ કરો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *