ઓરિજનલ સાઉથ ઇન્ડિયન સાંભારની સીક્રેટ રેસીપી…

શું તમારે ક્યારેય બહાર રેસ્ટોરન્ટ જેવો ઇડલી સાંભારનો સાંભાર બને છે ? નહીં ને, તો આજની આ રેસીપી તમારા માટે જ છે. નોંધીલો સાઉથ ઇન્ડિયામાં બનતા પ્યોર સાંભારની રેસીપી.

ઓરિજનલ સાઉથ ઇન્ડિયન સાંભાર બનાવવા માટેની સામગ્રી

¾ કપ બાફીને બ્લેન્ડ કરેલી તુવેરની દાળ

1 ચમચી જીરુ,

1 નાની ચમચી મેથી

એક મટી ચમચી ધાણા

એક નાની ચમચી ચમાની દાળ

એક નાની ચમચી ચોખા

ત્રણ લવીંગ, એક નાની ઇલાઇ

આદુનો નાનો ટુકડો, 5-6 કળી લસણ

10-12 લીંમડાના પાન

5-6 કાશ્મીરી સુકા મરચા

2 મોટી ચમચી લીલુ ટોપરુ

અરધી વાટકી સમારેલી ડુંગળી

1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચુ

સ્વાદઅનુસાર મીઠુ

અરધી ચમચી હળદર

3-4 ચમચા આંબલીનું પાણી

અરધી ચમચી ગોળ

5-6 ટુકડા સરગવાની સીંગ

સાઉથ ઇન્ડિયન સાંભાર બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેન લેવું તેને ગેસ પર ગરમ થવા મુકી દેવું. તેમાં એક ચમચી તેલ એડ કરવુ. તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવો.

હવે તેમાં એક ચમચી જીરુ નાખવું, ત્યાર બાદ એક નાની ચમચી મેથી, એક મોટી ચમચી ધાણા ઉમેરવા

હવે તેમાં એક નાની ચમચી ચણાની દાળ, એક નાની ચમચી ચોખા ઉમેરવા.

હવે તેમાં ત્રણ લવીંગ, એક નાની ઇલાઈચી, એક નાનો આદુનો ટુકડો સમારેલો, 5-6 કળી લસણ ઉમેરવું

હવે આ બધી જ સામગ્રીને ધીમા તાપે શેકી લેવી. 5-7 મીનીટ શેકાઈ ગયા બાદ તેમાં 6-7 સુકા કાશ્મીરી મરચા ઉમેરવા, સાથે સાથે 5-6 લીંમડાના પાન એડ કરવા અને તેને પણ ધીમા તાપે શેકી લેવા.

શેકવામાં ધ્યાન રાખવું કારણ કે તેના કારણે જ સાંભાર સ્વાદીષ્ટ બને છે. તેને ધીમા તાપે જ શેકવું જેથી કરીને મસાલા બળી ન જાય. હવે તેમાં બે મોટી ચમચી લીલુ ટોપરું, અરધી વાટકી ડુંગળી સમારેલી એડ કરવી.

હવે તેને ધીમા ગેસ પર 5-6 મીનીટ શેકવા. ગોલ્ડન કલર આવવા દેવો. ગેસ બંધ કરી દેવો.

હવે તેમાં એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચુ પાઉડર, સ્વાદ અનુસાર મીઠુ અને અરધી ચમચી હળદર ઉમેરવી. તેને એક ડોઢ મીનીટ માટે બંધ ગેસ પર જ સાંતળી લેવું.

હવે તેને ઠંડુ થવા દેવું અને ત્યાર બાદ આ બધી જ સામગ્રીને મિક્સરના જારમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી.

હવે કુકર લેવું તેને ગેસ પર ગરમ થવા દેવું. તેમાં ત્રણ ચમચી તેલ ઉમેરવું.

તેલ ગરમ થાય એટલે તેમાં અરધી વાટકી સમારેલી દૂધી, એક કપ જીણા સમારેલા ટામેટા, અરધો કપ બટાટા એડ કરવા. હવે તેને સાંતળી લેવું. અહીં તમે તમને ગમતા શાકભાજી એડ કરી શકો છો.

હવે એડ કરેલું શાક 4-5 મીનીટ સાંતળીને તેમાં અગાઉ તૈયાર કરેલી સંભાર મસાલાની પેસ્ટ એડ કરવી. હવે બધું બરાબર હલાવી લેવું.

જરૂર પડે તો તેમાં અરધી વાટકી પાણી એડ કરવું.

1-2 મીનીટ બાદ 3-4 ચમચા આબલીનું પાણી એડ કરવું. આંબલીનું પાણી મેઇન ઇનગ્રેડીયન્ટ છે તેનો ઉપયોગ કરવાનો જ છે.

હવે તેમાં અરધાથી પોણો કપ બાફેલી તુવેરની દાળ બ્લેન્ડ કરીને ઉમેરી દેવી અને તેને હલાવી લેવી.

હવે તેમાં બે કપ પાણી એડ કરવું અને હલાવી લેવું.

હવે તેમાં અરધી ચમચી ગોળ અને મીઠુ એડ કરવું.

ત્યાર બાદ તેમાં સરગવાની સીંગના 5-6 ટુકડા એડ કરી લેવા અને તેને હલાવી લેવું.

હવે કુકરનું ઢાંકણું બંધ કરીને ગેસ ફુલ કરી દેવો. અને સીટીમાંથી થોડી હવા નીકળવા લાગે એટલે ગેસને મિડિયમ કરી દેવો. અને તેને 3-4 મીનીટ ઉકાળી લેવું. જો તમે ખુલ્લી તપેલીમાં બનાવતા હોવ તો તેને 10-15 મીનીટ ઉકળવા દેવું.

કુકરને 15-20 મીનીટ માટે ઠંડુ થવા દેવું ત્યાર બાદ જ કુકરનું ઢાકણું ખોલવું.

હવે સાંભારને થોડો હલાવી લેવો અને તેને ધીમા ગેસે પાછો ઉકાળવાનું ચાલુ કરી દેવો.

હવે તમારે સંભારનો વઘાર કરવાનો છે. તેના માટે તમારે વઘારીયામાં એક મોટો ચમચો તેલ, થોડી રાઈ, થોડું જીરુ, ચાર-પાંચ લાલ મરચા અને 5-6 લીંમડાના પાન નાખીને વઘાર કરી લેવો.

હવે વઘારને સાંભારમાં એડ કરી દેવો અને સંભારને બરાબર હલાવી લેવો.

વઘાર તમે જ્યારે સંભાર સર્વ કરવાના હોવ ત્યારે જ વઘારવો. હવે તેને કોથમીરથી ગાર્નીશ કરી લો.

તો તૈયાર છે પ્યોર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભાર.

રસોઈની રાણીઃ સીમાબેન

પ્યોર સાંભારની સીક્રેટ રેસીપીનો વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *