મુંબઈમાં તો ચોમાસુ બેસી ગયું છે, અમદાવાદમાં પણ ગમે ત્યારે આવી શકે છે. તો ચોમાસામાં ગરમાગરમ મેથીના ગોટા ખાવા હોય તો આજે જ નોંધી લો આ પર્ફેક્ટ રેસીપી

ઉનાળો હવે બાય-બાય કહી રહ્યો છે અને ચોમાસુ દરવાજે ટકોરા મારી રહ્યું છે. ચોમાસુ આવે ત્યારે માત્ર લીલુડી ધરતી, કે પછી શેકેલા ડોડા જ યાદ નથી આવતા પણ ગરમા ગરમ ભજીયા પણ યાદ આવે છે. તો આજે જ નોંધી લો પર્ફેક્ટ મેથીના ગોટા બનાવવાની રેસીપી.

મેથીના ગોટા બનાવવા માટેની સામગ્રી

2 ટેબલ સ્પૂન આખા ધાણા

1 ટેબલ સ્પૂન આખા મરી

1 કપ જીણી સમારેલી મેથી

2 ટેબલ સ્પૂન ક્રશ કરેલું લસણ

2 ટેબલ સ્પૂન ક્રશ કરેલું આદુ

2 ટેબલ સ્પૂન જીણા સમારેલા મરચા

½ કપ જીણી સમારેલી કોથમીર,

2 ટેબલ સ્પૂન ખાંડ,

સ્વાદ પ્રમાણે મીઠુ

½ ટી સ્પૂન હીંગ

1 ½ કપ બેસન

½ ટી સ્પૂન કૂકીંગ સોડા

½ લીંબુનો રસ

1 ચમચી ગરમ તેલ

તળવા માટે તેલ

મેથીના ગોટા બનાવવાની રીત

સૌ પ્રથમ બે ટેબલ સ્પૂન આખા ધાણા, અને એક ટેબલ સ્પૂન કાળા મરી એક પેનમાં ધીમા તાપે શેકી લેવા. ધીમી સોડમ આવવા લાગે એટલે ગેસ બંધ કરી લેવો.

હવે તેને ખરલમાં અધકચરા વાટી લેવા અને તેને બાજુ પર મુકી દેવું.

હવે એક મોટા બોલમાં એક કપ જીણી સમારેલી મેથી, બે ટેબલ સ્પૂન ક્રશ કરેલું લસણ, 2 ટેબલ સ્પૂન ક્રશ કરેલું આદુ, 2 ટેબલ સ્પૂન જીણા સમારેલા મરચા, 2 ટેબલ સ્પૂન શેકીને અધકરચા વાટેલા મરી-ધાણા એડ કરવા.

ત્યાર બાદ તેમાં અરધો કપ જીણી સમારેલી કોથમીર, 2 ટેબલ સ્પૂન ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, અરધી નાની ચમચી હીંગ નાખી બધું જ બરાબર મીક્સ કરી લેવું.

અહીં તમે ભજીયાને ક્રીસ્પી બનાવવા માટે 2 ટેબલ સ્પૂન સોજી પણ એડ કરી શકો છો.

હવે બધું મીક્સ થઈ ગયા બાદ તેમાં ડોઢ કપ બેસન નાખી બધું જ બરાબર મીક્સ કરી લેવું. આ દરમિયાન તેલ ગરમ કરવા મુકી દેવું.

હવે તૈયાર કરેલા મીશ્રણમાં ધીમે ધીમે પાણી એડ કરીને ખીરુ તૈયાર કરો. કન્સીસ્ટન્સી બહુ પાતળી ન રાખવી. મીડીયમ થીક બેટર રાખવું.

હવે તેમાં એક ચમચી ગરમ તેલ એડ કરવું.

હવે બધું બરાબર હલાવી લેવું. ખીરાની કન્સીસ્ટન્સી મીડીયમ થીક રહેવી જોઈએ.

હવે ભજીયા માટે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારે ખીરામાં ½ ટી સ્પૂન કૂકીંગ સોડા એડ કરવો અને તેને એક્ટીવેટ કરવા માટે તેના પર અરધા લીંબુનો રસ એડ કરી દેવો.

હવે હળવા હાથે ખીરાને મીક્સ કરી લેવું. મેથીના ગોટા ઉતારવા માટે ખીરુ તૈયાર છે.

હવે ગોટા પાડવા માટે તેલ બરાબર ગરમ થઈ ગયું હશે.

હવે હાથને ભીના કરીને મીડીયમ સાઇઝના ગોટા તેલમાં પાડવા.

તે બરાબર ફુલી જાય અને ઉપર આવી જાય એટલે તેને પલટી દેવા.

હવે ગોટા હળવા બ્રાઉન રંગના થાય એટલે તેને બહાર કાઢી લેવા.

તૈયાર છે મેથીના ગોટા. હવે તેને તળેલા મરચા તેમજ ડુંગળી સાથે સર્વ કરો. અને વરસતા વરસાદમાં મેથીના ગોટાની મજા માણો.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

પર્ફેક્ટ મેથીના ગોટા બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ વિડિયો

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *