પીસ્તા-મેંગો પેડા – કોઈપણ નાની મોટી ખુશખબરીમાં બનાવો આ મેંગો પેંડા, બહુ સરળ અને યુનિક રેસિપી છે..

પીસ્તા-મેંગો પેડા :

પેડા એ દૂધ કે માવામાંથી બનતી બધાની હોટ ફેવરીટ સ્વીટ છે. બાળકોને તો પેડા ખુબજ પ્રિય હોય છે. પેડા અનેક ફ્લેવરમાં બનાવવામાં આવતા હોય છે. જેવાકે એલચી પેડા, કેશર પેડા, મિક્ષ ડ્રાય ફ્રુટ પેડા, ચોકલેટ પેડા, થાબડી પેડા, રાજભોગ પેડા વગેરે …

હાલ પાકી કેરીની સીઝન હોવાથી હું આપ સૌ માટે ખૂબજ સ્વાદિષ્ટ એવા પીસ્તા-મેંગો પેડાની રેસીપી આપી રહી છું. આ પેડા પ્રસાદ માટે, ફરાળ માટે કે ચેવડા જેવા નાસ્તા સાથે સર્વ કરી શકાય છે. નાના મોટા બધાને આ પીસ્તા-મેંગો પેડા ખુબજ ભાવશે. તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને ચોક્કસથી બનાવજો. ખૂબજ જલ્દી બની જતા આ પેડા એલચી, પીસ્તા અને મેંગોની ફ્લેવરથી ભરપુર છે. તેથી આ પીસ્તા-મેંગો પેડા તમારા પણ ફેવરીટ બની જશે. તો તમે પણ તમારા રસોડે આ પેડા ચોક્કસથી ટ્રાય કરજો.

પીસ્તા-મેંગો પેડા બનાવવા માટેની સામગ્રી :

  • ૧ મોટી પાકી મીઠી કેરી અથવા ૧ કપ પલ્પ
  • ૧ ટેબલ સ્પુન ઘી –જામેલું
  • ૧/૪ કપ દૂધ
  • ૧૦-૧૨ તાંતણા કેશર અથવા કેશર જેવો કલર
  • ૧ ટેબલ સ્પુન સાદું દૂધ – કેશર પલાળવા માટે
  • ૧/૪ કપ સુગર – અથવા તમારા સ્વાદ મુજબ
  • ૧ કપ + ૨ ટેબલ સ્પુન મિલ્ક પાવડર
  • ૨ ટેબલ સ્પુન પિસ્તાની કતરણ
  • ૧ તી સ્પુ ઘી –પેડાનાં મિશ્રણ માં ઉમેરવા માટે
  • ૧/૨ ટી સ્પુન એલચી પાવડર

ગાર્નીશિંગ માટે :

  • પિસ્તાના સ્લીવર્સ

પીસ્તા-મેંગો પેડા બનાવવાની રીત :

સૌ પ્રથમ એક નાના બાઉલમાં ૧ ટેબલ સ્પુન દૂધ લઇ તેમાં ૧૦-૧૨ કેશરના તાંતણા પલાળી લ્યો. થોડીવાર બાદ ઘસી લ્યો જેથી દૂધનો કલર કેશરી થઈ જશે.

ત્યારબાદ સરસ મોટી પાકી કેરીને ધોઈને તેની છાલ કાઢી લ્યો. હવે તેના નાના ટુકડા કરી ગ્રાઇન્ડર જારમાં ભરી તેની સ્મુધ ફાઈન પેસ્ટ બનાવી લ્યો. જેથી તેમાં કેરીના રેસા ના રહે.

બિલકુલ પાણી ઉમેર્યા વગરજ આ પેસ્ટ –પ્યુરી બનાવવી.

હવે એક કડાઈમાં ૧ ટેબલ સ્પુન ઘી ઉમેરી મીડીયમ ફ્લેઈમ પર ગરમ મુકો. હવે તેમાં ૧/૪ કપ દૂધ ઉમેરી મિક્ષ કરો. સાથે તેમાં ૧ ટેબલ સ્પુન દુધમાં ૧૦-૧૨ તાંતણા કેશર અથવા કેશર જેવો કલર ઉમેરી રેડી કરેલું કેશરી દૂધ ઉમેરી મિક્ષ કરો.

હવે તેમાં સાથે મેંગો પ્યુરી પણ ઉમેરી તવેથા વડે મિક્ષ કરી લ્યો. ફ્લેઈમ મીડીયમ જ રાખીને સતત હલાવતા રહી એકરસ થાય એ રીતે કરો.

થોડુંવધુ કુક થશે એટલે મિશ્રણમાં બબલ બનવા લાગશે અને મિશ્રણનો કલર ચેન્જ થઇ જશે. અને મિશ્રણ ઘટ્ટ પણ થતું લાગશે.

આ સ્ટેપ પર તેમાં ૧/૪ કપ સુગર ઉમેરી મિક્ષ કરો. તમારા સ્વાદ પ્રમાણે અને કેરીની મીઠાશ પ્રમાણે સુગરનું પ્રમાણ લઇ શકાય.

સતત હલાવતા રહી સુગર મેલ્ટ કરો. મિશ્રણ વધારે ઘટ્ટ થતું દેખાશે. મિશ્રણ પેનમાં સ્ટિક ના થાય એ માટે સતત હલાવતા રહો.

૩-૪ મિનીટ કુક થતા મિશ્રણમાં ફરી બબલ થવા લાગશે. અને મિશ્રણ થીક બની તેમાં ચમક આવેલી દેખાશે. ત્યાં સુધી કુક કરી હવે તેમાં મીલ્ક પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો. ફ્લેઈમ સ્લો કરી દ્યો. સતત હલાવતા રહી બધો મિલ્ક પાવડર કેરીના મિશ્રણમાં એકરસ થઇ જાય એ રીતે મિક્ષ કરો. લમ્સ ના રહે એ રીતે સતત હલાવતા રહો.

બધું મિશ્રણ થીક થઇ પેનની સાઈડસ છોડવા લાગે એટલે તેમાં પીસ્તા અને એલચીનો પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો. ત્યાં સુધી સ્લો ફ્લેઈમ પર સતત હલાવતા રહો. ૨-૩ મિનીટ કુક કરો. ત્યારબાદ તેમાં ૧ ટી સ્પુન ઘી ઉમેરો. એટલે હલાવવાથી બધું મિશ્રણ થીક થઇ પેડા બનાવી શકાય તેવું થઇ જશે.

હવે આ મિશ્રણને એક પ્લેટમાં ટ્રાન્સફર કરો. ઠરે એટલે તેમાંથી તમારી મનગમતી સાઈઝનાં પેડા બનાવો તેના પર વાયરના જારા વડે કે પેડા પર ડીઝાઈન કરવાના મોલ્ડ વડે ડીઝાઈન કરો. તેના પર પીસ્તાનાં સ્લીવર્સથી ગાર્નીશ કરો….. તો હવે ખૂબજ સ્વાદિષ્ટ અને મેંગો તેમજ એલચી તથા પિસ્તાની ફ્લેવરથી ખુશ્બુદાર પેડા સર્વ કરવા માટે રેડી છે. ખરેખર આ પેડા બજારમાં મળતા પેડા કરતા પણ વધારે ખુશ્બુદાર અને ટેસ્ટી બને છે, તમે પણ ચોક્કસથી તમારા રસોડે પીસ્તા-મેંગો પેડાની મારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. બધાને ખુબજ ભાવશે.

વિડિઓ રેસિપી:

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *