આલૂ ફૂદીના સેવ – આલૂ ફુદીનાની સેવ હવે તમે પણ બનાવી શકશો ઘરે જ બહુ સરળ રેસિપી છે..

આલૂ ફૂદીના સેવ (Potato Mint Slims Recipe In Gujarati)

મેં તડકા વગર સૂકવણીથી ઘરે બનાવેલા ફૂદીનાના પાઉડરનો ઉપયોગ કરી આ સેવ બનાવી છે. બિલકુલ પાણી લીધા વગર, બને તેટલા વધારે બટાકા લેવાથી આ સેવમાં બટાકાનો મસ્ત સ્વાદ આવે છે અને સરસ ક્રન્ચી બને છે. ખાલી ચણાનો લોટ લીધો છે. સાથે ચોથા ભાગનો કોર્નફ્લોર કે ચોખાનો લોટ ઉમેરી પણ બનાવીએ તો સરસ લાગે છે..

ઘટકો:

  • • 250 ગ્રામ ચણાનો લોટ
  • • 2 મોટા બટાકા
  • • 3/4 ટીસ્પૂન મીઠું
  • • 1 ટીસ્પૂન ચાટ મસાલો
  • • 1/2 ટીસ્પૂન સંચળ પાઉડર
  • • 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  • • 1/2 ટીસ્પૂન મરી પાઉડર
  • • 2-3 ટીસ્પૂન હોમમેડ ફૂદીનાનો પાઉડર
  • • 1 ટેબલ સ્પૂન તેલ
  • • તળવા માટે તેલ

પધ્ધતિ:

1️⃣ફૂદીનાનો પાઉડર બનાવવા માટે, ફૂદીનાના પાન ચૂંટીને સારી રીતે ધોઇ લેવા. તેને એક કોટન કપડામાં ખુલ્લાં સૂકવવા જેથી પાણી ઉડી જાય. તે જ કપડાંમાં 1-2 દિવસ માટે ઘરમાં છાંયડે સૂકાવા દેવા.પછી એક પહોળી પ્લેટમાં લઇ ફ્રીઝમાં ખુલ્લા પાણી ના અડે તેમ 3-4 દિવસ રાખવા. પાન એકદમ લીલાછમ સૂકાઇને તૈયાર હશે.અને મસળવાથી ભૂકો થઇ જશે. તેને મિક્સરમાં પીસી પાઉડર કરી લેવો. ફ્રીઝમાં આખું વર્ષ સારો રહે છે આ પાઉડર.

2️⃣સેવ બનાવવા માટે, બટાકાને વરાળથી બાફી લેવા. ઠંડા પડે એટલે છીણી લેવા જેથી ગાંઠો ના રહે. બધા મસાલા તૈયાર રાખવા.

3️⃣બટાકાના છીણમાં બધા મસાલા(મીઠું,મરી પાઉડર,સંચળ પાઉડર,લાલ મરચું, ચાટ મસાલો, ફૂદીનાનો પાઉડર) ઉમેરી મિક્સ કરી લેવા. જો સેવનો કલર લાઇટ રાખવો હોય તો લાલની જગ્યાએ સફેદ મરચું ઉમેરવું. તેમાં ચાળીને ચણાનો લોટ અને તેલ ઉમેરવા. બિલકુલ પાણી ઉમેર્યા વગર મુલાયમ પરાઠા જેવો લોટ બાંધવો. જરુર લાગે તો થોડો બીજો લોટ ઉમેરવો. લોટ બાંધ્યા પછી તેલ લગાવી કેળવી લેવો.

4️⃣કઢાઇમાં તેલ ગરમ મૂકવું. સેવ પાડવાના સંચામાં ઝીણી સેવ પાડવાની જારી લગાવી સમાય એટલો લોટ ભરવો. તેલ ગરમ થાય એટલે સંચાને ગોળાકાર ફેરવતા જઇ તેલમાં સેવ પાડવી. પાડ્યા પછી ગેસ ધીમો કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી. અને નિતારીને કાઢી લેવી.

5️⃣આ રીતે બધા લોટમાંથી સેવ પાડી તળી લેવી. ઠંડી પડે એટલે સેવના થરને દબાવી ભાંગી લેવી.

6️⃣એરટાઇટ ડબ્બામાં ભરી લેવી. 15-20 દિવસ સુધી સારી રહેશે. મન થાય ત્યારે ગરમ ચા-કોફી સાથે મજા માણવી.

આ સેવમાં સંચળ અને મરી પાઉડર નો ખાસ સરસ સ્વાદ આવે છે.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *