પંજાબી આલૂ પરાઠા – હવે જયારે પણ આલુ પરાઠા બનાવવાનો પ્લાન કરો તો આવીરીતે બનાવજો…

પંજાબી આલૂ પરાઠા (Punjabi Aloo Paratha)

ઉત્તર ભારતના ઢાબાની ખાસ ઓળખ એટલે પરાઠા. તેમાં સૌથી વધારે પ્રચલિત છે આલૂ પરાઠા. બટાકાનું મસાલેદાર સ્ટફીંગ બનાવી તેને લોટમાં સ્ટફ્ડ કરી આ પરાઠા બને છે. પણ સ્ટફીંગમાં થતા મસાલામાં અને ટેસ્ટમાં ઘણી વિવિધતા જોવા મળે છે. હું જ ઘરે 3-4 જાતના અલગ-અલગ આલૂ પરાઠા બનાવું છું. તેમાંથી આજે અહીં ઓથેન્ટિક પંજાબી સ્ટાઇલ આલૂ પરાઠા બનાવ્યા છે. જે હું મારા પંજાબી ફ્રેન્ડ પાસેથી શીખી છું.

સમય: 40-45 મિનિટ , સર્વિંગ: 3-4 વ્યક્તિ

ઘટકો:

🔸️સ્ટફીંગ માટે,

  • • 500 ગ્રામ બટાકા
  • • 1 મોટી ડુંગળી
  • • 8-10 કળી લસણ
  • • 1 ટુકડો આદું
  • • 2-3 લીલા મરચાં
  • • 1/4 કપ સમારેલી કોથમીર
  • • 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
  • • 1 ટીસ્પૂન ગરમ મસાલો
  • • 1/4 ટીસ્પૂન હળદર
  • • 1 ટીસ્પૂન આમચૂર પાઉડર
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • 1 ટેબલ સ્પૂન કસુરી મેથી
  • • 1 ટેબલ સ્પૂન તેલ
  • • 1 ટીસ્પૂન જીરુ
  • • 1 લીંબુનો રસ

🔸️લોટ બાંધવા,

  • • 2 કપ ઘઉંનો લોટ
  • • 1 ટીસ્પૂન તેલ
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • 1 ટીસ્પૂન અજમો
  • • 1/4 કપ સમારેલી કોથમીર

🔸️તળવા માટે ઘી કે બટર

પધ્ધતિ:

1️⃣બટાકા ને ધોઇને વરાળથી બાફી લો.

2️⃣ઘઉંના લોટમાં મીઠું, અજમો, કોથમીર, તેલ નાખી પરાઠાનો લોટ બાંધી લો.

3️⃣બટાકાને છીણીને કે સ્મેશ કરીને કણી ના રહે તેવો માવો કરી લો. તેમાં મીઠું, મરચું, ગરમ મસાલો, આમચૂર પાઉડર,હળદર, કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો.

4️⃣એક કઢાઇમાં તેલ ગરમ કરી જીરુ તતળાવો. તેમાં લસણ-આદું-મરચાની પેસ્ટ નાખી સાંતળો. પછી તેમાં ડુંગળી નાખી થોડી વાર સાંતળો.

5️⃣ચપટી હળદર, લાલ મરચું, અને કસુરી મેથી નાખી હલાવી લો. ગેસ બંધ કરી આ મિશ્રણને બટાકા ના મિશ્રણમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. ઉપરથી લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લો. સ્ટફીંગ તૈયાર છે.

6️⃣થોડો લોટ લઇ લુઓ બનાવી રોટલી વણો. તેમાં વચ્ચે ૨-૩ ચમચી જેટલું સ્ટફીંગ મૂકી પોટલી વાળી લો. તેને દબાવી ફરી વણી લો.

7️⃣ગરમ તવી પર સીધું મૂકી ૧ મિનિટ પડ ચડવા દો. પછી ઊલ્ટાવીને બીજી બાજુ ચડવી લો. પછી ૧ ચમચી જેટલું ઘી કે બટર મૂકી પરાઠાને બન્ને બાજુ સાંતળી લો. સંતળાય ને પરાઠા સરસ ફૂલશે.

8️⃣બધા પરાઠા આ રીતે બનાવી મસાલા દહીં, આચાર સાથે સર્વ કરો.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *