સેવ ખમણી – ફક્ત 30 મિનિટમાં તૈયાર થઇ જશે આ ટેસ્ટી ખમણી એકદમ દાણાદાર અને યમ્મી…

“સેવ ખમણી” દર રવિવારે આપણે ગુજરાતીઓને કાંઈકને કાંઈક ટેસ્ટી નાસ્તો જોઈએ એટલે જોઈએ જ. તો આજે હું તમારી માટે લાવી છું સેવ ખમણી બનાવવા માટેની સરળ રીત. આ રેસિપી એ બેસનમાંથી જ બનાવવામાં આવી છે. ઘણી વાર મહેમાન અચાનક આવી જાય અને ફટાફટ કાંઈક બનાવવું હોય તો આ એક બહુ સરળ અને ટેસ્ટી રેસિપી છે.

ચાલો તો પછી ફટાફટ બનાવતા શીખી લઈએ સેવ ખમણી. ફક્ત 30 મિનિટમાં તૈયાર થઇ જશે આ સેવ ખમણી.

સામગ્રી

 • ચણાનો લોટ (અહીંયા મેં ગાય છાપ બેસન લીધું છે.) – એક કપ
 • સોજી – બે ચમચી
 • લીલા મરચા – ત્રણ ચાર નંગ
 • આદુ – એક ટુકડો
 • ખાંડ – અડધી ચમચી
 • લીંબુના ફૂલ – અડધાની અડધી ચમચી
 • ઈનો (જે રેગ્યુલર આવે છે એ જ લેવાનો છે.) – અડધું પેકેટ
 • મીઠું – સ્વાદ મુજબ
 • જીણી સેવ – જરૂર મુજબ
 • તેલ (થાળી ડીશ ગ્રીસ કરવા માટે અને ખમણી વધારવા માટે)
 • રાઈ – અડધી ચમચી
 • મીઠો લીમડો – ચાર થી પાંચ પાન
 • ગ્રીન ચટણી – ચાર થી પાંચ ચમચી
 • દાડમ – જરૂર મુજબ
 • કાજુ – ત્રણ ચાર ટુકડા
 • લીલા ધાણા – સજાવટ માટે

સેવ ખમણી બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા એક બાઉલમાં આપણે ચણાનો લોટ અને સોજી લઇ લઈશું

2. હવે આમાં મીઠું, ખાંડ, લીંબુના ફૂલ ઉમેરીશું.

3. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને બધું બરાબર મિક્સ કરો. તેમાં એકપણ ગઠ્ઠા રહેવા જોઈએ નહિ.

4. હવે તેમાં આદુ છીણી લો અને લીલા મરચાને કટરમાં જીણા કરીને ઉમેરી લો.

5. બધું બરાબર હલાવી લો. હવે આપણે પહેલા ઢોકળીયુ ગરમ કરવા માટે મુકીશું. મેં અહીંયા એક મોટી કઢાઈ વાપરી છે અને તેમાં કાંઠલો મુક્યો છે.

6. હવે આપણે તૈયાર થયેલ બેસનમાં ઇનો ઉમેરીશું. ઇનો ઉમેરીને તે ઇનો પર થોડું પાણી ઉમેરો જેથી ઇનો એક્ટિવ થઇ જાય.

7. હવે બધું બરાબર મિક્સ કરી લો. બેસનને એક જ દિશામાં ફેંટવું જેથી તેમાં બરાબર ફીણ થાય. ફીણ થવાથી ખમણી સરસ છૂટી છૂટી બનશે.

8. હવે એક થાળી, ડીશ કે પછી આ ફોટોમાં છે એવી એલ્યુમિનિયમની ચાકી પણ વાપરી શકો. જે પણ વાસણ તમે ખમણી બનાવવા માટે લો તેને તેલથી ગ્રીસ કરી લો.

9. હવે તૈયાર થયેલ ખીરુંને ગ્રીસ કરેલ વાસણમાં ઉમેરો.

10. હવે એ ખીરું પાથરેલ વાસણને ઢોકળિયામાં મુકીશું.

11. હવે એ ઢોકળીયાને અથવા મારી જેમ વાપરેલ કઢાઈને થાળી કે ઢાંકણું ઢાંકી લો.

12. 15 મિનિટ પછી તમે ઢાંકણું ખોલીને બનેલ ખમણીમાં ચપ્પુ ખોસીને ચેક કરી શકો. જો ચપ્પુ થોડું ભીનું રહે તો ખમણીને હજી ચઢવા દેવાની જરૂરત છે. અને જો ચપ્પુ ચોખ્ખું બહાર આવે એટલે સમજો કે ખમણી બરાબર ચઢી ગઈ છે. હવે તેને 15 થી 20 મિનિટ ઠંડી થવા દેવી.

13. હવે બનેલ ખમણીને બહાર કાઢી લો. જો મારી રીત પ્રમાણે જ બનાવશો તો તમે જેવી ડીશ ઉંધી કરશો કે તરત ખમણી બહાર આવી જશે. હવે એના નાના ટુકડા કરી લો.

14. હવે એ ટુકડાઓને એક ડીશમાં લઈને ફોટોમાં બતાવ્યા પ્રમાણે બરાબર જીણો ભૂકો કરી લો.

15. હવે આ ખમણી વઘાર કરવા માટે તૈયાર છે. એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મુકીશું અને તેમાં રાઈ ઉમેરીશું.

16. હવે આ વઘારમાં આપણે જીણા સમારેલા મરચા અને મીઠો લીમડો ઉમેરો. કાજુ પણ સાથે ઉમેરી શકો અને જો તમને દ્રાક્ષ પસંદ હોય તો તમે સૂકી દ્રાક્ષ પણ ઉમેરી શકો છો.

17. હવે એ વઘારમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી લો.

18. પાણીને બરાબર ઉકળવા દેવાનું છે.

19. હવે એ વઘારમાં ખમણીનો જીણો કરેલો ભૂકો ઉમેરો.

20. આ સમયે મેં ખમણીના ભૂકાની સાથે થોડી જીણી સેવ પણ ઉમેરીશું. પછીથી ઉપર પણ સેવ ઉમેરીશું એટલે અત્યારે થોડી જ ઉમેરી છે.

21. હવે આ ખમણીમાં આપણે લીલી ચટણી ઉમેરીશું. હવે બધું બરાબર મિક્સ કરી લેશું. બસ તો હવે તમારી ખમણી તૈયાર થઇ ગઈ છે.

22. હવે જયારે ખમણી ડીશમાં ખાવા માટે લો ત્યારે તેમાં સૌથી પહેલા બનાવેલ ખમણી ડીશમાં લો, તેની પર જીણી સેવ, દાડમના દાણા અને લીલી ચટણી ઉમેરો.

તો મિત્રો આજે રવિવાર સ્પેશિયલ નાસ્તામાં ઘરે ચોક્કસ બનાવજો ઘરમાં બધાને પસંદ આવશે. તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ત્યારે ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ વાનગી લઈને.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *