શાહી પનીર – રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે

બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ને સ્વાદવાળી શાહી પનીર ઘરે પણ આસાનીથી બની જાય છે..બસ થોડાક શાહી મુખ્ય ઘટકો પણ વાપરવાથી અને માપનું થોડુંક ધ્યાન રાખવાથી..તો તમે પણ ચોક્કસ બનાવો તાજી ને ટેસ્ટી શાહી પનીર સબ્જી.. રેસીપીના નામમાં જ આમ તો બધું આવી જાય છે. ઘણા બધા શાહી, રોયલ, રીચ ઘટકો ઉમેરીને બનતી બહુ જ પ્રખ્યાત પંજાબી સબ્જી છે..

કાજુ, ક્રીમ,પનીર, ઘી, ખડાં મસાલા, મસ્કા દહીંની રીચનેસ દરેક બાઇટમાં અનુભવાય અને જે ખાય એ બધાને ભાવે એવી…આવી સબ્જી મળે એટલે એમ પણ બે રોટલી વધારે ખાઇ લેવાય..

સમય:1 કલાક, 4 વ્યક્તિ માટે

▶️ ઘટકો:

  • • 200 ગ્રામ પનીર
  • • 2 મોટી ડુંગળી
  • • 2 નાના ટામેટાં
  • • 10-15 કળી લસણ
  • • 1 ટુકડો આદું
  • • 3 સૂકા લાલ મરચા
  • • 4 ટેબલ સ્પૂન કાજુના ટુકડા
  • • 3 ટેબલસ્પૂન મોળું ફૂલ ક્રીમ દહીં
  • • 3 ટેબલસ્પૂન તાજી દૂધની મલાઇ (અથવા ફ્રેશ ક્રીમ)
  • • 5-6 મરીના દાણા
  • • 2-3 લવિંગ
  • • 1 તજનો ટુકડો
  • • 2 તમાલપત્ર
  • • 2 આખી ઇલાયચી
  • • 1 ટીસ્પૂન જીરુ
  • • 2 ટેબલસ્પૂન તેલ
  • • 2 ટેબલસ્પૂન ઘી
  • • 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર
  • • 1/2 ટીસ્પૂન હળદર
  • • 1 ટેબલસ્પૂન ધાણાજીરુ પાઉડર
  • • 1 ટીસ્પૂન ખાંડ
  • • 1 ટેબલસ્પૂન કસુરી મેથી
  • • 1 ટીસ્પૂન ગરમ મસાલો (અથવા શાહી પનીર મસાલો)
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • 2 ટેબલસ્પૂન કોથમીર

▶️ રીત:

🔹️1. એક બાઉલમાં 1/4 કપ જેટલું પાણી ગરમ કરી તેમાં કાજુ અડધા કલાક માટે પલાળી લો. ડુંગળી, લસણ, આદુંને ભેગા સમારી એકદમ બારીક પીસીને પેસ્ટ બનાવી લો. ટામેટાં અને 2 સૂકાં લાલ મરચાની પણ પેસ્ટ બનાવી લો. પલાળેલા કાજુની પણ સ્મૂધ પેસ્ટ બનાવી લો.

🔹️2. એક કઢાઇમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરુ અને ખડાં મસાલાનો વઘાર કરો. પછી તેમાં ડુંગળીની પેસ્ટ નાખી 2 મિનિટ માટે સાંતળો. એ પછી કાજુની પેસ્ટ ઉમેરી સાંતળો.

🔹️3. બન્ને પેસ્ટ બરાબર સંતળાય એટલે ટામેટાંની પ્યુરી ઉમેરો. અને 5 મિનિટ માટે સંતળાવા દો. તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો. ટામેટાં ની કચાશ ના રહેવી જોઈએ. બધું બરાબર ચડી જાય એટલે લાલ મરચું પાઉડર, હળદર, મીઠું નાખી મિક્સ કરો. દહીંમાં ધાણાજીરુ પાઉડર મિક્સ કરી તેને પણ બનતી ગ્રેવીમાં ઉમેરી મિક્સ કરી લો.

🔹️4. ફરી ઢાંકીને 3-4 મિનિટ માટે ગ્રેવીને થવા દો. એ પછી મલાઇ નાખી ઢાંકીને તેલ કિનારી પર અલગ પડે ત્યાં સુધી કુક થવા દો. થઇ જાય એટલે ગરમ મસાલો અને કસુરી મેથી નાખી મિક્સ કરી લો. જરુર લાગે તો થોડું પાણી અને ખાંડ નાખી મિક્સ કરી લો.

🔹️5. હવે સૌથી છેલ્લે તાજા પનીરના ચોરસ મોટા ટુકડા અને કોથમીર નાખી મિક્સ કરી લો.શાહી પનીર સબ્જી તૈયાર છે. બાઉલમાં કાઢી ઉપરથી કોથમીર અને પનીરથી ગાર્નિશ કરો. તેને બટર રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરો. તાજું પનીર ફ્રાય કર્યા વગર સીધું જ નાખવાથી ગ્રેવી સાથે વધારે ટેસ્ટી ને સોફ્ટ લાગે છે.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *