સોજીની ઇન્સ્ટન્ટ કટલેટ – ફક્ત 10 મિનિટમાં તૈયાર થઇ જશે આ ટેસ્ટી કટલેટ…

કેમ છો મિત્રો? આપણા ઘરમાં રૂટિન જમવાનું આપણે બનાવતા હોઈએ તેમાં સૌથી વધુ પ્રોબ્લેમ બાળકોને થતો હોય છે. તેમને રોજ કાંઈકને કાંઈક નવીન ખાવાનું જોઈતું હોય છે. ફરમાઈશ ક્યારેય સાદું ખાવાની હોતી જ નથી તો બસ એમની માટે જ આજે હું લાવી છું એક નવીન રેસિપી જે તમે બાળકની ડિમાન્ડના 10 જ મિનિટમાં બનાવી શકશો. આ સોજી કટલેટ બનાવવામાં બહુ સરળ છે અને તેમાં મનગમતા શાકભાજી ઉમેરવાથી તે હેલ્થી પણ બની જશે. આ સોજી કટલેટમાં ફક્ત ટામેટા ના ઉમેરતા તેના લીધે ટેસ્ટ બગડી જતો હોય છે અને ખાવાનો મૂડ મારી નાખે છે. (પર્સનલ અનુભવ છે યાર.)

સામગ્રી

  • સોજી – એક કપ
  • ટોસ્ટનો ભૂકો – એક વાટકી
  • મેંદો – બે થી ત્રણ ચમચી
  • ગાજર – એક નાની વાટકી
  • કેપ્સિકમ – એક નાની વાટકી
  • અમેરિકન મકાઈના દાણા – એક નાની વાટકી
  • લીલા મરચા – જરૂર મુજબ
  • જીરું – અડધી ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ

સોજી કટલેટ બનાવવા માટેની સરળ રીત

1. સૌથી પહેલા એક પહોળા વાસણમાં અથવા કઢાઈમાં પાણી ગરમ કરવા મુકો. પાણી દોઢ ગ્લાસ લેવાનું છે. વધારે લેશો તો પછી કટલેટ ઢીલી બનશે અને તેને શેપ આપી શકશો નહિ.

2. હવે પાણી ગરમ થાય એટલે તેમાં એક કપ સોજી ઉમેરો.

3. ગેસ ધીમો રાખવો અને સોજીની સાથે જ જીણા સમારેલ ગાજર, કેપ્સિકમ અને મકાઈના દાણા ઉમેરો.

4. હવે તેની પર લીલા મરચા જીણા સમારીને ઉમેરો.

5. હવે તેમાં મીઠું અને જીરું ઉમેરો. જો તમને તીખું વધારે પસંદ હોય તો લીલું મરચું વધારે ઉમેરી શકો.

6. હવે આ બધાને બરોબર મિક્સ કરી લો. પાણી એકદમ શોષવાઈ જશે.

7. પાણી શોષવાઈ જાય એટલે તેમાં 2 ચમચી તેલ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવું.

8. હવે રેડી થયેલ સોજી મિશ્રણને એક થાળીમાં કાઢી લો.

9. હવે એક વાટકીમાં મેંદાનો લોટ લો.

10. હવે તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરીને તેની સ્લરી બનાવી લઈશું બનાવેલ કટલેટને આ સ્લરીમાં ડુબાડવાની છે. સ્લરીમાં કોઈપણ ગઠ્ઠા હોવા જોઈએ નહિ ફોટોમાં બતાવ્યા પ્રમાણે એકદમ પરફેક્ટ સલરી બનાવો.

11. હવે સોજી મિશ્રણ હાથેથી અડાય એટલું ઠંડુ થાય એટલે તેમાંથી માપસર લુવું લઈને તમારા મનપસંદ શેપની કટલેટ બનાવી લો.

12. હવે બનેલ બધી કટલેટ, મેંદાની સ્લરી અને ટોસ્ટનો ભૂકો રેડી કરો.

13. હવે સૌથી પહેલા કટલેટને મેંદાની સ્લરીમાં ડુબાડો અને તેને તેમાં પલટાવીને પણ મેંદાની સ્લરી લગાવો હવે સ્લરી લગાવેલ કટલેટને ટોસ્ટના ભૂકામાં રગદોળો.

14. હવે વારાફરતી સેમ પ્રોસેસ કરીને બધી કટલેટ તેલમાં તળવા માટે મુકીશું. ફોટોમાં તમે જોઈ શકો છો કટલેટની એક સાઈડ તેલમાં ડૂબે એટલું જ તેલ તળવા માટે લેવાનું છે.

15. હવે કટલેટને બીજી બાજુ ફેરવીને પણ ચઢી જવા દો. કાંટા ચમચીની મદદથી કટલેટ પરફેક્ટ પલટાશે અને તૂટશે પણ નહિ.

16. હવે કટલેટ ગોલડન રંગની થાય ત્યાં સુધી તળવાની છે

17 કટલેટ બરાબર તળાઈ જાય એટલે તેને કાઢી લો. ટીશ્યુ પેપર ડીશમાં મૂકીને તેમાં કટલેટ કાઢવાથી કટલેટ પરનું વધારાનું તેલ ટિશ્યુમાં શોષવાઈ જશે.

18. બસ તો હવે તૈયાર છે આ કટલેટ ખાવા માટે જેને તમે સોસ, સેઝવાન ચટણી ને લીલી ચટણી સાથે ખાઈ શકો છો.

તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. આવજો ત્યારે ફરી મળીશું નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *