સુગરફ્રી ડ્રાયફ્રૂટ્સ કેન્ડી – આવી ધોમધખતી ગરમીમાં જો બાળકોને તમારા હાથે બનાવેલ આ મસ્ત ઠંડી કેન્ડી (કુલ્ફી) મળી જાય તો આનંદ આવી જાય.

મિત્રો, ગરમીની સીઝન શરુ થઇ ગઈ છે. આવી ધોમધખતી ગરમીમાં ઠંડો-ઠંડો આઇસ્ક્રીમ મળી જાય તો ખુબ જ મજા પડી જાય છે એમાં પણ જો ઘરે આઇસ્ક્રીમ બને તો ખુબ ખાઈ શકાય જે બજેટ પણ સસ્તું કરે અને ઘરે બને એટલે શુદ્ધ અને હાઈજેનીક તો ખરો જ. તો આજે હું ખાંડ યુઝ કર્યા વિના નેચરલ સ્વીટનેસ ધરાવતા ડ્રાયફ્રૂટ્સ યુઝ કરી કેન્ડી બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહી છું.

ડ્રાયફ્રૂટ્સ જેવા કે બદામ, કાજુ, અખરોટ, અંજીર, ખજૂર વગેરે ન્યુટ્રિશનનો પાવરફૂલ સોર્સ છે, જે પુષ્કળ પ્રમાણમાં ફાઇબર્સ સમાવે છે. તેમાં એન્ટી-ઓક્સિડન્ટ પ્રોપર્ટી પણ છે. ડ્રાયફ્રૂટ્સ વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો છે અને ડ્રાયફ્રૂટ્સ એન્ટી-એજિંગ પણ છે. તો રેગ્યુલર થોડા થોડા ડ્રાયફ્રૂટ્સ ખાવા જ જોઈએ. ડ્રાયફ્રૂટ્સ નો યુઝ કરીને જાત જાતની સ્વીટ્સ અને ડેઝર્ટ પણ બનાવી શકાય.

બાળકો ડ્રાયફ્રૂટ્સ ખાતા ન હોય તો તેમને આ રીતે આઇસ્ક્રીમની અંદર નાખીને આપીએ તો તેઓ પણ હોંશે હોંશે ખાશે. તો ચાલો બતાવી દઉં કેવી રીતે બનાવશો મલાઈદાર ડ્રાયફ્રૂટ્સ કેન્ડી.


સામગ્રી :

* 250 મિલી વધુ ફેટવાળું દૂધ

* બદામ

* કાજુ

* પિસ્તા

* ખજૂર

* અંજીર

આપણે ખાંડ બિલકુલ લીધી નથી પણ અંજીર અને ખજૂરની નેચરલ સ્વીટનેસ આપણી કુલ્ફીને સ્વીટ ટેસ્ટ આપશે.

તૈયારી :

* દૂધ ગરમ કરી ઠંડુ પાડી લેવું.

* પિસ્તાની કાતરી કરી લેવી.

* બાકીના ડ્રાયફ્રૂટ્સ નાના ટુકડામાં કાપી લેવા.

રીત :


1) સૌ પ્રથમ એક બાઉલમાં દૂધ લો. દૂધ ગરમ કરવાથી જે મલાઈ બને તે પણ સાથે રહેવા દેવી તેનાથી કુલ્ફી સરસ દાણેદાર બનશે. તેમાં ખજૂર, અંજીર, બદામ અને કાજુના ટુકડા નાખો. ત્યારપછી તેને ઢાંકીને એક કલાક સુધી મૂકી રાખો. ડ્રાયફ્રૂટ્સને એક કલાક દૂધમાં પલાળવાથી સરસ સોફ્ટ બની જાય છે અને દૂધમાં પલળેલા ડ્રાયફ્રૂટ્સની ન્યુટિશન વેલ્યુ પણ હાઈ આંકવામાં આવે છે.


2) એક કલાક પછી દૂધ, ડ્રાયફ્રૂટ્સ તેમજ મલાઈ સાથે મિક્સર જારમાં લઈને પીસી લો.


3) હવે તેમાં પિસ્તાની કાતરી ઉમેરી બરાબર મિક્સ કરી કેન્ડી મોલ્ડમાં ભરો. કેન્ડી બનાવવાનું મોલ્ડ માર્કેટમાં અલગ અલગ શેઈપ અને સાઈઝમાં આસાનીથી મળી રહે છે. જો કેન્ડી મોલ્ડ ના હોય તો નાની પ્યાલીનો પણ મોલ્ડ તરીકે યુઝ કરી શકાય.


4) ત્યારપછી તેને ડીપ ફ્રીઝરમાં જમાવવા માટે મુકો, લગભગ 7 થી 8 કલાકમાં કેન્ડી જામી જશે.


5) જયારે કેન્ડી ખાવી હોય ત્યારે મોલ્ડને ફ્રીઝર બહાર કાઢી કેન્ડીને અનમોલ્ડ કરી કાઢી શકાય, કેન્ડી મોલ્ડ પર થોડું પાણી રેડવાથી કેન્ડી આસાનીથી કાઢી શકાય છે.


બસ તૈયાર છે હેલ્ધી અને સ્વાદિષ્ટ કેન્ડી તો આજે જ બનાવજો. આ રીતે કેન્ડી બનાવવાથી માવા વગર માવા જેવો સ્વાદ આવે છે તેમજ કેન્ડી દાણેદાર બને છે.

નોંધ :

* એલચીનો ટેસ્ટ પસંદ હોય તો ચપટી એલચી પાવડર પણ નાખી શકાય.

* દૂધ મલાઈ કેન્ડીને રિચ ટેસ્ટ આપે છે માટે વધારે ફ્રેશ દૂધ મલાઈ નાખીને પણ બનાવી શકાય.

* આપણા સ્વાદ મુજબ ડ્રાયફ્રૂટ્સ વધ-ઘટ કરી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *