આ રીતે બનાવો સેવ ટામેટાનું પર્ફેક્ટ શાક, ઘરમાં બધાને પસંદ આવશે…

તમે જો સૌરાષ્ટ્રમાં ફરવા જતા હશો તો તમને ખ્યાલ હશે કે હાઈવે પરના કાંઠિયાવાડી ધાબામાં મળતા ભાણામાં સેવટામેટાના શાકનો ચોક્કસ સમાવેશ કરવામાં આવે છે. અને ઘણા લોકોને સેવટામેટાનું શાક ખુબ ભાવતું હોય છે. જેમ કંઈ ન સુજે તે બટાટાનું શાક બનાવી દેવામાં આવે છે તેમ જો ઘરમાં કોઈ શાકના હોય અથવા થોડા જ સમયમાં રસોઈ બનાવવાની હોય તો સેવ ટામેટાનું શાક પ્રથમ પસંદગી છે. પણ બધાના હાથે તે શાક સારું જ બનતું હોય તેવું. નથી તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ સેવ ટામેટાની પર્ફેક્ટ રેસીપી.

સેવ ટામેટાનું શાક બનાવવા માટેની સામગ્રી

3 મોટી સાઇઝના ટામેટા

1 નાની ડુંગળી

2 નંગ લીલા મરચા

1 ચમચી જીણી સમારેલી કોથમીર

2 ચમચી મરચુ પાઉડર

1 ચમચી ધાણાજીરુ પાઉડર

1 ચમચી હળદર

ચપટી ગરમ મસાલો

1 મોટો ચમચો તેલ

½ ચમચી જીરુ

½ ચમચી રાઈ

મીઠુ સ્વાદ પ્રમાણે

1 વાટકી રતલામી સેવ

સેવ ટામેટાનું શાક બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેન લેવું તેને ગેસ પર ગરમ થવા મુકવું તેમાં એક ચમચો તેલ લેવું અને તેને ગરમ થવા દેવું.

તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં રાઈ ઉમેરવી, રાઈ બરાબર તતડી જાય એટલે તેમાં જીરુ ઉમેરવું.

જીરુ બરાબર તતડી જાય એટલે તેમાં જીણી સમારેલી ડુંગળી ઉમેરવી તેને બરાબર મિક્સ કરી દેવી. ગેસ મિડિયમ ફ્લેમ પર રાખવો. ડુંગળી થોડી નરમ થાય ત્યાં સુધી તેને સાંતળી લેવી. બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

ડુંગળી બરાબર સંતળાઈ જાય એટલે તેમાં જીણા સમારેલા મરચા ઉમેરી દેવા. તેને બરાબર હલાવી લેવું.

હવે તેમાં જીણા સમારેલા ટામેટા ઉમેરી દેવા અને જો તમે ટામેટાના શાકમાં લસણ પણ પસંદ કરતા હોવ તો આ સ્ટેજ પર લસણ પણ ઉમેરી દેવું. હવે ટામેટાને બરાબર હલાવી લેવા.

ટામેટા બરાબર સંતળાઈ જાય એટલે ગેસને થોડો ધીમો કરી લેવો અને બધા મસાલા ઉમેરી દેવા. સૌ પ્રથમલ લાલ મરચુ પાઉડર ત્યાર બાદ હળદર અને ધાણાજીરુ પાઉડર ઉમેરી દેવા અને સાથે થોડું પાણી ઉમેરીને બધી જ સામગ્રી વ્યવસ્થિત મિક્સ કરી લેવી.

હવે સ્વાદ અનુસાર મીઠુ ઉમેરવું. ફરી શાકને બરાબર હલાવીને મિક્સ કરી લેવું.

હવે ફરી વાર થોડું પાણી ઉમેરવું અને ટામેટાને બરાબર ચડવા દેવા.

હવે ગેસને મિડિયમ ફ્લેમ પર લાવીને પેનને ઢાંકીને ટામેટાને 2-3 મીનિટ ચડવા દેવા.

2 મિનિટ બાદ ઢાકણું હટાવી તમારે શાકમાં જે પ્રમાણે રસો જોઈતો હોય તે પ્રમાણે પાણી ઊમેરવું. અહીં આટલા શાકમાં અરધો ગ્લાસ પાણી ઉમેરવામાં આવ્યું છે. હવે ગેસને ફુલ કરી દેવો.

હવે ગરમ મસાલો શાકમાં ઉમેરી દેવો અને શાકને બરાબર મિક્સ કરી લેવું.

હવે શાકને બરાબર ઉકળવા દેવું.

શાક ઉકળી ગયા બાદ ગેસ મિડિયમ કરી દેવો અને તેમાં અરધી વાટકી રતલામી સેવ ઉમેરી દેવી. તમે અહીં તમને ગમતી કોઈ પણ સેવ લઈ શકો છો. ગાંઠિયા પણ લઈ શકો છો. સેવ નાખ્યા બાદ શાક બરાબર હલાવી લેવું.

હવે ગેસને બંધ કરી દેવો. અને શાકમાં જીણી સમારેલી કોથમીર ઉમેરી દેવી અને તેને શાકમાં બરાબર મિક્સ કરી લેવી.

તો તૈયાર છે સેવ ટામેટાનું શાક. સેવ ટામેટાનું શાક સામાન્ય રીતે ભાખરી સાથે સારું લાગે છે. બાકી તમે ગમે તે કોમ્બિનેશન સાથે તેને ખાઈ શકો છો.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

સેવ ટામેટાનું શાક બનાવવા માટેની વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *