શ્રાવણ મહિનાના ઉપવાસ દરમિયાન પણ તમારી જાતને ઉર્જામય તેમજ સ્વસ્થ રાખવા માટે બનાવો મોરૈયાની ખીચડી અને રાજગરાના લોટની કઢી

શ્રાવણ મહિનામાં ઘણા લોકો આખો મહિનો ઉપવાસ કરતા હોય છે. અને સાથે સાથે તેમનું નિયમિત રુટીન પણ ચાલતું હોય છે. જેમ કે રોજબરોજનું કામ ઓફિસે જતા સ્ત્રી-પુરુષો પણ શ્રાવણ મહિનો કરતા હોય છે. જેમાં દીવસ દરમિયાનની એનર્જીની જરૂર તો પડવાની તો તેવા સમયે જો ફરાળમાં રાજગરાની કઢી અને મોરૈયાની ખીચડીનો આહાર લેવામાં આવે તો ઉપવાસ પણ જળવાઈ રહે અને શરીરમાંની ઉર્જા પણ. તો નોંધી લો મોરૈયાની ખીચડી અને રાજગરાના લોટની કઢીની રેસીપી

 

મોરૈયાની ખીચડી અને રાજગરાની કઢી બનાવવા માટેની સામગ્રી

મોરૈયાની ખીચડી માટેની સામગ્રી

1 વાટકી મોરૈયો

4 વાટકી પાણી

2 ચમચી દહીં

2 મિડિયમ બટાટા

2 લીલા મરચા

3-4 લીમડાનાપાંદડા

વઘાર માટે 2 ચમચી ઘી, થોડું જીરુ

2 ટેબલ સ્પુન સીંગદાણા

1 ચમચી સીંધવ મીઠુ

1 ચમચી જીણી સમારેલી કોથમીર

રાજગરાના લોટની કઢી બનાવવા માટેની સામગ્રી

2 ચમચી રાજગરાનો લોટ

1 વાટકી દહીં

1 ½ વાટકી પાણી

1 ચમચી સીંધવ મીઠુ

2 લીલા મરચા

3-4 મીઠા લીંમડાના પાન

વઘાર માટે 1 ચમચી ઘી, જીરુ

1 ચમચી જીણી સમારેલી કોથમીર

મોરૈયાની ખીચડી અને રાજગરાની કઢી બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક વાટકી મોરૈયાને બે-ત્રણ પાણી વડે ધોઈ લેવો અને તેમાંથી વધારાનું પાણી કાઢીને તેને ફરી પાછો તે જ વાટકીમાં લઈ લેવો જેથી કરીને બાકીના માપની ખબર પડે.

હવે મોરૈયાની ખીચડી માટે પાણી જરૂર પડે તેના માટે એક તપેલીમાં ચાર વાટકી પાણી ઉમેરવું. ખુલ્લા પેનમાં ખીચડી બનાવવાની હોવાથી એક વાટકી મોરૈયા સામે ચાર વાટકી પાણી લેવામાં આવ્યું છે પણ જો તમે કુકરમાં સીટી વગાડીને મોરૈયાની ખીચડી બનાવવા માગતા હોવ તો સાડા ત્રણ વાટકી પાણી લેવું.

હવે મોરૈયાની ખીચડી બનાવવા માટે બે મિડિયમ સાઇઝના બટાટાને અહીં બતાવ્યા છે તે પ્રમાણેની સાઇઝના ટુકડા કરી લેવા. સાથે સાથે બે લીલા મરચા અને 4-5 મીઠા લીંમડાના પાન પણ તૈયાર રાખવા.

હવે ગેસ પર પેન ગરમ કરવા મુકો અને તેમાં બે ચમચી ઘી ઉમેરો. અહીં તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

હવે ઘી ગરમ થાય એટલે તેમાં અરધી ચમચી જેટલું જીરુ, 2 ટેબલ સ્પૂન સીંગદાણા ઉમેરવા.

સીંગદાણા ફૂટવાનો અવાજ આવે એટલે તેમાં લીલા મરચા અને મીઠા લીંમડાના પાન ઉમેરી દેવા અને તેની સાથે જ સમારેલા બટાટા પણ ઉમેરી દેવા. હવે બધું બરાબર મિક્સ કરી લેવું.

ઘણા લોકો ઉપવાસમાં હળદર અને લાલ મરચુ પાઉડર ખાતા હોય છે તો તે લોકો તેનો ઉપયોગ કરી શકે છે પણ અહીં લીલા મરચાનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે સામાન્ય રીતે બધા લોકો આ રીતે જ બનાવતા હોય છે. જો તમે ખાતા હોવ તો બટાટા ઉમેર્યા બાદ હળદર અને લાલ મરચુ ઉમેરી શકો છો.

હવે બટાટા અધકચરા ચડી જાય એટલે તેમાં ધોઈને તૈયાર રાખેલો મોરૈયો ઉમેરી દેવો અને તેને બરાબર બટાટા સાથે મિક્સ કરી લેવો. તેને તેમજ બે મિનિટ માટે થોડો ચડવા દેવો.

બે મિનિટ બાદ તેમાં મોરૈયાથી ચાર ગણું પાણી ઉમેરવું એટલે કે અહીં એક વાટકી મોરૈયો લીધો છે તો સામે ચાર વાટકી પાણી ઉમેરી દેવું.

જો તમને ઢીલી ખીચડી ગમતી હોય અને તમારે એકલી ખીચડી જ ખાવાની હોય તો તમે સાડા ચારથી પાંચ વાટકી પાણી લઈ શકો છો. પણ અહીં કઢી સાથે મોરૈયો ખાવાનો હોવાથી છુટ્ટો મોરૈયો બનાવવામાં આવ્યો છે.

2 મિનિટ બાદ પાણી મિક્સ થયા બાદ તેમાં બે ચમચી જેટલું દહીં ઉમેરવું તેનાથી ટેસ્ટ સરસ ખટમીઠો આવશે. દહીંને બરાબર મિક્સ કરી લેવું. ધીમે ધીમે ઉકળશે એટલે દહીં અને બધા મસાલા આપોઆપ મિક્સ થઈ જશે.

હવે તેમાં સિંધવ મીઠુ ઉમેરવું અહીં એક ચમચીથી થોડું વધારે સિંધવ મીઠું ઉમેરવામાં આવ્યું છે. સામાન્ય મીઠા કરતાં સિંધવ મીઠું થોડું ઓછું ખારું હોવાથી અહીં વધારે પ્રમાણમાં નાખવામાં આવ્યું છે. હવે મીઠુ મિક્સ કર્યા બાદ તેને ધીમા ગેસે દસેક મીનીટ માટે ચડવા દેવું.

હવે ખીચડી તૈયાર થાય ત્યાં સુધી કઢી બનાવી લેવી. તેના માટે એક તપેલીમાં એક વાટકી દહીં ઉમેરવું અને બે ચમચી જેટલો રાજગરાનો લોટ ઉમેરી દેવો તેની સાથે જ એક ચમચી જેટલું સીંધવ મીઠું પણ ઉમેરી દેવું.

હવે તેમાં એક વાટકી પાણી ઉમેરી દેવું. રાજગરાના લોટની કઢી બનાવતી વખતે પાણીનું ખાસ ધ્યાન રાખવું એક વાટકી દહીં, ડોઢ વાટકી પાણી અને તેની સામે બે ચમચી રાજગરાનો લોટ લેવો. કારણ કે વધારે પાણી નાખવાથી કઢી ખુબ પાતળી થશે. કારણ કે રાજગરો ચણાના લોટની જેમ કઢીને ઘાટી નહીં બનાવે.

હવે તેને બ્લેન્ડરથી બરાબર મિક્સ કરી લેવું. તેને તમે વલોણાથી પણ મિક્સ કરી શકો છો પણ તેમાં વાર લાગશે માટે બ્લેન્ડર ફેરવી દેવું.

હવે કઢી બનાવતા પહેલાં થોડા મીઠા લીંમડાના પાન, થોડી ફ્રેશ જીણી સમારેલી કોથમીર અને મરચાને મોટા સમારીને બાજુ પર મુકી દેવા.

બીજી બાજુ તમે જોશો તો મોરૈયાની ખીચડી પણ ઉકળવા લાગી હશે. મોરૈયો પોણા ભાગનો ચડી ગયો હશે.

હવે તેને પાંચ મીનીટ માટે ઢાંકીને ચડવા દેવો. તે દરમિયાન કઢીનો વઘાર કરી લેવો.

કઢીનો વઘાર કરવા માટે એક તપેલીમાં એક ચમચી જેટલું ઘી ઉમેરવું, ઘી ગરમ થાય એટલે તેમાં થોડું જીરુ ઉમેરવું અને સાથે સાથે જ લીંમડો અને લીલા મરચા ઉમેરી દેવા.

ત્યાર બાદ તરત જ રાજગરાના લોટવાળુ દહીંવાળુ મિશ્રણ પણ તેમાં ઉમેરી દેવું.

હવે તેને બરાબર મિક્સ કરી લેવું. તમે મિક્સ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે કઢી પહેલેથી જ થોડી જાડી હશે. હવે તેમાં ઉભરો આવે ત્યાં સુધી રાહ જોવી.

તે દરમિયાન મોરૈયો પણ બરાબર ચડી ગયો હશે હવે ગેસ બંધ કરી દેવો.

અને આ સ્ટેજ પર અરધી ચમચીથી ઓછી ખાંડ અને કોથમીર ઉપરથી ભભરાવી દેવી. અને બધું બરાબર મિક્સ કરી લેવું.

તો મોરૈયાની ખીચડી તૈયાર છે. તીખાશ તમે લીલા મરચા વધારે ઓછા કરીને એડજસ્ટ કરી શકો છો. હવે તેને પાંચ મીનીટ માટે ઢાંકી દેવી. ગેસ બંધ જ રાખવો.

આ દરમિયાન કઢી પણ ઉકળવા લાગી હશે. કઢીમાં ઉભરો આવે એટલે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. જેથી કરીને કઢી ઉભરાઈ ન જાય.

હવે તેમાં એક ચમચીથી ઓછી ખાંડ ઉમેરી દેવી અને તેને ચમચાથી હલાવીને મિક્સ કરી દેવી. અને એક મિનિટ માટે કઢીને ઉકાળીને ગેસબંધ કરી દેવો.

રાજગરાની કઢીમાં તમારે આગળ જણાવ્યું તે પ્રમાણે પાણીનું પ્રમાણ ધ્યાનમા રાખવું. અહીં આ કઢીમાં તમે આદુ મરચાની પેસ્ટ પણ ઉમેરી શકો છો. હવે ગેસ બંધ કરીને કઢીમાં થોડી કોથમીર ભભરાવી દેવી અને તેને મિક્સ કરી દેવી. તો તૈયાર છે મોરૈયાની ખીચડી અને રાજગરાના લોટની કઢી.

રસોઈની રાણીઃ નીધી પટેલ

મોરૈયાની ખીચડી અને રાજગરાના લોટની કઢી બનાવવા માટે વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *