ઉત્તર ગુજરાતના પ્રખ્યાત સુકી તૂવેરના ટોઠા, ઘરે જ બનાવો આ પર્ફેક્ટ રેસિપિથી…

ઉત્તર ગુજરાતમાં તૂવેરના ટોઠા શિયાળા દરમિયાન અથવા ઠંડી સિઝન દરમિયાન ખાવાનો રિવાજ છે. શિયાળાની ઠંડી સાંજે લોકો ફાર્મ પાર્ટીમાં ટોઠા બનાવવાનો પ્રોગ્રામ રાખતા હોય છે. આ ટોઠા વર્ષોથી ઉત્તર ગુજરાતમાં બનતા આવ્યા છે પણ અમદાવાદમાં તે છેલ્લા દસ વર્ષથી જ પ્રચલીત છે. તો તમે પણ પર્ફેક્ટ રીતે ઉત્તર ગુજરાત સ્ટાઈલથી ટોઠા બનાવવા માગતા હોવ તો નોંધી લો આ પર્ફેક્ટ રેસિપિ.

 

સુકી તૂવેરના ટોઠા બનાવવા માટે સામગ્રી

2 કપ સૂકી તૂવેર

¼ ટી સ્પૂન બેકીંગ સોડા

સ્વાદ પ્રમાણે મીઠુ

¼ કપ સીંગ તેલ

½ ટી સ્પૂન જીરુ

એક મોટી સાઈઝની જીણી સમારેલી ડુંગળી

1/4 કપ જીણું સમારેલું લસણ

લસણના બે આખા ગાંઠીયા

1 મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ

½ કપ લીલી ડુંગળીનો સફેદ ભાગ

¼ કપ લીલા લસણનો સફેદ ભાગ

½ કપ જીણા સમારેલા ટામેટા

1 ટી સ્પૂન છોલે મસાલો

¼ કપ જીણી સમારેલી લીલી ડુંગળીનો લીલો ભાગ

¼ કપ જીણી સમારેલી કોથમીર

¼ કપ જીણા સમારેલા લીલા લસણનો લીલો ભાગ

1 ટી સ્પૂન ટોઠાનો સ્પેશિયલ મસાલો

સુકી તૂવેરના ટોઢા બનાવા માટેની રીત

સૌ પ્રથમ બે કપ સુકી તૂવેર લેવી અને તેને વ્યવસ્થિત ધોઈને તેને 5-7 કલાક માટે પલાળી લેવી. ત્યાર બાદ તેને બાફી લેવી. તેના માટે એક કુકરમાં પલાળેલી તુવેર ઉમેરી દેવી અને તેમાં ત્રણ કપ પાણી ઉમેરી દેવું. અને તેમાં જ ¼ ટી સ્પૂન બેકીંગ સોડા ઉમેરી દેવો. અને સ્વાદ પ્રમાણે અરધી ચમચી મીઠુ ઉમેરી દેવું.

હવે કુકરનું ઢાકણું બંધ કરી દેવું અને તેની 5-7 સીટી વગાડી લેવી. સીટી વગાડ્યા બાદ કુકરને ઠંડુ થવા દેવા માટે બાજુ પર મુકી દેવું.

 

હવે ટોઠાનું શાક બનાવવા માટે એક પેન લેવું તેમાં પા કપ તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં એક નાની ચમચી જીરુ ઉમેરી દેવું. તેને બરાબર શેકાવા દેવું. સામાન્ય રીતે તૂવેરના ટોઠામાં વધારે તેલનો ઉપયોગ કરવામાં આવે છે પણ અહીં થોડું ઓછું તેલ લેવામાં આવ્યું છે.

હવે જીરુ શેકાઈ જાય એટલે તેમાં એક મોટી સાઈઝની જીણી સમારેલી ડુંગળી, પા કપ જીણું સમારેલું લસણ તેમજ લસણના બે આખા ગાંઠીયા ઉમેરી દેવા અને તેને તેલમાં બરાબર સાંતળી લેવા. ટોઠામાં લસણનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.

ડુંગળી અને લસણ સંતળાઈને નરમ થઈ જાય એટલે તેમાં એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેવી.

હવે બધું વ્યવસ્થિત સંતળાઈ જાય એટલે તેમાં અરધો કપ લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરી દેવો અને તેને પણ 1-2 મિનિટ માટે સાંતળી લેવું.

લીલી ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં પા કપ લીલા લસણનો સફેદ ભાગ ઉમેરી દેવો તેને પણ 2-3 મીનીટ સુધી શેકી લેવું.

હવે તેમાં મસાલા કરી લેવા. તેના માટે તેમાં એક ટી સ્પૂન મીઠુ, બે ટી સ્પૂન લાલ મરચુ પાઉડર, બે ટી સ્પૂન ધાણાજીરુ પાઉડર અને અરધી ટી સ્પૂન હળદર ઉમેરી તેને સાંતળી લેવા.

હવે તેમાં ½ કપ જીણા સમારેલા ટામેટા ઉમેરી દેવા. ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને ચડવા દેવા.

હવે તેમાં એક ટી સ્પૂન છોલે મસાલો ઉમેરીને તેને બરાબર હલાવીને મિક્સ કરી લેવું.

હવે તેમાં પા કપ જીણી સમારેલી લીલી ડુંગળીનો લીલો ભાગ, પા કપ જીણી સમારેલી કોથમીર, પા કપ જીણા સમારેલા લીલા લસણનો લીલો ભાગ ઉમેરવો અને તેને બે-ત્રણ મીનીટ માટે ચડવા દેવું.

હવે બે-ત્રણ મીનીટ બાદ બધું બરાબર સંતળાઈ જાય એટલે તેમાં બાફેલી તૂવેર ઉમેરી દેવી. બાફેલી તૂવેરમાંનું પાણી પણ તેમાં ઉમેરી દેવું.

બાફેલી તુવેરમાંથી બચેલા પાણીનો સ્વાદ ટોઠામાં સરસ આવે છે. તેમજ તેનાથી ટોઠામાં એક લસ્ટર આવે છે. માટે તે પાણી તમારે ફેંકવું નહીં. ટોઠામાં તૂવેર વ્યવસ્થિત બફાઈ જવી જોઈએ. તેને હાથથી દબાવતા તે તરત દબાઈ જવી જોઈએ.

હવે તેમાં એક કપ ગરમ પાણી ઉમેરી દેવું. ઠંડુ પાણી ન ઉમેરવું ખાસ કરીને ગરમ પાણી જ ઉમેરવું.

હવે તેને ઢાંકી દેવું અને તેને તેમજ 5-6 મિનિટ સુધી ચડવા દેવું. આ દરમિયાન ગેસની ફ્લેમ મિડિયમ ટુ હાઈ રાખવી.

હવે તેમાં મુખ્ય સામગ્રી ઉમેરી દેવી. અને આ સામગ્રીથી જ ટોઠાનો સ્વાદ અનોખો આવે છે. આ સામગ્રી છે ટોઠાનો સ્પેશિયલ મસાલો. આ મસાલો તમને મહેસાણા કે ઉત્તર ગુજરાતના મોટા શહેરોમાંથી મળી શકે છે. અથવા કોઈ સુપર માર્કેટમાંથી પણ મળી શકે છે. તે તમારે એક ટી સ્પૂન ઉમેરવાનો છે.

ટોઠાનો મસાલો વ્યવસ્થિત મિક્સ કરી લીધા બાદ તેમાં જીણી સમારેલી કોથમીર તેમજ જીણું સમારેલું લસણ ઉમેરી દેવું. અને તેને બરાબર મિક્સ કરી લેવું.

તો તૈયાર છે ઉત્તર ગુજરાતના પ્રખ્યાત સ્પાઈસી ટોઠા. ટોઠાને તમે બ્રેડ, પરોઠા, બાજરીના રોટલા તેમજ કુલચા અથવા તો જીરા રાઈસ સાથે અને છાશ સાથે સર્વ કરી શકો છો.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

સુકી તૂવેરના ટોઠા બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *