અથાણાનો મસાલો(બોળો) – અથાણાંની સીઝનમાં મસાલો ઘરે જ જાતે બનાવો…

મિત્રો, અત્યારે અથાણાંની સીઝન છે તો માર્કેટમાં સરસ મજાની કાચી કેરી, ગુંદા, કેરડા, કરમદા તેમજ ગરમર મળે છે જે આખા વર્ષ દરમિયાન ઉનાળા સિવાય ક્યારેય જોવા નહિ મળે. તો આ સમયે ગૃહિણીઓ જાતજાતના અથાણાં બનાવીને સ્ટોર કરી લે છે જે આખું વર્ષ સ્ટોર કરીને ખાઈ શકાય.

મિત્રો, જો ઘરમાં અથાણું હોય તો ક્યારેક ઘરમાં સબ્જી ના હોય તો પણ ચાલે તો સ્વાદિષ્ટ અથાણું ઘણીવાર શાકની કમી પણ પુરી કરે છે. અથાણાં તો બધાને ખુબ ભાવે પરંતુ આજકાલ ઘણાને અથાણાં માટેનો મસાલો બનાવતા આવડતા નથી હોતો તેમજ ઘણાની એ પણ ફરિયાદ હોય છે કે મેં બનાવેલું અથાણું લાંબો સમય સુધી સારું રહેતું નથી.

તો આજે હું અથાણાં બનાવવા માટેનો મસાલો એટલે કે બોળો બનાવવાની રેસિપી શેર કરું છું તો આ રીતે મસાલો તૈયાર કરી તમે તમારું મનપસંદ કોઈપણ અથાણું સાવ સરળતાથી બનાવી શકશો સાથે આ રીતે મસાલો બનાવીને અથાણું બનાવશો તો લાંબો સમય સુધી અથાણું સારું રહેશે અને વળી સ્વાદિષ્ટ તો ખરું જ.

હું દર વર્ષે આ રીતે જ અથાણું બનાવું છું અને મારુ અથાણું આખા વર્ષ પછી પણ તેવું ને તેવું જ રહે છે. આ મસાલાને આપણે એરટાઈટ બોટલમાં ભરી રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકીયે તેમજ અથાણાં સિવાય ઘણા બધા શાકમાં પણ નાખી શકાય તો શાકમાં પણ એક અલગ ટેસ્ટ મળશે. તો ચાલો બતાવું કઈ રીતે બનાવશો અથાણાનો મસાલો.

સામગ્રી :


40 ગ્રામ રાઈના કુરિયા

25 ગ્રામ મેથીના કુરિયા

25 ગ્રામ ધાણાનાં કુરિયા

2 ટેબલ સ્પૂન આખા ધાણા

2 ટેબલ સ્પૂન વરિયાળી

1/2 ટેબલ સ્પૂન મરી દાણા

1/2 ટેબલ સ્પૂન હિંગ પાવડર

1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર

2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર

1 ટેબલ સ્પૂન રેગ્યુલર તીખું મરચું

5 નંગ લવિંગ

રીત :

સૌ પ્રથમ આપણે લાલ મરચું, હળદર તેમજ હિંગ સિવાયની બધી સામગ્રીને હળવી શેકી લઈશું જેથી તેમાં રહેલી નમી દૂર થઈ જાય. જે અથાણાંને સરસ ટેસ્ટ આપે છે તેમજ અથાણું લામ્બો સમય સુધી સારું રહે છે.


1) તો પહેલા મીઠું હળવું એવું શેકી લઈએ. અહીંયા આપણે મીઠામાં રહેલ નમી એટલે કે ભેજ દૂર થાઈ તેટલું જ શેકવાનું છે. મીઠાને હાથથી અડીને ચેક કરવું. સહેજ નવસેકું લાગે તેટલે એક બાઉલમાં કાઢી લો.


2) મીઠું શેક્યા બાદ કડાઈ સાફ કરી તેમાં રાઈ, મેથી તેમજ ધાણાના કુરિયા એક મિનિટ માટે શેકી લો. અહીં આપણે સ્ટવની આંચ સ્લો રાખીને જ શેકવાના છે તેમજ હલાવતા રહેવાનું છે. એકાદ મિનિટમાં તો સરસ શેકાય જશે. એક મિનિટ પછી તેને બાઉલમાં કાઢી લો. કુરિયા વધારે શેકાય ના જાય તે ધ્યાન રાખવું, જો કુરિયા વધારે શેકાય જાય તો તેનો ટેસ્ટ સારો નથી આવતો તો માત્ર એક મિનિટ માટે જ હળવા એવા શેકવાના છે. રાઈ તાસીર માટે ગરમ હોય છે માટે મેં થોડા ધાણાના કુરિયા લીધા છે જે તાસીરે ઠંડા હોય છે.


3) આ જ રીતે આખા ધાણા, વરિયાળી તેમજ મરી અને લવિંગને પણ હળવા શેકી લેવાનાછે.


4) બધાજ મસાલા શેકી લીધા બાદ તેને આખા ભાંગા ક્રશ કરી લેવાના છે. પરંતુ એક ટેબલ સ્પૂન જેટલા મિક્સ કુરિયા તેમજ અડધી ટેબલ સ્પૂન જેટલી વરિયાળી આપણે ક્રશ કાર્ય વિના ઉમેરીશું તો તેટલું અલગ કાઢી લઈશું. જેનાથી અથાણું સરસ એક્ટ્રેક્ટિવ લાગે છે.


5) તો સૌ પ્રથમ રાઈ, મેથી તેમજ ધાણાનાં કુરિયાંને મિક્સરમાં આખાંભાંગા પીસી લેવાના છે. પીસીને તેને મીઠાં જોડે બાઉલમાં લઇ લેવા.


6) ત્યારપછી આખા ધાણા, વરિયાળી તેમજ લવિંગ અને મરી દાણાને પણ હળવા શેકી લેવા.આપણે બધાજ મસાલાને અલગ અલગ પીસી લેવાના છે. જેથી કોઈ મસાલા વધારે ના પીસાય જાય.બધા મસાલાને પીસી મીઠાવાળા બાઉલમાં એડ કરી દેવાના છે.


7) બધા જ મસાલા પીસી લીધા બાદ આપણે જે કુરિયા અને વરિયાળી આખા રાખેલ છે તે પણ એડ કરી લેવા.


8) હવે તેમાં લાલ મરચું, હળદર તેમજ હિંગ એડ કરી બધું બરાબર મિક્સ કરી લો. મેં કાશ્મીરી તેમજ રેગ્યુલર તીખું બંને મરચું લીધું છે જેથી અથાણમાં જોઈતી તીખાશ આવે સાથે ખુબ સરસ લાલ કલર પણ આવે.


9) તો મિત્રો તૈયાર છે આ અથાણાનો સ્વાદિષ્ટ મસાલો. આ મસાલો આપણે સૂકો જ રાખ્યો છે જે આપણે સ્ટોર કરી શકીયે પણ જયારે અથાણું બનાવવું હોય ત્યારે તેલને ધૂમાડા નીકળતું ગરમ કરી ત્યારબાદ ઠંડુ પાડી આ મસાલામાં એડ કરવું અને પછી કેરીના ટુકડા, ગુંદા વગેરે એડ કરી મસ્ત મજેદાર અથાણું બનાવી શકાય. આ મસાલો એક કિલો કેરી માટે પૂરતો છે બાકી તમારા ઘરમાં જે પ્રમાણે બોળો ખવાતો હોય તે પ્રમાણે વધઘટ કરી શકો.


તો આ વર્ષે તમે પણ આ રીતે મસાલો બનાવીને અથાણું બનાવજો, અથાણું ટેસ્ટી તો બનશે જ પણ સાથે લાંબો સમય સુધી ખરાબ નહિ થાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

રેસિપીનો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *