બીટરૂટ પનીર કાઠી રોલ્સ – પનીરની આ નવીન વાનગીના બધા દીવાના થઇ જશે…

કાઠી એટલે લાંબી સળી કે જેના પર કંઇપણ ખાવાનું ભરાવીને ભઠ્ઠીમાં ગોઠવી શેકી શકાય. જેને અત્યારે આપણે બાર્બેક્યૂના સ્કૂઅર્સ પણ કહીએ છીએ. જે મેટલ કે લાકડાનાં આવતા હોય છે.

કાઠી રોલ્સ બનાવવાની સૌ પહેલા શરૂઆત કોલકત્તા માં થઇ હતી. જેમાં તંદૂરમાં પકાવેલું નોનવેજ, પનીર કે બીજા શાક અને મસાલાને પરાઠા કે રોટલીમાં રોલ કરવામાં આવતું. જેથી નોકરીયાત લોકો આસાનીથી ને જલ્દીથી ખરીદી ને ખાઇ શકતા. વિદેશી તેવી ફ્રેન્કીનું આપણા ત્યાંનું દેશી વર્ઝન. જેમાં ખાસ દેશી તંદૂરી સ્ટફીંગ વપરાતું.

આજે મેં એવા જ કાઠી પનીર બનાવી તેના બીટરૂટ પરાઠામાં રોલ બનાવ્યા છે. બહુ જ ટેસ્ટી બન્યા છે. અત્યારે પણ હોટેલ્સ, ફ્લાઇટ વગેરે જગ્યાએ બેસ્ટ ટેઇક અવે મીલમાં વેરાયટી ઓફ કાઠી રોલ્સ પહેલી પસંદ હોય છે. મેં પણ પહેલી વાર મેથી-પનીર કાઠી રોલ્સ ફ્લાઇટમાં ટેસ્ટ કર્યા હતા. અને બહુ જ ભાવ્યા હતા.

સમય: 1 કલાક , 3 વ્યક્તિ માટે,

ઘટકો

👉મેરીનેટ કરવા માટે,

  • • 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ
  • • 1 ટેબલ સ્પૂન તેલ
  • • 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  • • 1/4 ટીસ્પૂન સંચળ પાઉડર
  • • 1/4 ટી સ્પૂન મીઠું
  • • 1 ટીસ્પૂન ગરમ મસાલો
  • • 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ
  • • 1 ટીસ્પૂન કસુરી મેથી પાઉડર
  • • 1 ટેબલ સ્પૂન આદું લસણ લીલા મરચાંની પેસ્ટ
  • • 1/4 કપ દહીં
  • • 200 ગ્રામ પનીર
  • • 1/2 ડુંગળી
  • • 1/4 લાલ બેલ પેપર
  • • 1/4 કેપ્સીકમ
  • • તમારી પસંદગી ના કોઇપણ શાક લઇ શકો.

👉પરાઠા માટે,

  • • 2 કપ ઘઉંનો લોટ
  • • 1 નાનું બીટ
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • 1 ટેબલ સ્પૂન તેલ

👉સ્ટફીંગ ના મસાલા માટે,

  • • 2-3 ડુંગળી
  • • 1/2 લાલ બેલ પેપર
  • • 1/2 પીળું બેલ પેપર
  • • 1/2 કેપ્સીકમ
  • • 2 મોટા ટામેટા
  • • 1 ટીસ્પૂન સૂકા ધાણા
  • • 1 ટીસ્પૂન જીરુ
  • • 1 ટેબલ સ્પૂન આદું લસણ લીલા મરચાં ની પેસ્ટ
  • • 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
  • • 1/2 ટીસ્પૂન હળદર
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • 2-3 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર
  • • 1/2 ટીસ્પૂન કસુરી મેથી પાઉડર
  • • 1 ટેબલ સ્પૂન તેલ
  • • 1 ટેબલ સ્પૂન બટર

👉સલાડ માટે,

  • • 1 ડુંગળી
  • • નાનો ટુકડો કોબીજ, અને લીલી કોથમીર ની ચટણી

👉પધ્ધતિ:

1️⃣ સૌ પ્રથમ બીટની છાલ નીકાળી મોટા ચોરસ ટુકડા કરી 2 વ્હીસલ આવે ત્યાં સુધી બાફી લેવું. ઠંડું પડે એટલે પાણી અલગ લઇ બીટ ને છીણી લેવું. ટામેટાં ને ઉકળતા પાણીમાં બ્લાન્ચ કરી છાલ કાઢી પીસીને પ્યુરી બનાવી લેવી. પનીર ને લાંબા ટુકડા માં સમારી લેવું. ડુંગળી, બધાં કલરના બેલ પેપર ને મોટા ચોરસ ટુકડા માં સમારી લેવા.

2️⃣ મેરીનેશન માટે, 1 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકી ચણાનો લોટ ગોલ્ડન બ્રાઉન શેકી લેવો. તેને એક બાઉલમાં લઇ તેમાં મેરીનેશન ના બધા મસાલા અને દહીં નાખી બરાબર મિક્સ કરી લેવું. તેમાં પનીર, ડુંગળી અને કેપ્સીકમ ના ટુકડા ઉમેરી 15-20 મિનિટ સાઇડમાં મેરીનેટ થવા રાખવું.

3️⃣ તેટલી વારમાં લોટ બાંધી લેવો. લોટમાં મીઠું, તેલ અને બધું છીણેલું બીટ નાખી જરૂર મુજબ બીટ બાફતા નીકળેલું પાણી લઇ લોટ બાંધવો.

4️⃣ હવે મેરીનેટ થયેલા પનીર, ડુંગળી, કેપ્સીકમ ને કાઠી પર ભરાવી સીધા ગેસ પર કે માઇક્રોવેવ ગ્રીલ પર મૂકી ગ્રીલ કરી લેવા. કાઠી લાકડાની હોય તો ગેસ પર સીધા ગ્રીલ કરતા કાઠી બળી ના જાય તેનું ધ્યાન રાખવું.

5️⃣ ગ્રીલ્ડ પનીર ને કાઠીથી અલગ કરી નાના ટુકડામાં કાપી લેવું. સૂકા ધાણા અને જીરુ ને અધકચરું વાટી લેવું.

6️⃣ હવે એક કઢાઇમાં 1 ટેબલ સ્પૂન તેલ લઇ વાટેલા ધાણા જીરુ ઉમેરવા. તેમાં આદું લસણ મરચાં ની પેસ્ટ ઉમેરી સાંતળવી. બટર ઉમેરવું. મીઠું, લાલ મરચું પાઉડર, હળદર નાખી મિક્સ કરવું.

7️⃣ પછી બનાવેલી ટામેટાંની પ્યુરી નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું. 2-3 ચમચી પાણી નાખી તેમાં સમારેલા ડુંગળી કેપ્સીકમ ઉમેરવા. 2 મિનિટ માટે સાંતળવા. પછી તેમાં વધેલી મેરીનેશન ની પેસ્ટ ઉમેરી સાંતળવું. ગ્રીલ કરેલું પનીર નાખવું. કસુરી મેથી પાઉડર અને સમારેલી કોથમીર નાખી મિક્સ કરી લેવું.

8️⃣ સ્ટફીંગ તૈયાર થઇ જાય પછી બીટવાળા લોટમાંથી મોટી સાઇઝના પાતળા ગોળ પરોઠા બનાવી લેવા.

9️⃣ સલાડના ડુંગળી, કોબીજ ને જુલીયન્સ માં કાપવું. બનાવેલા એક પરાઠાને લઇ તેની પર બધી બાજુ લીલી ચટણી લગાવવી. તેના પર વચ્ચે કોબીજ મૂકી સ્ટફીંગ પાથરવું. તેના પર થોડું જુલીયન્સ સલાડ મૂકવું. પછી સાચવીને પરાઠા ને રોલ કરી વચ્ચેથી કાપી કાઠીથી પેક કરી દેવું.

🔟 બધા રોલ્સ આ રીતે બનાવીને ફોઇલથી પેક કરી લેવા. લીલી ચટણી અને કેચઅપ સાથે સર્વ કરવા. ગરમ સરસ લાગે છે પણ ઠંડા પણ લઇ શકાય. આ આખી ડીશ ગ્રીલ્ડ પનીર સાથે વધારે સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો👍.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *