કાજુ પરવળનું શાક (Cashew Pointed Gourd Sabji) – જેને નહિ ભાવતું હોય એ પણ વારંવાર માંગીને ખાશે…

કાજુ પરવળનું શાક (Cashew Pointed Gourd Sabji)

ગુજરાતી લગ્નપ્રસંગ અને જમણવારમાં કાજુકારેલાનું શાક ખાસ બનતું હોય છે અને ઘણાને ખૂબ પસંદ આવતું હોય છે. પણ કારેલા સ્વાદમાં કડવાશવાળા હોવાથી ઘણા તેને પસંદ નથી કરતા.

મેં આજે થોડાક ફેરફાર સાથે તે પ્રકારનું જ કારેલાની જગ્યાએ પરવળ વાપરી શાક બનાવ્યું છે. આ શાક પણ ટેસ્ટમાં એટલું જ સરસ લાગ્યું. તો જેને કારેલા ઓછા પસંદ છે તે આ રીતે ચોક્કસ ટ્રાય કરી શકે છે. આમપણ પરવળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી હોય છે. સાથે છે બે પડી(પડવાળી) રોટલી અને કેરીનો રસ… તો મજા આવે એવું પરફેક્ટ સમર ડિલાઇટ ભોજન તૈયાર છે…

સમય:25-30 મિનિટ, 2 વ્યક્તિ માટે

ઘટકો:

  • • 250 ગ્રામ તાજા બી વગરના કુણા પરવળ
  • • 2 નાના બટાકા
  • • 1/4 કપ કાજુના ફાડા(12-15 કાજુના)
  • • 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ
  • • 1 ટેબલ સ્પૂન તેલ
  • • 1/4 ટીસ્પૂન હળદર
  • • 1/2 ટી સ્પૂન રાઇ
  • • ચપટી હીંગ
  • • 1/4 કપ પાણી
  • • 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
  • • 1 ટેબલ સ્પૂન ધાણાજીરુ પાઉડર
  • • 1 ટીસ્પૂન આમચૂર પાઉડર
  • • 1 ટેબલ સ્પૂન સમારેલો ગોળ
  • • 1/2 ટીસ્પૂન ગરમ મસાલો
  • • મીઠું સ્વાદ પ્રમાણે
  • • 1 ટેબલ સ્પૂન સમારેલી કોથમીર
  • • 1 ટેબલ સ્પૂન તલ
  • • તળવા માટે તેલ

પધ્ધતિ:

🔸️પરવળ ને ખરીદી ને લાવો ત્યારથી ધોઇને પાણીમાં રાખવા. જ્યારે શાક બનાવવું હોય ત્યારે પરવળની આછી આછી છાલ ઉતારી લેવી. પછી તેને લાંબા પાતળા ટુકડામાં સમારી લેવા. વધારે પાકા હોય તેમાંથી બીજ નીકાળી લેવા.

🔸️બટાકાની પણ છાલ નીકાળી લાંબા ટુકડા માં સમારી લેવા. સમારેલા પરવળ માં ચણાનો લોટ, થોડું મીઠું અને લાલ મરચું નાખી બરાબર મિક્સ કરી લેવું. તેને 5 મિનિટ માટે એમ જ રાખવું.

🔸️પરવળ અને મીઠાનું પાણી વળશે જેનાથી લોટનું પરવળ પર પડ બની જશે. તેલ ગરમ મૂકી તેમાં બટાકા, કાજુ અને પરવળ વારાફરતી તળી લેવા.

🔸️પરવળ ને તળતી વખતે બહુ જ કડક ના કરવા. તળાય અને થોડાક પોચા પડે એટલે કાઢી લેવા.

🔸️હવે એક કઢાઇમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકી રાઇ, હીંગ નો વઘાર કરવો. તેમાં હળદર નાખી 1/4 કપ જેટલું પાણી ઉમેરવું. પાણી એટલું જ ઉમેરવું કે જેનાથી મસાલા બળી ના જાય અને શાક સૂકું ના બને. શાકને લચકાણી પડતું બનાવવાનું છે. રસાવાળું નહીં.

🔸️થોડુંક ઉકળે એટલે લાલ મરચું પાઉડર, ધાણાજીરુ, મીઠું,ગોળ, આમચૂર પાઉડર નાખવો. બધું બરાબર ભળે એટલે ગરમ મસાલો ઉમેરવો.

🔸️પછી તેમાં પરવળ અને બટાકા ઉમેરી હલાવી ઢાંકીને 2 મિનિટ માટે થવા દેવું. પછી તેમાં કાજુ અને તલ નાખી હલાવી મિક્સ કરી લેવા.

🔸️તરત ગેસ બંધ કરી ઉપરથી કોથમીર ભભરાવવી. શાક તૈયાર છે. ગરમાગરમ સર્વ કરવું.

🔸️નોંધ:

  • 1. આ શાકને જૈન બનાવવું હોય તો બટાકાની જગ્યાએ કાચા કેળા લેવા.
  • 2. સમારેલા પરવળ માં મીઠું નાખેલું હોવાથી પાછળથી બીજું ઉમેરતા ધ્યાન રાખવું. અને જરુર લાગે તેટલું જ ઉમેરવું.

રસોઈની રાણી : પલક શેઠ

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *