મેથી ચણા અને કેરીનું અથાણું – એકવાર બનાવો અને આખું વર્ષ આનંદ માણો આ અથાણાનો…

ઉનાળામાં બનાવો, આખું વર્ષ ખાઓ ચણા-મેથી અને કેરીનું સ્વાદિષ્ટ અથાણું ઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ. હવે અથાણાંના લિસ્ટમાં બીજું એક નામ ઉમેરી લો ચણા-મેથી અને કેરીના અથાણાંનું.

તો જાણી લઈએ સામગ્રી :-

“મેથી ચણા અને કેરીનું અથાણું ”

  • 1 કપ – દેશી ચણા
  • 1 કપ — મેથી
  • 500 ગ્રામ – અથાણાંની કેરીના ટુકડા
  • 2 કપ – ખાટાં અથાણાંનો સંભાર
  • તેલ – જરૂર પ્રમાણે
  • 1 નાની ચમચી – હળદર
  • મીઠું – સ્વાદપ્રમાણે

સૌ પ્રથમ અથાણાંની કેરીના ટુકડાને બરાબર ધોઈ લો. એક ચોખ્ખા કપડાંથી કેરીના ટુકડાને કોરા કરી લેવા.

હવે એક પહોળા વાસણમાં હળદર અને મીઠું નાખીને કેરીના ટુકડાને બરાબર મિક્સ કરીને ઢાંકી રાખો.

હવે ચણા અને મેથીને સાફ કરીને ચોખ્ખા પાણીથી ધોઈને બે અલગ અલગ વાસણમાં પલાળો.

બીજે દિવસે ચણા અને મેથીને 3-4 વખત પાણીથી ધોઈને સ્વચ્છ કપડાં પર સૂકવી દો. કેરીના ટુકડાંને હાથથી દબાવી પાણી કાઢી કપડાં પર સૂકાવવા મૂકી દો.

આ બધું જ બરાબર કોરું થઈ જાય પછી એક મોટા વાસણમાં ચણા, મેથી, કેરી ટુકડા અને ખાટા અથાણાંનો સંભાર બધું વ્યવસ્થિત મિક્સ કરો.

હવે કાચની ધોઈને બરાબર કોરી કરેલી બરણીમાં અથાણું ભરી લો. બરણીમાં તેલ નાખવા માટે થોડી જગ્યા રાખવી.

બીજા દિવસે એક તપેલીમાં પોણો કિલો જેટલું સિંગ તેલ ગરમ કરો. તેલ એકદમ ઠંડું થઈ જાય એટલે ધીરે ધીરે અથાણાંની બરણીમાં રેડો.

અથાણું તેલથી તરબોળ હોવું જોઈએ નહિ તો બગડી જવાની સંભાવના છે.

કોરા કપડાંથી બરણીની આજુબાજુની કિનારીઓ અંદર-બહારથી સાફ કરી લેવી.

બસ તો તૈયાર છે ચણા-મેથી અને કાચી કેરીનું અથાણું. ભાખરી, પૂરી, પરાઠાં, રોટલી કે ખીચડી સાથે અથાણાંની મજા લો.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *