ચોકલેટ-વેનીલા ક્રીમ સેન્ડવીચ બીસ્કીટ્સ – બહાર આઈસ્ક્રીમ પાર્લર પર મળે છે એવો જ આઈસ્ક્રીમ હવે ઘરે બનાવી શકશો…

ઓરીઓ બિસ્કીટ કોને ના ભાવે??… વચ્ચે બહુ ભાવે એવું વેનીલા બટરક્રીમ અને સાથે ડાર્ક ચોકલેટ બિસ્કીટ નું સુપર કોમ્બીનેશન… મેં પહેલી વાર ટ્રાય કર્યા છે પણ એટલા સારા બન્યા છે કે મારા son એ પૂછ્યું કે ખરેખર ઘરે જ બનાવ્યા છે ને??

સમય: ૨ કલાક , ૨૦-૨૫ સેન્ડવીચ બિસ્કિટ્સ બનશે.

ઘટકો:

❇કુકિઝ માટે,

  • • ૨૦૦ ગ્રામ મેંદો
  • • ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ
  • • ૧૨૦ ગ્રામ મીઠાવાળું બટર
  • • ૨ ટેબલસ્પૂન મલેશિયન કોકો પાઉડર (ડાર્ક કલર માટે)
  • • ૨ ટેબલસ્પૂન હર્શીઝ કોકો પાઉડર (ચોકલેટી ટેસ્ટ માટે)
  • • ૨ ટેબલસ્પૂન મિલ્કપાવડર
  • • ૨ ટેબલસ્પૂન કસ્ટર્ડ પાઉડર
  • • ૧ ટીસ્પૂન બેકિંગ પાઉડર
  • • ૩-૪ ટેબલસ્પૂન દૂધ

❇બટરક્રીમ માટે,

  • • ૫૦ ગ્રામ મીઠા વગરનું બટર
  • • ૧ કપ આઇસીંગ ખાંડ
  • • ૧ ટીસ્પૂન વેનીલા એસેન્સ

પધ્ધતિ:

➡️એક બાઉલમાં મેંદો, બેકિંગ પાઉડર, મિલ્ક પાઉડર, કસ્ટર્ડ પાઉડર, બન્ને કોકો પાઉડર મિક્સ કરી ૨-૩ વાર ચાળી લો.

➡️બીજા બાઉલમાં દળેલી ખાંડ અને બટર મિક્સ કરી ફીણો. સફેદ અને મુલાયમ થઇ જાય ત્યાં સુધી ફીણો. પછી તેમાં લોટવાળું મિશ્રણ ઉમેરી હલાવી મિક્સ કરી લો.

➡️એક-એક ચમચી દૂધ નાખી મુલાયમ પરોઠા જેવો લોટ બાંધો. જરુર પૂરતું દૂધ લેવું. દૂધ વધારે ના પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

➡️હવે લોટનો ચોથો ભાગ લઇ પરોઠા જેવો પાતળો રોટલો વણો. ચપ્પાથી ચાર બાજુ કિનારી કાપી એકસરખા નાના ચોરસ કે કોઇ ગોળ બીબાથી ગોળ કુકીઝ કાપો. ડબલ લેયર કુકીઝ કરવાના છે તો રોટલાની જાડાઇ ઓછી રાખવી.

➡️ઓવનને ૧૭૦° પર ૧૦ મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દો. બધા કાપેલા ગોળ અને ચોરસ કુકીઝ માં ટુથપીકથી કાણા કરી તેને બેકિંગ ટ્રે માં થોડું અંતર રાખી ગોઠવી દો. પછી તેને ૧૦-૧૨ મિનિટ માટે પ્રિહિટેડ ઓવનમાં ગોઠવી બેક કરો. બેક થઇ જાય એટલે ગ્રીલ ટ્રે પર મૂકી ઠંડા કરી લો. બધા લોટમાંથી આ રીતે બિસ્કીટ બનાવી લો. બેક થયેલા આ બિસ્કીટ ગરમ હશે ત્યારે થોડાક નરમ હશે. ઠંડા પડશે પછી એકદમ ક્રિસ્પી થઇ જશે.

➡️બટરક્રીમ માટે, એક બાઉલમાં બટર લઇ વ્હીસ્કરથી ફીણો. પછી તેમાં આઇસીંગ ખાંડ અને વેનીલા એસેન્સ ઉમેરી હાથેથી મિક્સ કરી સ્મૂધ ક્રીમ બનાવી લો.

➡️એક ચમચી જેટલું બટરક્રીમ લઇ એક બિસ્કીટ પર બધી બાજુ સરખું પાથરો. તેના પર એ જ આકારનું બીજું બિસ્કીટ મૂકી દબાવીને બંધ કરી દો. બધા બિસ્કિટમાં આ રીતે ક્રીમ લગાવી દો.

➡️આપણા બિસ્કીટ્સ તૈયાર છે. અહીં બટરક્રીમ બનાવવા માટે દૂધ નથી વાપર્યું, તો આ બિસ્કીટ ૫-૭ દિવસ સુધી બહાર સારા રહેશે.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *