એકદમ સરળ રીતથી ઘરે જ બનાવો માવા વગરનો દૂધીનો સ્વાદિષ્ટ હલવો

સામાન્ય રીતે બધાને ગાજરનો હલવો ખુબ ભાવતો હોય છે અને શિયાળો જાય એટલે ગાજર બનાવવા લાયક ગાજર પણ બજારમાં મળતા નથી અને હલવાની ભારે ખોટ વર્તાય છે. તો આવા સંજોગોમાં જ્યારે જ્યારે તમને ગાજરનો હલવો ખાવાનું મન થાય ત્યારે ત્યારે તમારે બજારમાં બારેમાસ મળતી દૂધીનો હલવો બનાવી લેવો. તે પણ તેટલો જ સ્વાદિષ્ટ લાગશે. તો આજે નીધીબેન લાવ્યા છે તમારા માટે દૂધમાંથી દૂધીનો હલવો બનાવવાની તદ્દન સરળ રીત.

દૂધીનો હલવો બનાવવા માટેની સામગ્રી

1 કીલો ગ્રામ દૂધી

1 લીટર ફૂલ ફેટ દૂધ

1 ચમચી ઘી (ઓપ્શનલ)

2 ચમચી મલાઈ

15-18 ચમચી ખાંડ

5-6 કાજુનું કતરણ

5-6 બદામનું કતરણ

2-3 ઇલાઇચીનો પાઉડર

દૂધીનો હલવો બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક કીલો ગ્રામ દૂધી લેવી તેને બરાબર ધોઈ લેવી. ત્યાર બાદ તેની છાલ ઉતારી લેવી અને તેમાંથી એક નાનો ટુકડો કાપીને તેને ચાખી લેવો. ઘણીવાર એવું બનતું હોય છે કે દૂધી કડવી નીકળતી હોય છે તો હંમેશા દૂધીનો ઉપયોગ કરતાં પહેલાં તેને ચાખી લેવી અને તે કડવી નીકળે તો તેને ન વાપરવી.

હવે ધોઈને છોલીને તૈયાર કરેલી દૂધીને છીણી લેવી. તેનું છીણ લાંબુ પડે તે પ્રમાણે દૂધીને છીણવી. લાંબુ છીણ પાડવા માટે તમારે દૂધીને આડી રાખવી અને છીણતા છીણતા ફેરવતા જવી. જો દૂધીમાં વધારે મોટા બીયા હોય તો સાઇડ પરથી છોલી લેવી અને વચ્ચેનો વધારે બિયાવાળો ભાગ કાપી નાખવો.

હવે દૂધી છીણી લીધા બાદ હલવો બનાવવા માટે મોટી કડાઈ કે પેન લેવું અને તેમાં એક ચમચી ઘી ઉમેરવું.

ઘી થોડું ગરમ થાય એટલે તેમાં દૂધી ઉમેરવી. પણ દૂધી ઉમેરતી વખતે તેને સીધી જ નથી ઉમેરવાની પણ તેમાંથી તેનો રસ નીચોવીને તેને ઉમેરવાની છે.

આવી જ રીતે બધી જ દૂધીનો રસ કાઢીને તેને ગરમ થયેલા ઘીમાં ઉમેરી દેવી. ઘી અહીં ઓપ્શનલ છે પણ તેનાથી હલવામાં એક શાઈન અને લસ્ટર આવે છે માટે તેને ઉમેરવું જોઈએ.

હવે બધી જ છીણેલી દૂધી ઉમેરી લીધા બાદ તેને બે-ત્રણ મીનીટ ઘીમાં સાંતળી લીધા બાદ તેમાં એક લીટર ફુલ ફેટ દૂધ ઉમેરી દેવું. અહીં અમૂલ ગોલ્ડની બે થેલી વાપરવામાં આવી છે.

હવે શરૂઆતમા દૂધ ઉકળે ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખવી. જેથી કરીને દૂધ જલદી ગરમ થઈ જાય અને તેના માટે બહુ રાહ ન જોવી પડે. હવે દૂધ ઉકળી ગયા બાદ ગેસની ફ્લેમ મિડિયમ ટુ લો કરી દેવી. નહીંતર દૂધ નીચે ચોંટવા લાગશે અને દાજવા લાગશે.

દૂધ ગરમ થતાં 4-5 મિનિટનો સમય લાગશે. હવે ધીમો ગેસ કર્યા બાદ તેને તમારે 2-3 મીનીટે એકવાર હલાવી લેવું. આ દરમિયાન તમે તમારું બીજુ બધું કામ પણ કરી શકો છો. આપણે દૂધમાંથી માવો બનાવવાનો હોવાથી હલવો બનાવતા સમય થોડો વધારે લાગે છે. આ રીતે હલવો બનાવતા 40-45 મીનીટનો સમય લાગે છે.

હવે 15 મીનીટ બાદ તમે જોશો તો દૂધ ઘણું બધું બળી ગયું હશે અને આજુ બાજુ તેનો માવો પણ ચોંટવા લાગ્યો હશે. આ દરમિયાન તેને સતત હલાવતા જ રહેવું. હવે દૂધ જ્યારે અરધુ બળી જાય એટલે તેમાં ઘરની જ ભેગી કરેલી ત્રણ-ચાર ચમચી મલાઈ ઉમેરી દેવી. અહીં કોઈ ખાસ મલાઈ લેવાની જરૂર નથી પણ તમે રેગ્યુલર દૂધ ગરમ કરીને જે મલાઈ ભેગી કરતાં હોવ તે જ મલાઈ લેવી. પણ આ મલાઈ તાજી જ એટલે કે એક-બે દિવસની ભેગી કરેલી જ લેવી. હવે મલાઈને દૂધમાં બરાબર મિક્સ કરી દેવી અને તેને ફરી ધીમા તાપે ઉકળવા દેવું. મલાઈ ઓપ્શનલ છે તેને તમે સ્કિપ કરી શકો છો પણ જો ઘરમાં પડી હોય તો મલાઈ વાપરવી જોઈએ.

હવે દૂધ ઉકળે છે તે દરમિયાન તમારે બે ઇલાઈચી લેવી અને તેના ફોતરા કાઢીને તેનો ભુક્કો કરી લેવો.

હવે સાથે સાથે હલવામાં નાખવા માટે 5-6 કાજુ તેમજ 5-6 બદામ લઈ તેનું જીણું કતરણ કરી લેવું. હવે તેને બાજુ પર મુકી દેવું.

હવે જ્યારે દૂધ ઘણું બધું બળી ગયા બાદ તેમાં 15-18 ચચમી ખાંડ ઉમેરવી અને તેને બરાબર હલાવીને દૂધીના હલવા સાથે મિક્સ કરી દેવી. અહીં તમે તમને જો હલવો વધારે ગળ્યો જોઈતો હોય તો તે પ્રમાણે પણ ખાંડ ઉમેરી શકો છો. ખાંડ ઉમેરી લીધા બાદ તેને બીજી પાંચ મિનિટ ઉકળવા દેવું. સાથે સાથે સમયાંતરે હલાવતા પણ રહેવું.

હવે ખાંડ બરાબર ઓગળી ગયા બાદ તમે જોશો તો મોટા ભાગનું દૂધ બળી ગયું હશે. છેલ્લે છેલ્લે તમે ગેસની ફ્લેમ ફૂલ કરી શકો છો પણ ફુલ ગેસ કર્યા બાદ હલવો સતત હલાવતા રહેવો.

અહીં તમે જોઈ શકો છો કે દૂધ બધું બળી ગયું છે અને દૂધીનો હલવો હવે કડાઈથી છુટ્ટો પણ પડવા લાગ્યો હશે અને તેમાંથી ઘી પણ છુટ્ટુ પડવા લાગ્યું હશે.

અહીં બતાવ્યું છે તે પ્રમાણે હલવો પાત્રથી છુટ્ટો પડવા લાગશે. અને દૂધમાંથી દાણાદાર માવો તૈયાર થઈ ગયો હશે. આખી પ્રોસેસમાં ક્યાંય માવો વાપરવામાં નથી આવ્યો પણ દૂધને જ સતત ઉકાળીને માવો બનાવવામાં આવ્યો છે. આમ દૂધી પણ દૂધમાં જ બફાઈ ગઈ છે અને માવા સાથે એકરસ થઈ ગઈ છે.

હવે હલવો બનીને તૈયાર થઈ ગયો છે. આ સમયે તેમાં ઇલાઈચીને વાટીને જે ભુક્કો તૈયાર રાખ્યો હતો તે, તેમજ કાજુ-બદામનું કતરણ ઉમેરી દેવું અને તેને હલવામાં બરાબર મિક્સ કરી લેવું.

તો તૈયાર છે બારેમાસ મન પડે ત્યારે માવાની ગરજ વગર દૂધમાંથી જ બનાવવામાં આવતો દૂધીનો સ્વાદિષ્ટ હલવો.

પર્ફેક્ટ દૂધીનો હલવો બનાવવા માટે વિગતવાર વિડિયો


રસોઈની રાણી : નીધી પટેલ

સૌજન્ય : ફુડ ગનેશા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *