મગસના લાડુ બનાવવાની પર્ફેક્ટ અને સરળ રીત શીખો આ વિડિઓ રેસિપી દ્વારા…

હવે તો ઉત્સવોની સિઝન શરૂ થઈ ગઈ છે. તો ગણપતિને ધરાવવાના બહાને કે પછી માતાજીની પ્રસાદી રૂપે કે પછી દીવાળીમાં મહેમાનોને ખુશ રાખવાના બહાને મીઠાઈઓ તો બનતી જ રહેશે તો પછી આજે જ શીખીલો પર્ફેક્ટ મગસના લાડુ બનાવવાની સરળ રીત.

મગસના લાડુ બનાવવા માટેની સામગ્રી

250 ગ્રામ જાડ઼ુ બેસન

150 ગ્રામ ઘી

2 ચમચી દૂધ

150 ગ્રામ બુરુ ખાંડ

મગસના લાડુ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ દૂધમાં એક ચમચી ઘી નાખીને તેને તેમાં મિક્સ કરી લેવું અને તેને હુંફાળુ ગરમ કરી લેવું અથવા જો તમારી પાસે માઇક્રોવેવ ઓવન હોય તો તેમાં 20 સેકન્ડ માટે મુકી દેવું.

હવે એક બોલમાં 250 ગ્રામ જાડુ દળેલું બેસન લેવું. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જીણું બેસન ઉપયોગમાં ન લેવું.

હવે આ બેસનમાં ઘી મિક્સ કરેલું દૂધ છે તે ધીમે ધીમે ઉમેરીને બેસનમાં વ્યવસ્થિત મિક્સ કરી લવું.

અહીં બતાવ્યું છે તે રીતે તેને હાથેથી બરાબર મિક્સ કરી લેવું. હાથેથી ઘસીને એક પણ ગઠ્ઠો ન રહે તેનું ધ્યાન રાખવું.

હવે આ મિક્સરને દબાવી દેવું. ગુજરાતીમાં આ પ્રોસેસને ધાબો દેવો કહેવાય છે. આમ ધાબો દઈને તેને પાંચ મિનિટ માટે બાજુ પર રેસ્ટ કરવા મુકી દેવું.

પાંચ મિનિટ બાદ એક મોટી થાળી કે ડીશ લેવી તેના પર ચારણીને ઉંધી કરવી અને આ તૈયાર કરેલો ધાબો દીધેલું મગસનું મિશ્રણ છે તેને અહીં બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે ચાળી લેવું. આમ કરવાથી મગસનું મિક્સર એકદમ દાણાદાર બનશે.

તમે અહીં જોઈ શકો છો કે ધાબો દીધા બાદ અને ચારણીથી ઉંધુ ચાળી લીધા બાદ મગસનું મિક્સર એકદમ દાણાદાર થઈ જશે.

હવે એક પેન લેવું તેમાં 150 ગ્રામ ઘી ઉમેરી દેવું. ઘી બને તો પીઘળેલું જ લેવું. ઘીવાળી કોઈ પણ મિઠાઈમાં ક્યારેય ઘીમાં કંજુસાઈ ન કરવી પુરતું ઘી વાપરવું. ઘીના પુરતા પ્રમાણથી જ મીઠાઈ વધારે સ્વાદિષ્ટ બને છે.

હવે ઘી હળવું ગરમ થાય એટલે મગસનું જે ચાળેલુ મિશ્રણ છે તેને તેમાં ઉમેરી દેવું. ગેસની ફ્લેમ ધીમી જ રાખવી.

હવે તેને ધીમી ફ્લેમ પર જ શેકી લેવું. બેસન શેકતી વખતે તેને એકધારું હલાવતા રહેવું. ધીમે ધીમે બેસનનો રંગ બદલાતો જશે. જેમ જેમ બેસન શેકાતું જશે તેમ તેમ તેનો રંગ બદલાતો જશે. અને બેસન હળવું થતું જશે. અને તેના શેકાવાની સ્મેલ પણ આવવા લાગશે.

બેસન શેકાઈને થોડું હળવું થઈ જાય એટલે કે તેમાં ફીણ જેવું વળવા લાગે એટલે તેમાં અહીં બતાવ્યું છે તેમ પાણીના થોડાં થોડાં છાંટા પાડતા રહેવા અને બેસન હલાવતા રહેવું.

બે ત્રણ મિનિટ બાદ ફરી એકવાર થોડું પાણી છાંટીને બેસન શેકી લેવું. આ પ્રોસેસ કરવાથી બેસનના દાણા ઘેરા રંગના બને છે. આ દરમિયાન તેને સતત હલાવતા રહેવું.

હવે તેને લાઇટ પીંક એટલે કે લાઇટ ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી શેકવાનું. છે તમે જોશો કે થોડીવારમાં તેનો રંગ બદલાઈને બદામી થઈ જશે. આવો રંગ થાય એટલે સમજવું કે બેસન શેકાઈ ગયું. હવે તેને ફ્લેમ પરથી ઉતારી લેવું. અને તેને નીચે મુકી દેવુ નીચે મુક્યા બાદ પણ તેને તેમ જ ન છોડી દેવું પણ તેને હલાવતા રહેવુ. કારણ કે પાત્ર ગરમ હોવાથી બેસન વધારે શેકાશે અને તેમ થવાથી નીચેથી બેસન બળી જશે. માટે તેને બેથી ત્રણ મિનિટ સતત હલાવતા રહેવું.

હવે થોડું ઠંડુ પડે એટલે મગસના આ શેકાયેલા મિશ્રણને બીજા પાત્રમાં લઈ લેવું અને તેને ઠંડુ થવા દેવું.

હવે આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં 150 ગ્રામ બુરુ ખાંડ ધીમે ધીમે નાખીને સરસ રીતે મિક્સ કરી લેવી. અહીં તમે ઘરની ખાંડને વાટીને પણ ઉપયોગમા લઈ શકો છો. પણ બુરુ ખાંડ સામાન્ય ખાંડ કરતાં ઓછી ગળી હોવાથી જો તમે ઘરની ખાંડને વાટીને લેતા હોવ તો તે થોડી ઓછી લેવી.

હવે તેને બરાબર મિક્સ કરી લીધા બાદ તેને એક કલાક માટે સેટ થવા માટે બાજુ પર મુકી દેવું. જેથી કરીને તેની લાડુડીઓ સરળ રીતે વળી શકે.

હવે એક કલાક બાદ તેની હળવા હાથે અહીં બતાવવામાં આવી છે તે પ્રમાણે નાની-નાની લાડુડી વાળી લેવી.

તો તૈયાર છે મગસની લાડુડી. ગુજરાતીઓની આ દેશી મિઠાઈ નાના મોટા સહુને ખુબ ભાવે છે. તો તમે પણ ટ્રાય કરો મગસની લાડુડી બનાવવાની આ સરળ રીત.

મગસના લાડુ બનાવવાની પર્ફેક્ટ રીત માટે વિગવાર વિડિયો


રસોઈની રાણી : ચેતના પટેલ

સૌજન્ય : ફુડ કૂટોર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *