ફરાળી કુરકુરી રાજગરા પુરી – ઘરમાંથી મળી જતી, ખૂબજ ઓછી સામગ્રીથી સરળ રીતે જલદીથી બની જતી આ કુરકુરી પૂરી

ફરાળી કુરકુરી રાજગરા પુરી…

વ્રતના ઉપવાસ કે એક્ટાણામાં ફરાળ કરવા માટે સૌથી વધારે લોકો રાજગરાનો ઉપયોગ કરતા હોય છે. રાજગરો હાર્ટ માટે ખૂબજ હેલ્થી છે.

રાજગરાનો લોટ કે આખા રાજગરાને રોસ્ટ કરીને તેની ધાણી બનાવીને તેમાંથી ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. જેવાકે ફરાળી ગજક, ચીકી, લાડુ કે ખીર જેવી સ્વીટ વાનગી બનાવવામાં આવતી હોય છે. ઘણા લોકો રાજગરાની ધાણીને વઘારીને તેનો ફરાળી ચેવડો બનાવતા હોય છે. રાજગરાના લોટમાંથી શીરો, સુખડી જેવી સ્વીટ તેમજ ફરાળી સેવ, થેપલા, પરાઠા, ફુલેલી પુરી, ભજિયા કે બટેટાના કોમ્બિનેશનથી પણ પૂરી, મુઠિયા કે રોલ, ચેવડો જેવા ફરસાણ પણ બનાવવામાં આવે છે.

અહીં હું આપ સૌ માટે ફરાળી કુરકુરી રાજગરાની પૂરીની રેસિપિ આપી રહી છું. જે આપ સૌને ખૂબજ ભાવશે. ઘરમાંથી મળી જતી, ખૂબજ ઓછી સામગ્રીથી સરળ રીતે જલદીથી બની જતી આ કુરકુરી પૂરી બટેટાની સૂકીભાજી, ગ્રીન ચટણી, દહીં કે ફરાળી એપલ ખીર સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે ( જે અપલ ખીરની રેસિપિ મેં અગાઉ આપેલી છે). નાના બાળકોથી માંડીને મોટા સુધીના દરેક લોકોને ફરાળમાં લેવી પસંદ પડશે.

ફરાળી કુરકુરી રાજગરાની પૂરી બનાવવા માટેની સામગ્રી :

  • 1 ½ કપ રાજગરો
  • 4-5 ટેબલ સ્પુન રાજગરાનો લોટ અટામણ માટે
  • ½ ટી સ્પુન આખું જીરું
  • ½ ટી સ્પુન કાળા મરીનો પાવડર
  • ½ ટી સ્પુન સુગર પાવડર
  • ¾ ટી સ્પુન સોલ્ટ
  • 1 ટી સ્પુન ઘી મોણ માટે
  • ½ ટી સ્પુન ઘી બાંધેલા ડો પર ગ્રીસ કરવા માટે
  • ઓઇલ ડીપ ફ્રાય કરવા માટે

ફરાળી કુરકુરી રાજગરાની પૂરી બનાવવાની રીત :

સૌ પ્રથમ એક મિક્ષિંગ બાઉલ લઈ તેમાં 1 ½ કપ રાજગરાના લોટને ચાળી લ્યો.

હવે તેમાં ½ ટી સ્પુન આખું જીરું, ½ ટી સ્પુન કાળા મરીનો પાવડર, ½ ટી સ્પુન સુગર પાવડર ¾ ટી સ્પુન સોલ્ટ ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં 1 ટી સ્પુન ઘી મોણ માટે ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે આ લોટના મિશ્રણમાં જરુર મુજબ પાણી ઉમેરી ટાઇટ લોટ બાંધો. ( પૂરી વણી શકાય તેવો‌).

તેનાં પર ½ ટી સ્પુનઘી લગાવી તેને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપો.

10 મિનિટ બાદ ફરીથી મસળી લ્યો. તેમાંથી નાની પૂરી બને તેવા બધા લોટના લુવા બનાવી લ્યો. હવે લુવાને લોટનું અટામણ લઇ રોલિંગ બોર્ડ પર મૂકી રોલિંગ પીન વડે વણી પાતળી પૂરી બનાવો. લોટ ઢીલો થઈ જાય તો 2-3 વાર અટામણ લઈ પાતળી પૂરી વણો.

ત્યારબાદ તૈયાર કરેલી પૂરી પર ફોર્ક વડે પ્રીક કરી લ્યો, જેથી પૂરી ક્રીસ્પી થશે. આ રીતે બધી પૂરીઓ રેડી કરી લ્યો.

પૂરી ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો. ઓઇલ પૂરી ફ્રાય કરવા જેવું ગરમ થાય એટલે ફ્લૈમ મિડિયમ સ્લો કરી લ્યો. ઓઇલમાં પૂરી મૂકી ડીપ ફ્રાય કરો. પૂરીમાં બબલ્સ ઇમ્પ્રેસ થયેલા દેખાય અને પૂરી ઓઇલમાં ઉપરા આવી જાય એટલે પૂરી ફ્લીપ કરી લ્યો.

બન્ને બાજુ સરસ ગોલ્ડન કલરની ( પીક્ચરમાં બતાવ્યા પ્રમાણે). ક્રીસ્પી ફ્રાય થઈ જાય એટલે જારામાં લઈ ઓઇલ નિતારી પ્લેટમાં ટ્રાંસફર કરો. આ રીતે બધી પૂરીઓ કુરકુરી ફ્રાય કરી લ્યો.

સર્વિંગ પ્લેટમાં મૂકી આ ફરાળી કુરકુરી રાજગરાની પૂરી બટેટાની સૂકી ભાજી ઉપરાંત ફરાળી ગ્રીન કે કોકોનટ ચટણી સાથે સર્વ કરો. ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. બધાને ભાવશે. તો તમે પણ ટેસ્ટ્માં બેસ્ટ એવી આ ફરાળી પૂરી વ્રતના ઉપવાસમાં ફરાળ કરવા માટે ચોક્કસથી ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *