ગરમીમાં ઠંડક આપતી ત્રણ પ્રકારની લસ્સી શીખો એકસાથે અને આનંદ માણો પરિવાર સાથે…

ગરમીમાં ઠંડક આપતી ત્રણ પ્રકારની લસ્સીની મજા માણો

ઉનાળામાં આઇસક્રીમ, કોલ્ડ્રીંક્સ વિગેરેની સાથે સાથે છાશ અને લસ્સીનો ઉપાડ પણ વધી જ જાય છે. ઘણા લોકો એવા હોય છે જેને ગળ્યું નથી ભાવતું હોતું પણ ખાટું-મીઠું ભાવતું હોય છે. એટલે કે તેમને ગળી આઇસ્ક્રીમ નથી ભાવતી પણ કંઈક ખાટું વધારે ભાવતું હોય છે. આપણે જાણીએ છીએ તેમ દહીંના ગુણને દુધથી ચડિયાતા માનવામાં આવે છે માટે જ દૂધ કરતા છાશને ચડિયાતી ગણવામાં આવે છે. અને દહીંમાં શરીરની અંદર તેમજ બહાર બન્ને રીતે ઠંડક પહોંચાડવાના ગુણ સમાયેલા હોય છે.

તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ દહીંમાંથી જ બનતી અત્યંત સ્વાદિષ્ટ અને લોકપ્રિય વાનગી લસ્સી. આજની આ પોસ્ટમાં તમને ત્રણ ફ્લેવરની લસ્સ્સીની રેસીપી જાણવા મળશે.

કેસર પિસ્તા લસ્સી

સામગ્રી.

1 ½ કપ એકદમ ઠંડુ દહીં

¼ કપ ફ્રીઝરમાં ઠંડુ કરેલું દૂધ એટલે કે ફ્રોઝન દૂધ

2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ

½ ટી સ્પૂન ઇલાઈચી પાવડર

1 ટેબલ સ્પૂન પાણીમાં પલાળેલું કેસર

1 ટેબલ સ્પૂન બદાબમ પિસ્તાનું કતરણ

કેસર પિસ્તા લસ્સી બનાવવાની રીત


હવે ઉપર જણાવેલી બધી જ સામગ્રીને બ્લેન્ડરથી મીક્સ કરી લો. હવે એક સુંદર મજાનો ગ્લાસ લો. તેના તળીયે જો તમારી પાસે કેસરપીસ્તા પેંડા હોય તો તેના ભુક્કાને ગ્લાસના તળીયે મુકો તેના પર બ્લેન્ડર ફેરવીને તૈયાર કરેલી લસ્સી એડ કરો હવે તેના ઉપર બદામ પિસ્તાનું કતરણ મુકી કેસરપીસ્તા લસ્સીને ગાર્નિશ કરો. આ લસ્સીને તમે રજવાડી લસ્સી પણ કહી શકો છો.

શાહિ રોઝ લસ્સી

સામગ્રી

1 ½ કપ એકદમ ઠંડુ દહીં

¼ કપ ફ્રીઝરમાં ઠંડુ કરેલું દૂધ એટલે કે ફ્રોઝન દૂધ

2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ

2 ટેબલ સ્પૂન ગુલકંદ

2 ટેબલ સ્પૂન રેઝ સીરપ

2 ટેબલ સ્પૂન તાજી મલાઈ

શાહી રોઝ લસ્સી બનાવવાની રીત


ઉપર જણાવેલી બધી જ સામગ્રીને બરાબર બ્લેન્ડ કરી લો. હવે એક આકર્ષક ગ્લાસ લો તેની અંદરની બાજુની કીનારી પર રોઝ સીરપ રેડી લો. હવે તેમાં તૈયાર કરેલી રોઝ લસ્સી એડ કરો. તેના પર ગુલાબની તાજી પાંદડીઓ મુકો. તૈયાર છે શાહિ રોઝ લસ્સી

કાજુ મેંગો લસ્સી

સામગ્રી

1 ½ કપ એકદમ ઠંડુ દહીં

¼ કપ ફ્રીઝરમાં ઠંડુ કરેલું દૂધ એટલે કે ફ્રોઝન દૂધ

2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ

2 ટેબલ સ્પૂન તાજી મલાઈ

½ કપ પાક્કી કેરીના ટુકડા

2 ટેબલ સ્પૂન કાજુના ટુકડા

કાજુ મેંગો લસ્સી બનાવવાની રીત


એક પાત્રમાં ઉપર સામગ્રીમાં જણાવેલી કાજુ સિવાયની બધી જ સામગ્રી લો અને તેને બરાબર બ્લેન્ડ કરી લેવું. હવે તેમાં 1 ટેબલ સ્પૂન કાજુના ટુકડા એડ કરી તેને ચમચીથી હલાવી લેવું. કેરીના થોડા ટુકડા ગાર્નિશીંગ માટે રહેવા દો. હવે એક ગ્લાસ લો તેના તળીયે થોડો કેરીનો રસ ઉમેરો તેના પર તૈયાર થયેલી લસ્સી ઉમેરો હવે તેના પર બાકી વધેલા કાજુના ટુકડા ભભરાવી દો. હવે ગાર્નિશિંગ માટે બચાવીને રાખેલા મેંગો ચંક્સ પણ તેના પર પાથરી દો. તૈયાર થઈ ગઈ કાજુ-મેંગો લસ્સી.

સૌજન્ય : ફૂડ કુટોર (ચેતના પટેલ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *