હેલ્ધી ટેસ્ટી હોમ મેડ પિઝાઃ શાકભાજીથી ભરપુર હેલ્ધી પિઝા ઘરે જ બનાવો…

ઘરમાં જ્યારે ક્યારેય બહાર ખાવાનો ઉલ્લેખ થાય એટલે તરત જ છોકરાઓના મોઢા પર ‘પિઝા’ શબ્દ આવી જાય છે. અને પછી તેમની આંખોમાં એક અનોખી ચમક આવી જાય છે. ચોક્કસ લોકોને બહારના પિઝા બહુ જ ભાવતા હોય છે પણ આજે તમે ઘરે જ બનાવો હેલ્ધી ટેસ્ટી પિઝા.

હેલ્ધી ટેસ્ટી પિઝા બનાવવા માટે સામગ્રી

3 મિડિયમ સાઇઝના કેપ્સિકમ

4 મિડિયમ સાઇઝના ટામેટા

2 મકાઈ ડોડા

2 મેટી સાઇઝની ડુંગળી

2 ચમચી તેલ

સ્વાદ પ્રમાણે મીઠુ

ઓરેગાનો અને ચિલિ ફ્લેક્સ

2 ટેબલ સ્પૂન માખણ

જરૂરિયાત પ્રમાણે ચિઝ

હેલ્ધી ટેસ્ટી પિઝા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ તમારું રેગ્યુલર કૂકર લેવું તેમાં મકાઈ બાફવા માટે પાણી ઉમેરવું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ અને હળદર ઉમેરવા. હવે મકાઈને તમે રેગ્યુલર જેમ બાફતા હોવ તેટલી સીટી વગાડીને બાફી લેવી.

હવે બધા જ વેજિટેબલ્સ એટલે કે કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાને જીણા સમારી લેવા. કેપ્સીકમમાંથી બિયાવાળો ભાગ અલગ કરી લેવો અને ટામેટામાંથી પણ અંદરનો બિયા તેમજ પાણીવાળો ભાગ અલગ કરીને તેના જીણા ટુકડા સમારી લેવા.

હવે એક પેન લેવુ પેનમાં એકથી બે ચમચી તેલ ઉમેરવું. હવે તેલ થોડુ ગરમ થાય એટલે તેમાં જીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવી.

ડુંગળીને તેલમાં બરાબર મિક્સ કર્યા બાદ તેને પાંચ મિનિટ માટે સાંતળી લેવી. તેના માટે પેનને થોડું અધખુલું બંધ કરી લેવું. જેથી કરીને ડુંગળી બળે નહીં અને જલદી સંતળાઈ જાય.

હવે પાંચ મિનિટ બાદ ડુંગળી થોડી નરમ પડે એટલે તેમાં જીણા સમારેલા કેપ્સીકમ ઉમેરી દેવા તેની સાથે સાથે જ તેમાં થોડી હળદર પણ ઉમેરી દેવી. હવે આ બધી જ સામગ્રીને વ્યવસ્થિત મિક્સ કરી લેવી.

હવે કેપ્સિકમ અને ડુંગળી થોડાં સંતળાઈ જાય એટલે કે તે થોડું અધકચરુ ચડે તેના માટે તેને 1-2 મિનિટ ઢાંકી દેવું અને ત્યાર બાદ તેમાં જીણા સમારેલા બિ કાઢેલા ટામેટા ઉમેરી દેવા. ટામેટાને બરાબર મિક્સ કરી લેવા.

હવે ટામેટા ઉમેરીને તેને મિક્સ કરી લીધા બાદ તેમાં થોડો મસાલો કરી લેવો. તેના માટે તેમાં અરધી ચમચી મીઠુ અને ચપટી લાલ મરચુ પાઉડર ઉમેરી દેવું.

શાકને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી 5-7 મિનિટ સુધી ચડવા દેવું. તમે જોશો તો પાંચ મિનિટ બાદ શાક સોફ્ટ થઈ ગયું હશે.

હવે શાક સોફ્ટ થઈ જાય એટલે મકાઈ બાફીને તેના જે દાણા છુટ્ટા કર્યા છે તેને તેમાં ઉમેરી દેવા. અને તેને બરાબર શાકમાં મિક્સ કરી દેવા. તમે આ સ્ટેજ પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો પણ અહીં સાવ છેલ્લે તેને ઉમેરવામાં આવ્યા છે.

હવે ગેસને બંધ કરી દેવો અને પિઝા માટે તૈયાર કરવામાં આવેલું શાક જ્યારે થોડું ઠંડુ થાય એટલે તેમાં થોડું ચીઝ છીણીને ઉમેરવું અને તેને શાકમાં બરાબર મિક્સ કરી લેવું. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે છુટ્ટુ છુટ્ટુ શાક એબીજા સાથે ચોંટી રહે.

હવે માર્કેટમાં મળતા પિઝાના રોટલાનો ઉપયોગ અહીં કરવામા આવ્યો છે. તેને શેકવા માટે ગેસ પર એક નનસ્ટીક તવો મુકવો. તવો સહેજ ગરમ થાય એટલે રોટલાને હળવો શેકી લેવો. તે હળવો ગરમ થાય તેટલો જ શેકવો.

હવે આ રોટલા પર અરધી ચમચી જેટલું બટર સ્પ્રેડ કરી લેવું. બટર બહુ વધારે પડતું ન લગાવવું અરધી ચમચીથી પણ ઓછું લગાવી શકો છો.

હવે બટર સ્પ્રેડ કરી લીધા બાદ તેના પર તૈયાર રેડીમેડ ટોમેટો સોસ લગાવી લેવો. અહીં તમે તમને ગમતો સોસ સ્પ્રેડ કરી શકો છો ઘરે બનાવેલો સોસ પણ સ્પ્રેડ કરી શકો છો.

હવે સોસ લગાવી લીધા બાદ તેના પર પિઝા માટે તૈયાર કરવામાં આવેલું શાક સ્પ્રેડ કરી લેવું. શાક સ્પ્રેડ કરવામાં કંજુસાઈ ન કરવી. તેને પિઝાના રોટલા પર બરાબર સ્પ્રેડ કરી લેવું.

હવે તમને ગમતી તીખાશ પ્રમાણે પિઝા પર ચિલિ ફ્લેક્સ તેમજ ઓરેગાનો છાંટી દેવા. આ ઓપ્શનલ છે તમને તે ન ગમતા હોય તો સ્કિપ કરી શકો છો.

હવે છેલ્લે તેના પર ચીઝ છીણી લેવું. અહીં એક ક્યુબ કરતાં વધારે ચીઝ વાપરવામાં આવ્યું છે. બાળકો હોય કે મોટાઓ હોય તેમને ચીઝ ખુબ ભાવતું હોય છે તો ચીઝ નાખવામાં હાથ ટુંકો ન રાખવો.

હવે તવો ગરમ કરવા મુકી દેવો. અને તેના પર સહેજ બટર સ્પ્રેડ કરી લેવું. બટર સ્પ્રેડ કરી લીધા બાદ આ ચીઝ લગાવીને તૈયાર કરવામા આવેલો પિઝા તવા પર મુકી દેવો.

હવે ચિઝને બરાબર પિગાળવા માટે પિઝાને મોટા ઢાંકણા વડે ઢાંકી દો. તેમાં માટલાનું બુજારુ અથવા તો તમારી પાસે ઢોકળિયાનું જે મોટું ડોમ જેવું ઢાકણું હોય તેનો ઉપયોગ કરવો. એક મિનિટ તેને તેમ જ ગરમ થવા દેવું. એક મિનિટ બાદ ઢાકણું હટાવીને જોઈ લેવું. કે પિઝાનો રોટલો તળિયેથી બળી ન જાય. અને ફરી પાછું ઢાકણાંને 1 મિનિટ માટે ઢાંકી દેવું.

હવે 1 મિનિટ બાદ તમે ઢાંકણું ખોલીને જોશો તો પિઝા પરનું ચિઝ બરાબર મેલ્ટ થઈ ગયું હશે અને પિઝાનો રોટલો પણ ક્રિસ્પિ થઈ ગયો હશે. આવી જ રીતે બાકીના પિઝા પણ બનાવી લેવા.

હવે પિઝાને પેન પરથી ડીશમાં લઈ લેવો. અને તેના ટુકડા કરી લેવા. તો તૈયાર છે ઘરે જ બનાવેલા હેલ્ધી ટેસ્ટી પિઝા. બહારના પિઝા ભલે તમને બહુ ભાવતા હોય પણ એકવાર આ ઘરના પિઝા ચોક્કસ ટ્રાય કરવા જોઈએ.

હેલ્ધી ટેસ્ટી પિઝા બનાવવા માટે વિગતવાર વિડિયો

રસોઈની રાણી : નીધી પટેલ

સૌજન્ય : ફુડ ગનેશા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *