લાલ મરચાં અને ટામેટાં ની ચટણી – ખૂબ જ ઓછી સામગ્રી થી અને ફટાફટ બની જતી લાલ મરચાં અને ટામેટાં ની ચટણી

ભારતીય ભોજન માં ચટણી નું એક આગવું સ્થાન છે. ચટણી એ આપણી થાળી નો સ્વાદ વધારો કરવામાં મદદ કરે છે.

ગણી ના શકાય એટલી જુદા જુદા પ્રકાર ની ચટણી શાક, ફ્રુટ અને લીલા પત્તામાંથી બનવવામાં આવે છે. જેના સ્વાદમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે જેમ કે તીખી, મીઠી, ખાટી અને મિક્સ સ્વાદ વાળી ચટણી…

આજે હું એક તીખી અને ખાટી ચટણી ની રેસિપી લઇ ને આવી છું. જે ચોક્કસ થી તમારા ભોજન ને વધુ સ્વાદિષ્ટ બનાવશે. જેમાં મેં લાલ મરચાં ,ટામેટાં અને અજમાં નો ઉપયોગ કર્યો છે અને આ બધા ની ફ્લેવર મળી ને એક ખૂબ જ ચટાકેદાર ચટણી બને છે. શિયાળા ની ઠંડી માં ચોક્કસ થી એક વાર ટ્રાય કરજો.

આ ચટણી તમારા શાક ના વઘાર માં મુકશો તો પણ શાક પણ બહુ જ ટેસ્ટી બની જશે. ખૂબ જ ઓછી સામગ્રી થી અને ફટાફટ બની જતી લાલ મરચાં અને ટામેટાં ની ચટણી માટેની સામગ્રી :-

8-10 નંગ લાલ સૂકા મરચાં

3 ટામેટાં કાપેલા ટામેટાં

1 ચમચી અજમો

2 ચપટી હિંગ

મીઠું સ્વાદાનુસાર

1 ચમચી તેલ

1 લીંબુ

રીત:-

સૌ પ્રથમ સૂકા લાલ મરચાં ના ડીટીંયા નીકાળી લો અને ગરમ પાણી માં 15 -20 મિનીટ પલાળી લો. મરચાં ના બિયાં નીકાળવાની જરૂર નથી.

હવે એક મિક્સર જાર માં ટામેટાં , ગરમ પાણી માંથી નીકળેલા મરચાં , અજમો , હિંગ અને મીઠું નાખી ને ક્રશ કરી ને પેસ્ટ બનાવી લો. પાણી ઉમેરવું નહીં કેમ કે ટામેટાં માંથી પાણી નીકળશે જ.

ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી હિંગ નાખો અને ટામેટાં – મરચાં ની પેસ્ટ ઉમેરી ને ધીમી આંચ પર જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ના થાય ત્યાં સુધી પકાવો. જ્યારે પાણી નો ભાગ બળી જાય અને પેસ્ટ ઘટ્ટ બને પછી ગેસ બંધ કરો અને લીંબુ નો રસ ઉમેરી ને બરાબર મિકસ કરો.

ઠંડુ થાય એટલે આ ચટણી ને પુરી, થેપલા ,પરાઠા, ઢોકળાં, છોલે – પુરી, પુલાવ કે મનગમતી વાનગી સાથે સર્વ કરો.

આ ચટણી ફ્રીઝ માં 6-8 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. આ ચટણી ને કોઈ પણ ગ્રેવી વાળા શાક ના વઘાર માં પણ મુકશો તો શાક નો સ્વાદ બમણો થઈ જશે.

નોંધ:-

તમે ઈચ્છો તો થોડી ખાંડ પણ ઉમેરી શકો છો પણ આ ખાંડ વિના પણ બહુ ટેસ્ટી લાગે છે.

લીંબુ કે મરચાં નું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો.

અજમો ઉમેરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *