શું બાળકો અચાનક કંઈક મીઠુ ખાવાની ડીમાન્ડ કરે છે ? તો બનાવો પાં ચ જ મીનીટમાં બની જતી ઘઉંની સ્વાદિષ્ટ મીઠી સેવ

ઘણીવાર બાળકો અચાનક કંઈક ગળ્યું ખાવાની ફરમાઈશ કરી દેતા હોય છે ત્યારે સુખડી કે શીરો બનાવતા ઘણો સમય લાગે છે ત્યારે તેવા સંજોગોમાં જો ઘઉંની વણેલી સેવ ઘરમાં પડી હોય તો તે માત્ર પાંચ જ મીનીટમાં તમે બનાવી શકો છો. આપણે ગુજરાતીઓ સીઝનને અનુરુપ વસ્તુઓનો સંગ્રહ કરીને આખા વર્ષનો સ્ટોક કરી લેતા હોઈએ છીએ તે પછી સારેવડા હોય કે પછી બટાટાની કાતરી હોય કે પછી ઘઉંની સેવ હોય. તો ચાલો બનાવીએ ઘઉંની મીઠી સેવ તે પણ માત્ર પાંચ જ મીનીટમાં

ઘઉંની મીઠી સેવ બનાવવા માટેની સામગ્રી

2 વાટકી ઘઉંની સેવ

સેવ ડુબે તેટલું પાણી

4-5 ચમચી ઘી

સ્વાદ પ્રમાણે ગળપણ માટે ખાંડ અથવા ગોળ

ઘઉંની મીઠી સેવ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ તમારે જેટલા વ્યક્તિ માટે સેવ લેવી હોય તેટલી સેવ લેવાની અને તેના જો મોટા ટુકડા હોય તો નાના ટુકડા કરી લેવા

હવે એક તપેલીમાં તમે જેટલી સેવ લીધી છે તે ડૂબે તેટલુ પાણી લઈ તેને ગેસ પર ગરમ થવા મુકી દેવું.

હવે પાણી ગરમ થાય એટલે તેમાં ઘઉની સેવ ઉમેરી દેવી.

સેવ જ્યાં સુધી ફુલીને સોફ્ટ ન થાય ત્યાં સુધી તેને પાણીમાં ઉકળવા દેવી. મેગી બનાવતી વખતે આપણે તેને જેમ સોફ્ટ થવા દઈએ છીએ તે જ રીતે અહીં પણ ઘઉંની સેવને સોફ્ટ થવા દેવી.

વચ્ચે વચ્ચે સેવ ઉકળતી હોય ત્યારે તેને હલાવતા રહેવી. અને જોતા રહેવી કે તે ચડી છે કે નહીં.

હવે સેવ ઉકળી જાય તે પહેલાં તમારે એક મોટો બોલ અને ચારણી લઈ લેવા જેથી કરીને તમે વધારાનું પાણી સેવમાંથી નીતારી શકો

સેવને ચડતા વાર નહીં લાગે માત્ર પાંચ જ મીનીટમાં સેવ સોફ્ટ થઈ જશે. જેને તમે હાથેથી નખ વડે પ્રેસ કરીને ચેક કરી શકો છો.

હવે તમે જોશો કે બધી જ સેવ સોફ્ટ થઈ ગઈ હશે. ત્યારે ગેસ બંધ કરીને તેને તૈયાર રાખેલી ચારણીમાં કાઢી લેવી.

થોડીવાર પાણીને નીતારી લીધા બાદ તેને એક પ્લેટમાં લઈ લેવી.

હવે સેવ ગરમ હોય ત્યારે જ તેના પર બે-ત્રણ ચમચી ઘી ઉમેરી દેવું.

જો તમે ઉપવાસમાં મીઠુ ન ખાતા હોવ અથવા ગોર્યો કે પછી જયા પાર્વતીના વ્રત પર છોકરીઓને ખવડાવવા માટે બનાવવા માગતા હોવ તો તમે અહીં ખાંડનો ઉપયોગ કરી શકો છો.

જો ઉપવાસમાં નહીં પણ એમનમ જ ઘઉંની સેવ ખાવી હોય તો તમે અહીં જેમ ગોળનો ભુક્કો કરીને સેવ પર ભભરાવામાં આવ્યો છે તેમ મીઠાશ માટે ગોળ નાખી શકો છો.

હવે ગળપણ ઉમેરી લીધા બાદ તેને ચમચીથી મિક્સ કરી લેવી. આ સેવ ગરમાગરમ જ ખાવાની મજા આવે છે તે ઠંડી ખાવાની મજા નથી પડતી.
માટે જ્યારે તમારે તેને ખાવી હોય તેના 5-10 મીનીટ પહેલાં જ બનાવવી. તો તૈયાર છે ઘઉંની હેલ્ધી ગળી સેવ.

બાળકોને જો શીરો ભાવતો હોય તો ચોક્કસ આ ગળી સેવ પણ તેમને ભાવશે. અને આ ઘઉંની બનેલી હોવાથી તેમજ ઘીનો ઉપયોગ કર્યો હોવાથી બાળકો માટે હેલ્ધી પણ છે.

રસોઈની રાણીઃ નીધી પટેલ

ઘઉંની મીઠી સેવ બનાવવા માટે સ્ટેપ બાય સ્ટેપ વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *