સાંજના ભોજનમાં હળવું પણ ચટપટુ ખાવું હોય તો બનાવો સૌરાષ્ટ્રની ફેમસ વાનગી રગડા પાંઉ…

સાંજના ભોજનમાં જો કંઈ ચટપટુ મળી જાય તો મજા જ આવી જાય. જોકે ચટપટુ ખાવું હોય તો થોડી મહેનત પણ કરવી પડે છે. પણ આ વાનગીમાં તમારે વધારે લાંબી મહેનત નહીં કરવી પડે. રગડા પાંઉ બનાવવું ખુબ જ સરળ અને ઝડપી છે. તેના માટે તમારે ખાલી વટાણા પલાળવા મુકી દેવા પડે. તો ચાલો આજે શીખો રગડા પાંઉની રેસિપિ.

રગડા પાંઉ બનાવવા માટેની સામગ્રી

½ કપ કઠોળના વટાણા

2 મિડિયમ સાઇઝના બાફેલા બટાટા

2 ટેબલ સ્પૂન તેલ

વઘાર માટે હીંગ

1 ટેબલ સ્પૂન આદુ-મરચા-લસણની પેસ્ટ

3 ટેબલ સ્પૂન આમલીનો રસ

1 ચમચી ધાણાજીરુ પાઉડર

½ અરધી ચમચી હળદર

1 નાની ચમચી કાશ્મીરી લાલ મરચુ

સ્વાદ પ્રમાણે મીઠુ

ખજૂર આંબલીની ચટની

લસણની ચટની

સેવ, જીણી સમારેલી ડુંગળી, મસાલા સીંગ

રગડા પાંઉ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક પેન કે કડાઈ ગેસ પર ગરમ થવા મુકી દેવી. તેમાં બે મોટી ચમચી તેલ ઉમેરવું. તેલ ગરમ થાય એટલે તેમાં પા ચમચી હીંગ અને એક મોટી ચમચી આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી દેવી. તેને અરધી મીનીટ સુધી સાંતળવા દેવી.

ત્યાર બાદ તેમાં ત્રણ ટેબલ સ્પૂન આમલીનો રસ ઉમેરવો. તેમાં કશું જ નાખવામાં નથી આવ્યું તે સાદુ આંબલીનુ પાણી જ છે. તમે તમને ભાવતી ખટાશ પ્રમાણે આમલીનું પાણી લઈ શકો છો. હવે તેને બે મિનિટ સુધી બરાબર સંતળાવા દેવાનું. વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહેવું.

હવે તેમાં બાફીને તૈયાર કરેલા વટાણા ઉમેરી દેવામાં. અહીં અરધો કપ પીળા કે લીલા કોઈ પણ વટાણા હોય તે લેવા, ત્યાર બાદ તેને ધોઈને સાફ કરીને 7-8 કલાક પલાળી રાખવા અને ત્યાર બાદ તેમાં હળદર અને મીઠુ નાખીને બાફી લેવા. વટાણા થોડા વધારે જ બાફવા જેથી કરીને ટેસ્ટમાં સારા લાગે.

હવે તેમાં મસાલા ઉમેરવા. તેના માટે તેમાં એક ચમચી ધાણાજીરુ પાઉડર, અરધી ચમચી હળદર, એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચુ, અને સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી દેવું.

તેની સાથે સાથે જ બે મિડિયમ સાઇઝના બાફેલા બટાટા ઠંડા કરીને હાથેથી મસળીને ઉમેરી દેવા. બને ત્યાં સુધી હાથેથી જ મેશ કરવા જેથી કરીને રગડો ખાતી વખતે બટાટાના ટુકડા આવે તો સારું લાગે.

હવે આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવું. અહીં તમે વટાણામાંથી બચેલું પાણી પણ ઉમેરી શકો છો અને જો પાણી ન બચ્યું હોય તો સાદુ પાણી પણ ઉમેરી શકો છો. હવે તેને સરસ મિક્સ કરી લેવું.

અહીં વટાણા અને બટાટા સરખા પ્રમાણમાં જ લેવા. પાણી ઉમેર્યા પછી તેને 5-7 મિનિટ સુધી ઉકળવા દેવું. બરાબર ઉકળી જાય એટલે તેમાં પા ચમચી ગરમ મસાલો ઉમેરવો. તે તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો. ત્યાર બાદ તેને સરસ હલાવી લેવું. તો તૈયાર છે રગડો.

હવે તેને સર્વ કરવા માટે એક પ્લેટમાં બે પાંઉ ના ટુકડા કરીને લઈ લેવા. અહીં તમે તાજા પાંઉ યુઝ કરશો તો સ્વાદ વધારે સારો લાગશે. ટુકડા વધારે નાના ન કરવા થોડા મોટા જ રાખવા. જો પાંઉ ન મળે તો તમે બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો.

હવે આ પાંઉના ટુકડા પર તૈયાર કરેલો રગડો ઉમેરવો. તમે તમને ફાવે તેટલો રગડો ઉમેરી શકો છો.

હવે રગડા પર એક-બે ચમચી ખજૂર આમલીની ચટની ઉમેરવી. તેના પર એક ચમચી લસણની લાલ ચટની ઉમેરવી.

ત્યાર બાદ તેના પર જીણી સમારેલી ડુંગળી, જીણી સેવ, મસાલા સીંગ અને જીણી સમારેલી કોથમીર ભભરાવી દેવા. તો તૈયાર છે રગડા પાંઉ.

રસોઈની રાણીઃ સીમાબેન

રગડા પાંઉ બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *