જો ખાલી ચોળાનું શાક બોરીંગ લાગતું હોય તો બનાવો ચોળા ઢોકળીનું શાક, નાના-મોટાને બધાને ભાવશે

ચોમાસામાં જો તમારે તબિયત સારી રાખવી હોય તો લીલા શાકભાજીની જગ્યાએ કઠોળ ખાવા હિતાવહ છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે ચોમાસામાં લીલા શાકભાજીની ગુણવત્તા શિયાળા જેવી નથી હોતી તેમજ તેમાં જીવાતો પડવાનો પણ ભય રહે છે માટે ચોમાસામાં કઠોળનું સેવન વધારે કરવું જોઈએ. તો તમે જ્યારે ચોળાનું શાક બનાવતા હોવ અને તેમને તે બોરીંગ લાગતું હોય તો તેને ઢોકળી સાથે બનાવવાથી તેનો સ્વાદ બેવડાઈ જશે અને ઘરના સભ્યોને ખાવાની પણ મજા પડશે.

ચોળા ઢોકળીનું શાક બનાવવા માટેની સામગ્રી

1 નાની વાટકી લાલ રંગના ચોળા

2 નાની વાટકી ઘઉંનો રોટલીનો લોટ

¼ નાની વાટકી ચણાનો લોટ

¼ નાની વાટકી મકાઈનો લોટ

1 નાની વાટકી બાજરીનો લોટ

2 મોટી ચમચી ધોઈને જીણી સમારેલી મેથી

1 ચમચી જીણી સમારેલી કોથમીર

½ લાલ મરચૂ પાઉડર

½ ચમચીથી વધારે ધાણાજીરુ, હળદર, હીંગ, ચપટી અજમો, બે ચમચી તલ

સ્વાદ પ્રમાણે ખાંડ

1 લીંબુનો રસ

1 ચમચી દહીં

4-5 ચમચી તેલ મોણ તેમજ વઘાર માટે

વઘાર માટે રાઈ, જીરુ, હીંગ

1 જીણી સમારેલી ડુંગળી

1 જીણું સમારેલું ટામેટુ

1 મોટી ચમચી આદુ-લસણ-મરચાની પેસ્ટ

સ્વાદ પ્રમાણે મીઠુ

સ્વાદ પ્રમાણે ખાંડ

ચોળા ઢોકળીનું શાક બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક નાની વાટકી ચોળા લેવા તેને બે-ત્રણ પાણીએ ધોઈ લેવા. હવે તમે જે કુકરમાં કઠોળ બાફતા હોવ તેમાં ચોળા ઉમેરી દેવા અને તેમાં ચોળા કરતાં ત્રણગણું પાણી ઉમેરવું. તેની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠુ પણ ઉમેરી દેવું. હવે કુકરને બંધ કરીને તેની 5-6 સીટી વગાડી લેવી.

ચોળા બફાઈ છે તે દરમિયાન એક બોલમાં બે નાની વાટકી ઘઉંનો રોટલીનો લોટ, પા નાની વાટકી ચણાનો લોટ, પા નાની વાટકી મકાઈનો લોટ અને એક નાની વાટકી બાજરીનો લોટ ઉમેરવો.

હવે તેમાં મસાલાઓ ઉમેરવા. તેના માટે તેમાં બે મોટી ચમચી ધોઈને જીણી સમારેલી મેથી, એક ચમચી જીણી સમારેલી કોથમીર, ઢોકળી પુરતા સ્વાદ પૂરતું મીઠુ, અરધી લાલ મરચૂ પાઉડર, અરધી ચમચીથી વધારે ધાણાજીરુ, હળદર, હીંગ, ચપટી અજમો હાથમાં મસળીને ઉમેરવો.

તેની સાથે સાથે જ બે ચમચી તલ પણ ઉમેરી દેવા. આ મસાલાની સાથે જ તેમાં એક લીંબુનો રસ ઉમેરી દેવો. અને તમને જોઈતી મીઠાશ પ્રમાણે તેમાં ખાંડ પણ ઉમેરી દેવી. જો તમને મીઠી ઢોકળી ન ભાવતી હોય તો તમે ખાંડ અવોઈડ કરી શકો છો. ત્યાર બાદ તેમાં મોણ માટે બે ચમચી તેલ અને એક ચમચી દહીં ઉમેરવું. અહીં તમે દહીંની જગ્યાએ એક ચમચી તાજી મલાઈ પણ ઉમેરી શકો છો.

હવે બધી જ સામગ્રી બરાબર મસળી લેવી. આવી રીતે મસળતી વખતે મુઠ્ઠી પડવી જોઈએ તેટલું મોણ તો ઢોકળીમાં નાખવું જ જોઈએ.

હવે 7-8 કળી લસણ, 1 ઇંચ આદુનો ટુકડો, 3 લીલા મરચા વાટી લેવા. તેમાંથી અરધા અહીં ઢોકળીમાં ઉમેરી દેવા. અને અરધી પેસ્ટ શાકના વઘાર માટે રાખી મુકવી.

હવે આ મિશ્રણમાં પાણી નાખીને તેનો લોટ બાંધી લેવો. લોટ બહુ કઠણ ન બાંધવો.

પરોઠા જેવો ઢીલો લોટ જ બાંધવો. લોટ બંધાઈ જાય એટલે તેના પર થોડું તેલ લગાવી તેને મસળી લેવો અને તેને ઢાંકીને બાજુ પર મુકી દેવો.

હવે શાક બનાવવા માટે એક કડાઈ લેવી તેમાં ત્રણ-ચાર ચમચી તેલ ઉમેરવું. તેલ આવે એટલે તેમાં રાઈ, જીરુ અને થોડી હીંગ ઉમેરવી અને તેની સાથે સાથે જ એક ડુંગળી જીણી સમારેલી ઉમેરી દેવી.

હવે ડુંગળી વઘારમાં ઉમેર્યા બાદ તરત જ તેમાં લસણ-આદુ-મરચાની અરધી જે પેસ્ટ વધી છે તે ઉમેરી દેવી. અને બધી જ સામગ્રી બરાબર મિક્સ કરી લેવી. હવે પેનને ઢાંકીને ડુંગળીને 1-2 મિનિટ માટે સંતળાવા દેવી પણ તે બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

હવે ડુંગળી સંતળાઈ ગયા બાદ તેમાં એક જીણું સમારેલું ટામેટુ ઉમેરી દેવું. અને તેની સાથે જ અરધી ચમચી હળદર, તીખાશ પ્રમાણે લાલ મરચુ પાઉડર, અરધી ચમચી ધાણાજીરુ અને માત્ર ડુંગળી, ટામેટા પુરતું મીઠુ ઉમેરી દેવું અને બધું બરાબર મિક્સ કરી લેવું.

ફરી તેને થોડીવાર માટે ઢાંકી દેવું. આ દરમિયાન ચોળા બફાઈ ગયા હશે. તેમે જોશો કે ચોળા સરસ પોચા બફાઈ ગયા હશે. ચોળાને બાફવા માટે તેને પલાળવાની જરૂર નથી પડતી પણ જો તમે ચોળા પલાળીને બાફતા હોવ તો બે વ્હિસલ ઓછી વગાડવી.

હવે ઢોકળી માટે બાંધેલા લોટમાંથી અહીં બતાવ્યું છે તે પ્રમાણે વડાને જેમ થેપો તે રીતે ઢોકળીઓ ગોળ-ગોળ થેલી પેવી. નહીં વધારે જાડી નહીં વધારે પાતળી અને સાઇઝ પણ નાની રાખવી. અહીં તમે રેગ્યુલર ઢોકળીની જેમ વણીને તેના ચોસલા કરીને પણ ઉમેરી શકો છો.

હવે ડુંગળી-ટામેટા સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા ચોળા કુકરના પાણી સાથે જ ઉમેરી દેવા.

હવે તેમાં બીજુ એક ગ્લાસ પાણી ઉમેરી દેવું. આ શાક એકદમ રસાવાળુ બનાવવાનું હોય છે.

હવે તેની સાથે સાથે જ થેપેલી ઢોકળીઓ પણ ઉમેરી દેવી. ચોળા ઓલરેડી બાફી લેવામાં આવ્યા છે એટલે શાકને વધારે ઉકાળવાની જરૂર નહીં પડે માટે ચોળાની સાથે સાથે જ ઢોકળીને પણ ઉમેરી દેવી.

ઢોકળીને ચડતાં પાંચ-સાત મિનિટનો સમય લાગશે. માટે તેને તેટલો સમય બરાબર ઉકાળી લેવું. 5-7 મિનિટબાદ તમે જોશો તો ઢોકલી સોફ્ટ થવા લાગી હશે. વચ્ચે વચ્ચે શાકને હલાવતા રહેવું. જેથી કરીને ઢોકળી બરાબર ચડી જાય.

હવે ઢોકળી બરાબર ચડી જાય એટલે શાકમાં એક ચમચી જીણી સમારેલી કોથમીર ઉમેરી દેવી અને શાકને બરાબર હલાવી લેવું. ત્યાર બાદ તેને હજુ 2-3 મિનિટ ઉકાળી લેવું. આ શાકને બનતા 35-45 મિનિટનો સમય લાગે છે.

તો તૈયાર છે ચોળા-ઢોકળીનું નાના-મોટા બધાને ગમે તેવું ચટપટુ શાક. આ શાકને તમે જીરા રાઈસ, બાજરીના રોટલા, રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકો છો. તેની સાથે તમે શેકેલા કે તળેલા ચોખાના પાપડ પણ સર્વ કરી શકો છો.

રસોઈની રાણીઃ નીધી પટેલ

ચોળા ઢોકળીનું શાક બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *