બિન ઉપવાસીને પણ ઉપવાસ કરવાનું મન થાય તેવો ફરાળી હાંડવો બનાવો

હીંદુઓના પવિત્ર શ્રાવણ મહિનામાં ઘણા લોકો માત્ર સોમવારના જ ઉપવાસ કરતા હોય છે પણ કેટલાક લોકો આખો શ્રાવણ માસ એક ટાઈમ ભોજન કરીને કરતા હોય છે. તો આ શ્રાવણ માસમાં સંપૂર્ણ ફરાળી હાંડવો ખાઈ હોંશે હોંશે ઉપવાસ કરો. તો નોંધી લો ફરાળી હાંડવાની રેસીપી.

ફરાળી હાંડવો બનાવવા માટેની સામગ્રી

1 કપ સાના ચોખા

¼ કપ સાબુદાણા

¾ કપ એટલે કે પોણો કપ દહીં

1 કપ જીણી છીણેલી દૂધી

½ કપ જીણું છીણેલુ ગાજર

¼ કપ જીણી સમારેલી કોથમીર

1 ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ

સ્વાદ પ્રમાણે મીઠુ

½ નાની ચમચી હળદર

1 નાની ચમચી ખાંડ

1 મોટી ચમચી તેલ

½ નાની ચમચી ઇનો

વઘાર માટે તેલ, થોડું જીરુ, તલ, મીઠો લીંમડો.

ફરાળી હાંડવો બનાવવા માટેની રીત

ફરાળી હાંડવો બનાવવા માટે સૌ પ્રથમ તો તમારે તેના માટે ફરાળી લોટ બનાવવો પડશે. જેના માટે અહીં એક કપ સામાના ચોખા લેવામાં આવ્યા છે અને પા કપ સાબુદાણા લેવામા આવ્યા છે.

હવે આ બન્નેને મિક્સ કરીને તેને મિક્સરના જારમાં લઈને મિક્સરમાં તેનો બારીક પાવડર બનાવી લેવો. તો તૈયાર છે ફરાળી લોટ

હવે આ ફરાળી લોટમાંથી હાંડવા માટેનું ખીરુ તૈયાર કરી લેવું. જેના માટે પોણો કપ દહીં જોઈશે. એક બોલમાં ફરાળી લોટ લઈ તેમાં આ પોણો કપ દહીં ઉમેરી દેવું. આ દહીં બહુ મોળુ નહીં અને બહુ ખાટું નહીં તેવું લેવું.

હવે તેમાં દહીં ઉમેર્યા બાદ અરધો કપ પાણી ઉમેરી દેવું. પાણી નોર્મલ લેવાનું છે ઠંડુ કે ગરમ નથી લેવાનું.

હવે દહીંને લોટ સાથે બરાબર હલાવીને મિક્સ કરી લેવું. આ બેટરને ઘાટુ જ રાખવાનું છે કારણ કે તેને આથો લાવવા માટે મુકવામાં આવશે ત્યારે તેમાંથી પાણી છુટ્ટુ પડશે અને તે આપોઆપ પાતળુ થશે. આ ઉપરાંત હાલ તેમાં મીઠુ પણ નથી ઉમેરવાનું. મીઠુ આથો આવવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે.

હવે ખીરુ તૈયાર થઈ ગયું છે. તેને ઢાંકી દેવું અને 4-5 કલાક માટે આથો આવવા માટે કોઈ હુંફાળી જગ્યાએ મુકી દેવું.

4-5 કલાક બાદ ખીરામાં આથો આવી ગયો હશે. હવે તેમાં બાકીના મસાલા કરી લેવા. તેમજ વેજીટેબલ્સ નાખી દેવા તેના માટે સૌપ્રથમ એક કપ જીણી છીણેલી દૂધી, અરધો કપ જીણું છીણેલુ ગાજર, પા કપ જીણી સમારેલી કોથમીર ઉમેરવી.

તેની સાથે સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અરધી નાની ચમચી હળદર, એક ચમચી આદુ-મરચાની પેસ્ટડ, એક નાની ચમચી ખાંડ, એક મોટી ચમચી તેલ ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું. અહીં તમે જો ઉપવાસમાં હળદર ન ખાતા હોવ તો ન નાખવી અને ખાંડ પણ ઓપ્શનલ છે.

હવે હાંડવા માટે ખીરુ તૈયાર થઈ ગયું છે. હવે હાંડવો બનાવવા માટે એક નાનો બોલ લેવો તેમાં તમારે જેટલો હાંડવો બનાવવો છે તેટલું ખીરુ લેવું.

આ અલગ કાઢેલા હાંડવાના ખીરામાં તમારે અરધી નાની ચમચી ઇનો ઉમેરવું. અને તેને એક જ દીશામાં હલાવી બરાબર મિક્સ કરી લેવું.

હવે પેનને ગરમ કરવા મુકી દેવું. તેમાં એક ટેબલ સ્પૂન તેલ ઉમરવું, તેલ ગરમ થઈ જાય એટલે તેમાં થોડું જીરુ, થોડો મીઠો લીંમડો, તલ ઉમેરી દેવા.

હવે આ વઘારમાં ઇનો વાળુ જે બેટર તૈયાર કરવામા આવ્યું છે તે ઉમેરી દેવું. હવે તેના પર થોડા તલ છાંટી દેવા. જેથી કરીને તેનો લૂક સરસ આવે.

હવે પેનને ઢાંકી દેવું. અને તેને 5-7 મીનીટ માટે ચડવા દેવું. અહીં જેટલા પ્રમાણમાં લોટમાંથી ખીરુ બનાવવામાં આવ્યું છે તેમાંથી ત્રણ મીડીયમ સાઇઝના હાંડવાના રોટલા તૈયાર થઈ શકે છે. અને જો તમે મોટા બનાવશો તો બે બનશે. માટે તમારી જરૂરિયાત પ્રમાણે તમે કોન્ટીટી વધારી ઘટાડી શકો છો.

5-7 મિનિટ બાદ જોશો તો હાંડવો સરસ મજાનો ફુલી ગયો હશે અને પચ્ચાસ ટકા જેટલો ચડી પણ ગયો હશે. હવે તેની બાજુ પલટાવતા પહેલાં તેના પર થોડું તેલ રેડી દેવું. જેથી કરીને બીજી બાજુ પલટીએ એટલે સરસ રીતે શેકાઈ જાય.

હવે એક બાજુ બરાબર શેકાઈ જાય એટલે તેની બીજી બાજુ શેકાવા માટે તેને પલટાવી લેવો. ફરી તેને 4-5 મીનીટ માટે ઢાંકીને શેકી લેવો.

5-6 મીનીટ બાદ તમે જોશો તો હાંડવો બન્ને બાજુથી સરસ રીતે શેકાઈ ગયો હશે. હવે તેને પેનમાંથી પ્લેટ પર લઈ લેવો.

તો તૈયાર છે ફરાળી હાંડવો. તેને તમે લીલી ચટની સોસ કે પછી દહીં જોડે સર્વ કરી શકો છો.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

ફરાળી હાંડવો બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *