સાઉથ ઇન્ડિયન ચટનીઝ (South Indian Chautneys) – ત્રણ અલગ અલગ પ્રકારની યમ્મી ચટણી….

સાઉથ ઇન્ડિયન ચટનીઝ (South Indian Chautneys)

કોઈ પણ સાઉથ ઇન્ડિયન ફૂડ જેના વગર અધૂરું લાગે એ છે ત્યાંની ભાતભાતની ચટણીઓ….એક અલગ જ યુનીક ટેસ્ટ ઉમેરાય છે ચટણીઓ સાથે… લીલું કોપરું, આંબલી, અડદ-ચણાની દાળ, સૂકા મરચાં, મીઠા લીમડાનાં પાન… આ બધી મુખ્ય સામગ્રી સાથે બનતી હોય છે…

અહીં મેં બનાવી છે… કારા ચટણી…જે એમ જ ઇડલી,ઢોંસા,ઉત્તપમ વગેરેની સાથે અને મૈસુર મસાલા ઢોંસા માં પણ જાય છે. બીજી છે નીલગીરી ફુદીનાની ચટણી….એમ જ ખાવાની સાથે નીલગીરી ઢોંસા માં માં પણ જાય છે.. ત્રીજી છે બહુ જ મુખ્ય ને કોમન એવી કોપરાની સફેદ ચટણી… અને ચોથી છે…લીલા કોપરાની મીઠી ચટણી, જે મેં ફક્ત હૈદરાબાદ માં ખાધેલી છે…બીજે ક્યાંય જોઈ નથી….પણ મને પસંદ છે તો ઘરે બનાવી છે…

૩૦-૪૦ મિનિટ, ૩-૪ વ્યક્તિ માટે,

ઘટકો:

🔹️(કારા ચટણી માટે)

  • • ૧ નંગ મિડિયમ સાઇઝ ડુંગળી
  • • ૧ નંગ મોટું ટામેટું
  • • ૮-૧૦ કળી લસણ
  • • ૨ ટુકડા પલાળેલી આંબલી
  • • ૩-૪ નંગ સૂકા લાલ મરચા
  • • ૧ ટેબલ સ્પૂન અડદની દાળ
  • • ૧ ટેબલ સ્પૂન ચણાની દાળ
  • • ૧ ટેબલ સ્પૂન તેલ
  • • ૧ ટીસ્પૂન રાઇ
  • • થોડા મીઠા લીમડાનાં પાન
  • • ચપટી હીંગ
  • • સ્વાદાનુસાર મીઠું

🔹️(નીલગીરી ફુદીનાની ચટણી માટે)

  • • ૫૦ ગ્રામ ફુદીનાના પાન
  • • ૫૦ ગ્રામ કોથમીર
  • • ૩ નંગ લીલા મરચાં
  • • ૧ ટેબલ સ્પૂન શીંગદાણા
  • • ૧ ટીસ્પૂન જીરુ
  • • ૧ ચમચી લીંબુનો રસ
  • • સ્વાદાનુસાર મીઠું

🔹️(કોપરાની સફેદ ચટણી માટે)

  • • ૧/૨ કપ લીલું નારિયેળ
  • • ૨ ટેબલ સ્પૂન દહીં
  • • ૧ ટેબલ સ્પૂન ચણાની દાળ
  • • ૨ ટુકડા પલાળેલી આંબલી
  • • થોડા મીઠા લીમડાનાં પાન
  • • ૧ ટીસ્પૂન તેલ
  • • ૧ ટીસ્પૂન રાઇ
  • • ચપટી હીંગ
  • • ૨ નંગ લીલા મરચાં
  • • સ્વાદાનુસાર મીઠું

🔹️(લીલા કોપરાની મીઠી ચટણી માટે)

  • • ૧/૨ કપ લીલું નારિયેળ
  • • ૨ ટેબલ સ્પૂન દળેલી ખાંડ
  • • ચપટી મીઠું
  • • ૨ ચમચી પાણી

રીત:

➡️કારા ચટણી માટે, ડુંગળી, ટામેટા, લસણ ને ઝીણું સમારી લો. એક કઢાઇમાં તેલ ગરમ કરી રાઇ,હીંગ, મીઠા લીમડાનાં પાન નો વઘાર કરો. તેમાં અડદની દાળ, ચણાની દાળ,સૂકા લાલ મરચા નાખી સાંતળો. એ પછી ડુંગળી, લસણ, ટામેટા નાખી.ટામેટા ગળી જાય ત્યાં સુધી સાંતળો.

પછી ઠંડું પડે એટલે મિક્સી બાઉલમાં લઇ આંબલી અને મીઠું નાખી પીસીને પેસ્ટ બનાવી લો. ઉપરથી તેલ, રાઇ,હીંગ, મીઠા લીમડાનાં પાન અને લાલ મરચા પાવડરનો વઘાર રેડો. કારા ચટણી તૈયાર છે.

➡️નીલગીરી ફુદીનાની ચટણી માટે, ફુદીનાના પાન, કોથમીર અને લીલા મરચાં ને બરાબર ધોઇ લો. મિક્સી બાઉલમાં પહેલા શીંગદાણા અને જીરાને પીસી લો. પછી તેમાં ફુદીનો, કોથમીર, લીલા મરચાં, મીઠું અને લીંબુનો રસ ઉમેરી ફરીથી પેસ્ટ જેવું પીસી લો. નીલગીરી ફુદીનાની ચટણી તૈયાર છે.

➡️કોપરાની સફેદ ચટણી માટે, લીલા નારિયેળને મિક્સરમાં વાટી લો. એક કઢાઇમાં વઘારનુ તેલ ગરમ કરી રાઇ, હીંગ, મીઠા લીમડાનાં પાન નો વઘાર કરો. તેમાં ચણાની દાળ અને લીલું મરચું નાખી સાંતળો.

ઠંડું પડે એટલે મિક્સી બાઉલમાં પીસેલા નારિયેળમાં ઉમેરી દો. તેમાં દહીં, મીઠું, આંબલી નાખી પેસ્ટ જેવું પીસી લો. અંદર વઘાર છે જ પણ પસંદ હોય તો ઉપર પણ વઘાર રેડો…કોપરાની સફેદ ચટણી તૈયાર છે

➡️લીલા કોપરાની મીઠી ચટણી માટે, મિક્સી બાઉલમાં લીલું નારિયેળ પીસી લો. તેમાં દળેલી ખાંડ,પાણી, મીઠું નાખી ફરી પેસ્ટ જેવું પીસી લો…મીઠી ચટણી તૈયાર છે.

➡️કોઇપણ સાઉથ ઇન્ડિયન ફૂડ જેમ કે ઇડલી, ઢોંસા, અપ્પમ, ઉત્તપમ વગેરે સાથે આ બધી ચટણી બહુ જ સરસ લાગે છે.

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *