મિક્સ કઠોળની ભેળ – ઝીરો ઓઇલ કુકીંગ સાથે બનાવો આ રેસિપી, સ્વસ્થ સાથે ટેસ્ટી પણ એટલી જ બને છે…

મિક્સ કઠોળની ભેળ (Sprouts Bhel)

આજે હું અહીં બહુ જ ટેસ્ટી અને સાથે બહુ જ હેલ્ધી તેવી અલગ જ પ્રકારની ભેળની રેસીપી લઇને આવી છું. ઝીરો ઓઇલ કુકીંગ મારા માટે પસંદગીનો વિષય છે…

નો ઓઇલ રેસીપીમાં આજે હું મારી બહુ જ ગમતી અને ઘણીવાર બનાવી ચૂકેલી સ્પ્રાઉટ્સ ભેળની રેસીપી શેર કરી રહી છું… જે 100% નો ઓઇલ ડાયટ રેસીપી છે. બહુ જ પૌષ્ટિક અને પ્રોટીનપેક મીલ કહી શકાય. તમે રૂટીન ભાણું સ્કીપ કરી લંચ કે ડિનરમાં લઇ શકો કે હેવી બ્રેકફાસ્ટ તરીકે પણ…. અહીં મેં પલાળીને બાફેલા મિક્સ કઠોળ લીધા છે. પણ જો પૂરતો સમય હોય અને પૂર્વતૈયારી સાથે બનાવતા હો તો આ જ કઠોળને ફણગાવીને રાંધવા. તો રેસીપીના ન્યુટ્રીયન્ટ્સ બમણા થઇ જશે…

સમય: 1 કલાક, સર્વિંગ: 3 વ્યક્તિ

ઘટકો:

• 1/2 કપ મગ
• 1/4 કપ મઠ
• 1/2 કપ દેશી ચણા
• 1/2 કપ રાજમા
• 1/4 કપ શીંગદાણા
• 1/2 કપ લીલી ચટણી
• 1/2 કપ ખજૂર-આમલી ની ચટણી
• 1/4 કપ લસણ મરચાની લાલ ચટણી
• 2 મિડિયમ ડુંગળી
• 2 મિડિયમ ટામેટાં
• 2 મિડિયમ બટાકા
• 1 નાની કાચી કેરી
• 2 લીંબુ
• 1 દાડમ
• 2-3 લીલા મરચાં
• 1/4 કપ સમારેલી કોથમીર
• 1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
• 1 ટીસ્પૂન ચાટ મસાલો
• 1/4 કપ ઝીણી સેવ
• 1/4 કપ તીખી બૂંદી(મમરી)

1️⃣સૌથી પહેલા મગ અને મઠને ધોઇને ડૂબે તેનાથી બમણું પાણી ઉમેરી 6-8 કલાક માટે પલાળી લેવા. તે જ રીતે બીજા બાઉલમાં ચણા અને રાજમાને ધોઇને ડૂબે તેનાથી બમણું પાણી ઉમેરી 6-8 કલાક માટે પલાળી લેવા. બધા કઠોળ ભેગા ના પલાળવા. કારણ કે ચણા અને રાજમાને બફાતા વધારે સમય લાગે છે. જ્યારે મગ અને મઠ પલળેલા હોવાથી એક વ્હીસલમાં 3-4 મિનિટમાં બફાઇ જશે. બનાવવું હોય તેનાથી 12 કલાક પહેલા પલાળી લેવા.

2️⃣8 કલાક પછી મગ-મઠ માંથી પાણી કાઢી, કુકરમાં લેવા. તેમાં બહુ જ થોડું ઉપર ના દેખાય તેટલું નવું પાણી ઉમેરવું. મીઠું નાખવું. તેના પર નાની વાડકી માં શીંગદાણા મૂકી પાણી અને મીઠું નાખી વાડકી ઢાંકી લેવી. 1 વ્હીસલ આવે ત્યાં સુધી 3-4 મિનિટ માટે જ બાફવા. પલળેલા હોવાથી મગ-મઠ ખૂબ જ જલ્દીથી બફાઇ જશે. દાણા ચડી જવા જોઈએ પણ ગળી ના જાય તેનું ધ્યાન રાખવું.

3️⃣તે જ રીતે 8 કલાક પછી ચણા-રાજમા માંથી પાણી કાઢી, કુકરમાં લેવા. તેમાં ડૂબે તેનાથી વધારે નવું પાણી ઉમેરી, મીઠું નાખી, 3-4 વ્હીસલ સુધી મિડિયમ તાપે 10-15 મિનિટ માટે બાફી લેવા. દાણા ચડી જવા જોઈએ પણ ગળી ના જાય તેનું ધ્યાન રાખવું. બાફેલા કઠોળને 1-2 કલાક માટે ઠંડુ થવા દેવું.

4️⃣બટાકાને પણ અલગથી બાફી લેવા. હવે ડુંગળી, ટામેટાં, બાફેલા બટાકા, કાચી કેરી, લીલા મરચાં ને અલગ-અલગ બાઉલમાં ઝીણાં સમારી લેવા. લીંબુનો રસ કાઢી લેવો. દાડમનાં દાણા પણ કાઢી લેવા.

5️⃣ત્રણ પ્રકારની ચટણી તૈયાર રાખવી. હવે એસેમ્બલ કરવા માટે એક મોટા બાઉલમાં 3 મોટી ચમચી મગ-મઠ, 3 મોટી ચમચી ચણા-રાજમા, 1 ચમચી શીંગદાણા લેવા. તેમાં સમારેલા બધા સલાડ 1-1 ચમચી ઉમેરવા.

6️⃣બધું મિક્સ કરી ઉપરથી લીંબુનો રસ, લાલ મરચું, ચાટ મસાલો અને કોથમીર નાખી હલાવી મિક્સ કરી લેવું. પછી તેને પ્લેટમાં સર્વ કરી ઉપર બધી ચટણી, સેવ, મમરી પાથરવી. બધું સરસ મિક્સ કરી ભેળની મજા લેવી.

7️⃣આ ભેળમાં કાચી કેરી અને લીંબુનો રસ બહુ જ મસ્ત લાગે છે. જો મીઠાશ ના પસંદ હોય તો ખજૂર-આમલીની ચટણી ના ઉમેરવી. તો તૈયાર છે બહુ જ ચટપટી, અને હેલ્ધી એવી સ્પ્રાઉટ્સ ભેળ…

રસોઈની રાણી : પલક શેઠ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *