સ્વાદિષ્ટ છુટ્ટી લાપસી બનાવવાની પર્ફેક્ટ રીત, પહેલીવાર બનાવવાના હોવ તો ખાસ જાણો…

સ્વાદિષ્ટ છુટ્ટી લાપસી બનાવવાની પર્ફેક્ટ રીત.


લાપસી આપણે ઘરે અવારનવાર બનાવીએ છીએ. મોટે ભાગે લાપસી ઘરમાં ધાર્મિક પ્રસંગે વધારે બનાવવામાં આ છે. જેમ કે નવરાત્રીમાં નિવેદ કરવામાં આવ્યા હોય ત્યારે માતાજીને ધરવા માટે લાપસી બનાવવામાં આવતી હોય છે. પણ ક્યારેક ક્યારેક લાપસી બનાવવામાં ક્યાંક ભૂલ થઈ જાય છે અને લાપસી બગડી જાય છે. ક્યારેક પાણી વધારે પડી જાય છે તો લાપસીની જગ્યાએ શીરો બની જાય છે તો ક્યારેક પાણી ઓછું પડી જાય તો લાપસી ખુબ જ કોરી બની જાય છે. પણ આજની આ પોસ્ટમાં અમે તમારા માટે પર્ફેક્ટ લાપસી કેવી રીતે બનાવવી તેની સચોટ રેસીપી લાવ્યા છીએ.

સામગ્રી


1 વાટકી ઘઉંનો લાડવાનો લોટ (ભાખરીના લોટ કરતાં જાડો લોટ)

¾ વાટકી પાણી

½ વાટકી ગોળ

¼ વાટકીથી થોડું વધારે ઘી

લાપસી બનાવવાની રીત


સૌ પ્રથમ તો ગોળને જીણો જીણો સમારી લેવો જેથી કરીને તે પાણીમાં ઝડપથી ઓગળી જાય. અહીં તમે જો વધારે ગળ્યું ખાતા હોવ તો ગોળનો એકાદો ગાંગડો વધારે એડ કરી શકો છો.


હવે એક પેન લો તેમાં ઉપર જણાવેલા માપ મુજબ પાણી ગરમ થવા મુકી દો.

પાણીનું માપ ચોક્કસ રાખવું ખુબ જરૂરી છે. જો પાણીના માપમાં આઘુપાછું થશે તો લાપસી બગડી શકે છે. જેમ કે જો વધારે પાણી પડી જશે તો લાપસી શીરા જેવી બની જશે અને જો ઓછું પાણી નાખવામાં આવશે તો તેમાં પણ મજા નહીં પડે. ટુંકમાં પાણીના માપ પર જ પર્ફેક્ટ લાપસી બનવાનો આધાર રહેલો છે.


હવે પાણીને ઉકળવા મુકી દેવું. પાણી ઉકળી જાય એટલે તેમાં ગોળ નાખી દેવો અને ગોળને હલાવી હલાવીને ઓગાળવો.


ગોળ ઓગળી ગયા બાદ તેમાં પા વાટકીથી થોડું વધારે ઘી ઉમેરી દેવું. ઘણા લોકો અહીં તેલ એડ કરતા હોય છે. પણ મિષ્ઠાનમાં જ્યાં સુધી ઘીનો ઉપયોગ થાય તો તે વધારે સ્વાદિષ્ટ લાગે છે. આ ઉપરાંત આપણે પ્રસાદ ધરાવવાના હોઈએ તો તે ઘીથી બનેલો હોય તે જ બરાબર છે.


હવે તેમાં ધીમે ધીમે લોટ એડ કરી કરી હલાવતા રહેવું. તેને વેલણથી પણ મિક્સ કરી શકો છો અને લાકડાના તાવેતાથી પણ હલાવી શકો છો. એ વાતનું ધ્યાન રાખવું કે લોટ બરાબર મિક્સ થઈ જાય.


ગોળવાળું પાણી ખુબ જ ગરમ હોવાથી તે લોટ સંપૂર્ણ શેકાઈ જશે. માટે તે કાચો રહેવાની ચિંતા નહીં રહે. ઘણા લોકો શેકેલો લોટ લાપેસી બનાવતી વખતે વાપરે છે પણ તેમ કરવાની કોઈ જરૂર નથી કારણ કે અહીં લાપસીના લોટને ચડવા માટે પુરતો સમય આપવામાં આવે છે.


લોટ બરાબર મિક્સ થઈ ગયા બાદ. તે જ ગેસ પર તમે જેમા લોટ ગરમ કરી રહ્યા છો તે વાસણની નીચે તાવડી મુકી દેવી એટલે કે તમારા લોટના પેન અને ગેસ વચ્ચે તાવડી મુકવી જેથી કરીને ગેસની સીધી જ ફ્લેમ લાપસીના વાસણને ન અડે અને ધીમા તાપે લાપસી બળ્યા વગર ધીમે ધીમે ચડ્યા કરે. અને લાપસીના પાત્રને ઢાંકીને લાપસી ચડવા દેવી.


આ દરમિયાન તમારે થોડી થોડી વારે ઢાકણું ખોલી ખોલીને લાપસી હલાવતા રહેવી જેથી કરીને તે દાજી ન જાય તે બાબત પર ધ્યાન રહે. 3-4 મિનિટ તેમ કર્યા બાદ તમે જોશો કે લાપસી બરાબર ચડી ગઈ હશે.


હવે ગેસ બંધ કરી દેવો. અને તૈયાર થયેલી લાપસીને નાની થાળીમાં પાથરી દેવી. અને તેના પર 1-2 ચમચી ઘી રેડી દેવું. જો તમે ગળ્યાના શોખીન હોવ અથવા તમને લાપસી થોડી ઓછી ગળી લાગતી હોય તો તમે ઉપરથી દળેલી ખાંડ કે સાકર ભભરાવી શકો છો. અથવા તો શરૂઆતમાં અહીં જે ગોળ લેવામાં આવ્યો છે તેનું થોડું પ્રમાણ એટલે કે ગોળનો એકાદો ગાંગડો વધારે એડ કરી શકો છો.

તો તૈયાર છે સ્વાદિષ્ટ છુટ્ટી લાપસી.

સૌજન્ય : ફૂડ ગણેશા (યુટ્યુબ ચેનલ)

લાપસી બનાવવા માટેની વિગતવાર રેસીપી શીખો વિડીઓ જોઇને…

Join the discussion

Your email address will not be published. Required fields are marked *