ચટપટ્ટી ટમેટાંની ચટણી જે કોઈપણ વાનગી સાથે ઈમલીની ચટણીના ઓપ્શનમાં ખાઈ શકાય…

મિત્રો, ગુજરાતીઓ અવનવા ફરસાણ તેમજ ચટપટ્ટા નાસ્તાના ખુબજ શોખીન છે. સાથે જાત-જાતની ચટણીઓ પણ હોંશે-હોંશે ખાય છે. ચટણી, ફરસાણ – નાસ્તાને અલગ ટેસ્ટ આપીને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ચટણી વગર ગુજરાતી ડીશ અધૂરી છે. ગુજરાતમાં આમલીની ચટણી પોપ્યુલર છે, પણ ઘણા લોકો કોઈ ને કોઈ કારણસર આમલીની ચટણી ખાઈ શકતા નથી. માટે આજે હું એવી ચટણીની રેસિપી શેર કરવા જઈ રહી છું જે ખુબજ સ્વાદિષ્ટ તેમજ ખાટી-મીઠી છે અને આમલીની ચટણીની ગરજ સારે છે. જે ખુબજ સરળતાથી તેમજ ઓછા સમયમાં બનાવી શકાય છે. તેમજ રસોડામાં હાજર ઇન્ગ્રેડિયન્ટ્સ માંથી બનાવી શકાય છે. તો ચાલો બનાવીયે ” ટમેટાની મજેદાર ચટણી ”

સામગ્રી :

* 4 નંગ ટમેટા (2 ગોળ ટમેટાં ખટાશ માટે અને 2 લાંબા ટમેટા થીક્નેસ માટે )

* 2 ટેબલ સ્પૂન ગોળ

* 1/4 ટેબલ સ્પૂન હળદર

* 1/4 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર

* 1/4 ટેબલ સ્પૂન ધાણાજીરું

* ચપટી હિંગ

* ચપટી રાઈ-જીરું

* મીઠું સ્વાદ અનુસાર

* 1 ટેબલ સ્પૂન તેલ

* વઘાર માટે સૂકો મસાલો (તજ, તમાલપત્ર, સૂકા મરચા )

* કોથમીર

તૈયારી :

ટમેટાને કૂકરમાં 2 સીટી કરી, છાલ ઉતારી પેસ્ટ બનાવી લો.

કોથમીરને બારીક સમારી લો.

રીત :

1) સૌ પ્રથમ પેનમાં એક ટેબલ સ્પૂન તેલ લો.

2) તેલ ગરમ થાય પછી તેમાં રાઈ-જીરું, તજ, તમાલપત્ર, સૂકું મરચું અને હિંગ પાવડર નાખો.

3) ત્યારપછી તેમાં 150 મિલી જેટલું પાણી નાખો. પાણી નાખવાથી તેલના છાંટા ઉડે છે માટે અડધું ઢાંકણ ઢાંકીને જ પાણી નાખવું. હવે સ્ટવની ફ્લેમ વધારવી. તેમાં હળદર, લાલ મરચું તેમજ મીઠું નાખી બરાબર મિક્સ કરો અને ઉકાળવા દો.

4) બધું જ બરાબર ઉકળી જાય એટલે ગોળ ઉમેરો.

5) થોડીવાર ઉકળ્યા બાદ ટમેટાની પેસ્ટ ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવા દો.

6) તૈયાર છે ટમેટાની મજેદાર ચટણી તેને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

સરસ બને છે, હું બનાવું છું, તમે પણ બનાવજો ટમેટાની મજેદાર ચટણી.

ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે આપણે ગોળ લીધેલ છે જેથી ઠંડી પડતા ચટણી ઘટ્ટ થાય છે. ચટણી જેટલી ઘટ્ટ બનાવવી હોય એ પ્રમાણે પાણી વધ-ઘટ કરી શકાય.

આપણે વઘારમાં તજ, તમાલપત્ર લીધેલ છે જે ચટણીને સ્વાદિષ્ટ તેમજ સુગંધ આપે છે, તેથી ગરમ મસાલો નાખેલ નથી પણ ગરમ મસાલો પસંદ હોય તો નાખી શકાય.

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

રસોઈની રાણી : અલ્કા સોરઠિયા (રાજકોટ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *