તમે ક્યારેય આ રીતે ચુરમાના લાડુ નહીં બનાવ્યા હોય ! આ ગણેશ ચતુર્થીએ બનાવો ચુરમાના પર્ફેક્ટ લાડુ

ગણપતિ બાપ્પાની પધરામણી થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જો તમે પણ ઘરે ગણપતિ લાવતા હોવ અથવા ગણેશોત્સવ દરમિયાન ગણપતિની પુજા અર્ચના કરતા હોવ અને પ્રસાદ ધરતા હોવ તો ચુરમાના લાડુ સિવાય બીજો કોઈ ઉત્તમ પ્રસાદ ગણપતિ દાદા માટે હોઈ જ ન શકે. તો બનાવો દુંદાળા શ્રીગણેશ માટે ઘીથી લથબથ ચુરમાના પર્ફેક્ટ લાડુ.

 

ચુરમાના લાડુ બનાવવા માટેની સામગ્રી

½ કપ બેસન (ચણાનો જીણો લોટ)

ત્રણ ટેબલ સ્પૂન સોજી.

ડોઢ કપ ઘઉંનો જાડો લોટ

4 ટેબલ સ્પૂન ઘી ઉમેરવું.

½ કપ હુંફાળુ દૂધ

¼ કપ કાજુના ટુકડા

2 ટેબલ સ્પૂન કીશમીશ

¼ કપ બદામના ટુકડા,

1 કપ ઘી

1 ચમચી ઇલાઈચી પાઉડર

½ નાની ચમચી જાયફળનો પાઉડર

½ નાની ચમચી જાવંત્રી પાઉડર

1 ¼ ટી સ્પૂન દૂધ

ચુરમાના લાડુ બનાવવા માટેની રીત

ચુરમાના લાડુ બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સિંગ બોલમાં અરધો કપ ચણાનો લોટ એટલે કે બેસન લેવું. તેમાં એક ટેબલ સ્પૂન ઘી લેવું અને અરધો ટેબલ સ્પૂન દૂધ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી દેવું.

મિક્સ કરી દીધા બાદ તેને આ રીતે ધાબો દઈ દેવો. અને તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપવા બાજુ પર મુકી દેવું.

પાંચ મિનિટ બાદ ઘીના મોણવાળા ચણાના લોટને ચાળવાનો છે. તેના માટે એક મોટી પ્લેટ લેવી તેના પર ચારણીને ઉંધી મુકવી અને તેમાંથી હાથેથી ઘસીને ચણાના મોણવાળા લોટને ચાળવો. અહીં બતાવ્યું છે તે પ્રમાણે.

બધા જ ચણાના લોટને આ રીતે હળવા હાથે ચારણી પર ઘસીને ચાળી લેવો. અહીં તમે જોશો ચણાનો લોટ સરસ દાણાદાર થઈ ગયો છે.

હવે આ ચાળેલા લોટને શેકી લેવાનો છે. તેના માટે એક પેન લેવું. તેમાં બે ટેબલ સ્પૂન ઘી લેવું. અને તેમાં આ ચાળેલો ચણાનો લોટ ઉમેરી દેવો.

હવે તેને ધીમી આંચ પર શેકી લેવો. લોટ લાઇટ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકવો. આ પ્રોસેસ ચૂકવી નહીં અને ચણાનો લોટ પણ જરૂરથી લાડવા બનાવવા માટે ઉપયોગમાં લેવો જ. આ પ્રોસેસથી જ ચુરમાના લાડુ સ્વાદિષ્ટ તેમજ અન્ય કરતાં અલગ બને છે હવે લોટ શેકાઈ ગયા બાદ તેને એક બોલમાં કાઢી લેવો અને તેને બાજુ પર મુકી દેવો.

હવે એક મોટો બોલ લેવો તેમાં ત્રણ ટેબલ સ્પૂન સોજી. ડોઢ કપ ઘઉંનો જાડો લોટ અને તેમાં ત્રણ ટેબલ સ્પૂન ઘી ઉમેરવું. હવે આ બધી જ સામગ્રીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવી. લાડવા સોફ્ટ બનાવવા માટે આ લોટને બરાબર મિક્સ કરવો જરૂરી છે.

હવે ઘી મિક્સ કરી લીધા બાદ તેમાં ધીમે ધીમે કરીને અરધો કપ હુંફાળુ દૂધ લઈ ઉમેરીને તેનો લોટ બાંધી લેવો. અહીં લોટને સંપૂર્ણ રીતે બાંધવામાં નથી આવ્યો પણ તેના મૂઠીયા બનાવી શકાય તેટલી કન્સીસ્ટન્સી રાખવામાં આવી છે અહીં બતાવ્યું છે તે પ્રમાણે.

હવે લોટમાં ઘી તેમજ દૂધ મિક્સ કરી લીધા બાદ તેમાંથી અહીં બતાવ્યું છે તે પ્રમાણે મુઠિયા વાળી લેવા. અહીં બતાવ્યું છે તેમ ખાડાવાળા મૂઠિયા જ બનાવવા. તેમ કરવાથી મુઠિયા અંદરથી કાચા નહીં રહે પણ વ્યવસ્થિત તળાઈ જશે.

આવી જ રીતે તૈયાર કરેલા લોટમાંથી બધા જ મુઠિયા વાળી લેવા.

હવે મુઠિયા તૈયાર કરી લીધા બાદ. ગેસ પર કડાઈ મુકીને તેમાં ઘી ગરમ કરવા મુકી દેવું. ઘી ગરમ થાય એટલે તેમાં બધા જ મુઠિયા તળી લેવા.

મુઠિયા લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. વચ્ચે વચ્ચે હલાવતા રહેવા. ગેસ મિડિયમ રાખવો. ઘી તેલ કરતાં થોડું વધારે જલદી ગરમ થઈ જાય છે એટલે તેનુ પણ ધ્યાન રાખવું. આવી જ રીતે બધા મુઠિયા તળી લેવા.

હવે મુઠિયાને 10-15 મિનિટ સુધી નોર્મલ ટેમ્પ્રેચર પર આવવા દેવા. જેથી કરીને તેના ટુકડા કરીને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી શકાય. મુઠિયા ઠંડા પડે એટલે તેના નાના ટુકડા કરી લેવા.

હવે મુઠિયાના આ નાના ટુકડાને મિક્સરના જારમાં દળી લેવા. તમે જુઓ છો કે સરસ મજાના મુઠિયા દળાઈ ગયા છે. લાડવાનો લોટ એકદમ દાણાદાર થઈ ગયો છે. તેને એક મોટા મિક્સિંગ બોલમાં કાઢી લેવો.

હવે આ લોટમાં ¼ કપ કાજુના ટુકડા, 2 ટેબલ સ્પૂન કીશમીશ, ¼ કપ બદામના ટુકડા, શેકેલો ચણાનો લોટ ઉમેરવો.

હવે તેમાં સવા કપ બુરુ ખાંડ નાખીને તેને વ્યવસ્થિત મિક્સ કરી લેવું. જો તમારી પાસે બુરુ ન હોય તો તમે ઘરે દળેલી ખાંડનો ઉપયોગ કરી શકો છો. હવે આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી.

બધી જ સામગ્રી બરાબર મિક્સ કરી લીધા બાદ આ મિશ્રણમાં એક કપ ઘી ઉમેરવું. ઘીને હળવું ગરમ કરીને જ યુઝ કરવું. થીજેલુ ઘી યુઝ ન કરવું. હવે તેને પણ તેમાં બરાબર હલાવીને મિક્સ કરી લેવું.

હવે ઘી મિક્સ કરી લીધા બાદ તેમાં એક ચમચી ઇલાઈચી પાઉડર, અરધી નાની ચમચી જાયફળનો પાઉડર અને અરધી નાની ચમચી જાવંત્રી પાઉડર ઉમેરી દેવો. અને આ બધી જ સામગ્રીને તેમાં બરાબર મિક્સ કરી લેવી.

હવે તેમાં સારા બાંઇન્ડ માટે એટલે કે લાડવા સરસ વળે તે માટે તેમાં નાની સવા ચમચી દૂધ ઉમેરવામાં આવ્યું છે. તમારે ન નાખવું હોય તો તમે દૂધને સ્કિપ કરી શકો છો. પણ જો લાડવા વાળવામાં તકલીફ થતી હોય અને લાડવા જલદી ખવાઈ જવાના હોય તો દૂધનો ઉપયોગ કરી શકાય. તેને પણ બરાબર મિક્સ કરી લેવું.

હવે મિડિયમ સાઇઝના લાડવા વાળી લેવા. અહીં બતાવ્યું છે તેવા લાડવા વાળવા. હવે લાડવો વળી ગયા બાદ તેના પર થોડી ખસખસ લગાવી લેવી.

તો તૈયાર છે દુંદાળા શ્રીગણેશ માટે ચુરમાના લાડુ. તો ગણેશ ચતુર્થિના દિવસે ગણપતિનું સ્વાગત કરો તેમના પ્રિય ચુરમાના લાડુથી.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

ચુરમાના લાડુ બનાવવા માટે વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *