મેંગો મલાઈ કુલ્ફી – મીઠી મીઠી કેરી ની સ્વાદ જ્યારે ક્રીમી કુલ્ફી માં ભળે તો કહેવાનું જ શું, મોઢામાં પૂર આવી ગયું…

ઉનાળા માં ઠંડી ઠંડી કુલ્ફી ખાવાની માજા જ કંઈક ઔર છે. મીઠી મીઠી કેરી ની સ્વાદ જ્યારે ક્રીમી કુલ્ફી માં ભળે તો કહેવાનું જ શુ… કુલ્ફી બનાવવાની ઘણી રીતે છે. આપ દૂધની કે કન્ડેસન્ડ મિલ્ક ની કે માવો કે ક્રીમ ઉમેરી બનાવી શકો છો. આજે આપણે ઘર ની સામાન્ય વસ્તુ માંથી બનતી સ્વાદિષ્ટ મેંગો મલાઈ કુલ્ફી ની રીત જોઈશું..

નોંધ :

• મેં અહીં મિલ્ક પાવડર ઉપયોગ કર્યો છે . આપ કોર્ન ફ્લોર , ચોખા નો લોટ , કે કન્ડેસન્ડ મિલ્ક પણ વાપરી શકો.

• મેં આ રેસિપી માં કોઈ કલર કે એસેન્સ વાપર્યું નથી, આપ ચાહો તો વાપરી શકો.

• આ કુલ્ફી બનાવવા પાકી અને મીઠી કેરી લેવી , જેમાં ખાંડ ઓછી નાખવી પડે અને રેસા પણ ઓછા હોય.

• કેરી નો રસ કુલ્ફી માટે બનાવતા હોય ત્યારે એક પણ ટીપું પાણી નાખવું નહીં , પાણી હશે તો કુલ્ફી બરાબર જમશે નહીં.

• જો કુલ્ફી ના મોલ્ડ હાજર ના હોય તો કોઈ પણ કપ લઇ એને એલ્યુમિનિયમ ફોઈલ થી કવર કરી લાકડા ની સ્ટિક વચ્ચે લગાવી દો.

સામગ્રી:

• 1 lt ફૂલ ફેટ દૂધ

• 5 મોટી ચમચી મલાઈ

• 1/2 વાડકો દૂધ નો પાવડર (મિલ્ક પાવડર)

• 1/2 વાડકો ખાંડ

• 1.5 વાડકો કેરી નો પલ્પ

• થોડા કેસર તાંતણા

• 1/2 ચમચી ઈલાયચી પાવડર

• થોડા બદામ પિસ્તા ની કાતરણ, સજાવટ માટે

રીત :


એક પોહળા અને મોટા તપેલા માં દૂધ ઉકાળો. મધ્યમ આંચ પર ઉકાળવા દો. સાઈડ પર જામતી મલાઈ પણ ચમચા થી દૂધ માં ભેળવતા જાઓ. 15 થી 18 મિનિટ માટે ઉકાળો .. આ ગરમ દૂધ માંથી 2 ચમચી દૂધ લઇ એમાં કેસર પલાળી દો.


હવે આ ઉકળતા દૂધ માં મલાઈ , દૂધ નો પાવડર અને ખાંડ ઉમેરો. મધ્યમ આંચ પર બીજી 5 થી 7 મિનિટ ઉકાળો. હવે એમાં પલાળેલું કેસર અને ઈલાયચી નો ભૂકો ઉમેરો.. ગેસ બંધ કરી ઠંડુ થવા દો.


કેરી નો પલ્પ બનાવા કેરી ને ધોઈ છાલ ઉતારી લો. નાના નાના ટુકડા કરી બ્લેન્ડર કે મિક્સર માં વાટી લો. એક પણ ટીપુ પાણી ઉમેરવાનું નથી..


ઉકાળેલું દૂધ એકદમ ઠરી જાય એટલે કેરી નો પલ્પ આ દૂધ માં ઉમેરો. બ્લેન્ડર ની મદદ થી એકસરખું મિક્સ કરી લો.


હવે આ ફ્લેવરફુલ જાડા દૂધ ને કુલ્ફી મોલ્ડ માં નાખો. કુલ્ફી મોલ્ડ ને 30 મિનિટ માટે ફ્રીઝર માં ઠંડા કરી લીધા બાદ જ દૂધ ઉમેરવું. આમ કરવા થી કુલ્ફી જલ્દી બની જાય છે. હવે આ મોલ્ડ ને 7 થી 8 કલાક માટે ફ્રીઝર માં મૂકી દો.


ત્યારબાદ મોલ્ડ ને ફ્રીઝર માંથી કાઢી , અડધી મિનિટ માટે નળ નીચે, વહેતા પાણી નીચે રાખો. હળવેક થી સ્ટિક પકડી કુલ્ફી ને બહાર કાઢો. પ્લેટ માં કાઢી એના ઉપર બાદામ પિસ્તા ની કાતરણ ભભરાવો અને તરત પીરસો.

આશા છે પસંદ આવશે..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *